'વાઇરસ નફરત'.. માણસ નહીં માણસાઈ પર ખતરો - Sandesh
  • Home
  • Columnist
  • ‘વાઇરસ નફરત’.. માણસ નહીં માણસાઈ પર ખતરો

‘વાઇરસ નફરત’.. માણસ નહીં માણસાઈ પર ખતરો

 | 1:09 am IST

થોડા હટકે :- પ્રસન્ન ભટ્ટ

ભારતમાં જીવલેણ કોરોનાનો સંબંધ હવે દિલ્હી પોલીસે નિઝામુદ્દીનના મરકઝ સાથે કાગળ પર અંકિત કરી દીધો છે. આ જમાતમાં હાજરી આપનારા પૈકી ૧૪ રાજ્યના ૬૪૭ કોરોના સંક્રમિત હોવાના રિપોર્ટ પણ આવી ગયા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે શુદ્ધ ગુજરાતીમાં સામાજિક આભડછેટ એકમાત્ર કોરોનાથી બચવાનો ઉપાય હોય ત્યારે આવા કપરા સંજોગોમાં ધર્મની ચર્ચા માટે પણ ભીડ ભેગી કરવી અપરાધ ગણાય. સર્વ સમર્થ ભાજપ માટે માથાનો દુઃખાવો એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નિઝામુદ્દીન મરકઝ સામે ફોજદારીની આગોતરી માગ કરી પોતાની ચામડી બચાવતા હોય ત્યારે નિઝામુદ્દીન મરકઝની તરફેણ રાજકીય ફલક પર કોઈ વિચારી શકે નહીં. અહીં તરફેણ કરવી જ નથી અને કરાય પણ નહીં છતાં વાત થોડી હટીને તો કરવી જ છે.

સુરત શહેરના એરપોર્ટ સામે એક વૈભવી રહેણાંક સંકુલમાં ગુરુવારની બપોરે બનેલી સત્ય ઘટના સાથે આજના લેખની શરૂઆત કરવી છે. સંપન્ન લોકોની આ વસાહતમાં રહેતા ડો. સર્વજ્ઞા દાદાવાલા પોતાના ગોલ્ડન રિટ્રીવર શ્વાનને લઈ તેની કુદરતી દિનચર્યા આટોપાવવા સંકુલની બહાર નીકળ્યા હતા. ત્યાં ફ્રૂટ વેચવા નીકળેલો એક ટેમ્પો દેખાતા તેમણે તેની પાસે તરબૂચ ખરીદ્યું, જે તેમના શ્વાનને ખૂબ ભાવતું હતું. આ દૃશ્ય સંકુલમાં આવેલા બિલ્ડિંગની બારીમાંથી કેટલાંકે જોયું અને તેઓ નીચે ધસી આવ્યા. દાઢી-ટોપીવાળા ટેમ્પોચાલક પાસે ખરીદાયેલા તરબૂચ માટે સંકુલમાં પ્રવેશબંધીનું ફરમાન થયું. તબીબે પોતાના શ્વાનની તરફેણમાં રીતસર કાકલૂદી કરી છતાં સંકુલના એ રહીશો માન્યા નહીં. ફ્રૂટ વેચવા આવેલો ટેમ્પોચાલક પરિસ્થિતિ સમજી જતાં ત્યાંથી ભાગી છૂટયો હતો. લગભગ ૨૦ મિનિટ ચાલેલા આ ઘર્ષણનો અંત તબીબ પાસે તરબૂચ દરવાજા બહાર ફેંકાવી દીધા બાદ જ આવ્યો હતો. સમગ્ર ઘટનાની પરાકાષ્ઠા એ હતી કે, ખરીદાયેલું તરબૂચ માણસ નહીં કૂતરો ખાવાનો હતો અને નફરતે બાપડાંને ખાવા દીધું નહીં.

નિઝામુદ્દીન મરકઝ સામેની કાર્યવાહી એક સામાન્ય અને અપેક્ષિત પોલીસ પ્રક્રિયા હતી. ઘટનાનું નિરુપણ પણ એ જ રીતે થવું જોઈતું હતું. દુર્ભાગ્યવશ એવું થયું નહીં. કોમી આગ સતત સળગતી રાખવા તત્પર રહેતા તત્વોએ નિઝામુદ્દીન મરકઝ સાથે કોરોનાને જોડી રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિના બિહામણા વેશભૂષા સાથે સોશિયલ મીડિયાના બધા જ મંચ સજાવી દીધા. ત્યારથી શરૂ થયેલો એ ભૂંડો તમાશો અવિરત ચાલુ છે અને કોરોનાથી અતિશય ભયાનક એવા ‘વાઈરસ નફરત’ને દેશની રગ-રગમાં ફેલાવી રહ્યો છે. ઉપરોક્ત કૂતરા માટેનું તરબૂચ ફેંકાવી દેવાની ઘટનાનું દ્રષ્ટાંત અત્રે ખૂબ સૂચક છે. ગત ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કોરોના સત્તાવાર પ્રગટ થયો ત્યારથી પ્રચાર માધ્યમોમાં તેના સિવાય કોઈ સમાચાર સ્થાન પામતા ન હતા. ચર્ચાના નામે માત્ર ઘાંટાઘાંટ અને ઘોંઘાટ કરનારાના ગળા કોરોનાને કારણે બેસી ગયા હતા. મરકઝના સમાચારે ફરી તેઓ ગેલમાં આવી ગયા છે, સાથે સોશિયલ મીડિયા પર પણ ઝેરી અને ચોક્કસ વૈમનશ્ય ઊભું કરતો પ્રચાર માઝા મૂકી રહ્યો છે.

જન સામાન્યને વિચારવાની તક આપ્યા વિના માન્યતા બાંધી લેવા વિવશ કરી દેતી આ ટોળકીએ પોલીસ પર થૂંકતા એક મુસ્લિમનો વીડિયો નિઝામુદ્દીન મરકઝના સંદર્ભમાં જોડી વાઇરલ કર્યો છે. ખરેખર આ વીડિયો ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલી મુંબઈની અદાલતમાં બનેલી ઘટનાનો છે. જેની હકીકત એવી છે કે, મોહંમદ શૌકતઅલી નામનો કેદી મુદ્તની તારીખે અદાલતમાં લવાયો છે, જ્યાં તેને તેના પરિવાર દ્વારા લવાયેલું ખાવાનું પોલીસ આપવા દેતી નથી અને ઉશ્કેરાયેલો મો. શૌકત પોલીસ પર ગુસ્સામાં થૂંકે છે. ગૂગલ પર મુંબઈ શૌકતઅલી-પોલીસ પર થૂંક્યો જેવા શબ્દ ટાઈપ કરો એટલે પુરાવો ઉપલબ્ધ છે. આ મોહંમદ શૌકતઅલીને કોરોના જેહાદી બતાવનારાઓને દેશદ્રોહી ગણવા કે નહીં તે વાચકની પોતાની મનસૂબી છે. આજે કોરોના વાઈરસથી વધુ ચિંતા ઉપજાવતી સ્થિતિ ધીમી પણ મક્કમ ગતિએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. સ્વામી વિવેકાનંદ જો આદર્શ હોય તો તેમની વાત પણ આદર્શ ગણાવી જોઈએ. વિશ્વ ધર્મ સંમેલનમાં `My Dear Brothers and Sisters’થી તેમણે કરેલા સંબોધને તમામ ધર્મોને સનાતન ધર્મની વિરાટતાના દર્શન કરાવ્યા હતા. ત્યાં પ્રત્યેક ધર્મના ધર્મ ગ્રંથ હતા. જેમાં ‘શ્રીમદ્ ભાગવત ગીતા’ સૌથી નીચે હતી. આમ તો વ્યંગના ભાવથી આમ કરાયું હતું, પરંતુ વિવેકાનંદે જ્યારે તેમના વક્તવ્યનું સમાપન કર્યું ત્યારે સભાખંડ સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતોથી અભિભૂત હતો. ત્યાં હાજર સૌ સ્વીકારી ચૂક્યા હતા કે, ભાગવત ગીતા તમામ ધાર્મિક વિચારધારાઓનો પાયો છે. આજે જે થઈ રહ્યું છે તે સ્વામી વિવેકાનંદના આદર્શોથી વિપરીત જણાય છે.

થોડી વાત ઇસ્લામ ધર્મના સંદર્ભમાં કરવી છે. કોરોનાને રોકવા સરકાર અને તબીબોએ દર્શાવેલા દર્દીથી સલામત અંતરના એકમાત્ર ઉપાયનો ઉલ્લેખ હદીશમાં પણ છે. મુસરતે અબુ-યે-આલી અને મુસ્નદે અહમદમાં ૫૮૨ નંબર પર હદીસ મૌજુદ છે. ૧૪૦૦ વર્ષ પહેલાં નબી મો. સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કહ્યું છે કે, એવો કોઈ બીમાર કે જેનો ચેપ લાગતો હોય તો તેનાથી એક નેઝાનું અંતર રાખવું અને આમ કરવું બતોરે ઈલાજ છે. બતોરે ઐતિહાદ છે. તવક્કુલની ખિલાફ નથી. આ હદીસમાં બીમારને લાંબો સમય નહીં જોવાની અને વાત કરતી વખતે એક નેઝાનું અંતર રાખવાની તાકીદ કરેલી છે. ટૂંકમાં કોરોનાને રોકવા જે તબીબો કહે છે તે ઈસ્લામમાં ધર્મનું પણ ફરમાન છે. પોતાના ઈમાન પર કાયમ છે તે પ્રત્યેક મુસલમાન આ રાષ્ટ્રીય આફતમાં રાષ્ટ્રની સાથે છે. જમાતનું કામ રસ્તો ભૂલેલાઓને મુસલ્લે ઈમાન પર કાયમ કરવાનું છે. ઈસ્લામનો પહેલો હુકમ મુલ્કની વફાદારી છે. રોજીના માલિકનું મહત્ત્વ પણ ઈસ્લામે બખૂબ સમજાવ્યું છે. ખેર આજે ધર્મની નહીં ધાર્મિકતાની જરૂર છે. આપણી આવનારી પેઢીને સંસ્કારમાં નફરતનો વારસો નથી આપવો. દેશના પ્રધાનમંત્રીએ ૫મીએ એટલે કે આજે રાત્રે ૯ વાગ્યે દીવો કે મીણબત્તી પ્રગટાવવા ૧૩૦ કરોડ દેશવાસીઓને આહ્વાન કર્યું છે. અર્થાત્ મુસ્લિમ બિરાદરીને તેમણે બાકાત રાખી નથી. મોદી વિરોધીઓ અને કહેવાતા મોદી સમર્થકોનું પોતપોતાને સાચા ઠેરવવાનું ઝનૂન પહેલી નજરે વિશ્વસનીયતા ગુમાવનારું છે.

અને છેલ્લે…

હું સનાતન ધર્મનો શીખાધારી સૈનિક છું. માનવતા મારો જીવનમંત્ર છે. સારું સારું નહીં સાચું સાચું લખવું તે મારો ધર્મ છે. સમગ્ર વિશ્વમાં જાતે ફેલાયેલો, ચીનથી નીકળી અમેરિકા-ઈંગ્લેન્ડ જેવી મહાસત્તાઓને હંફાવતા COVID-૧૯ કોરોના વાઇરસે ભારતમાં ફેલાવવા માટે કોઈ ષડ્યંત્ર કરવું પડે તેવું કોઈ કહે અને આપણે માની લઈએ તે વાત એકવાર ખુલ્લા મનની ફેરવિચારણા માગે છે.

ખાસ નોંધ : ઈસ્લામ ધર્મના સંદર્ભમાં કરેલો ઉલ્લેખ શુદ્ધ ઈરાદા સાથે કોમી ભાઈચારો પ્રસ્થાપિત કરવાના હેતુથી કર્યો છે. શરતચૂકથી કોઈ ક્ષતિ રહી હોય તો દરગુજર કરવા વિનંતી છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન