Visavadar Heavy Rain: 17 inches in 12 hours, 18 inches in Girnar, find out how much rain fell in Saurashtra?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વિસાવદરમાં આભ ફાટ્યું: 12 કલાકમાં 17 ઈંચ, ગિરનાર પર 18 ઈંચ, જાણો સૌરાષ્ટ્રમાં ક્યા કેટલો વરસાદ પડ્યો?

વિસાવદરમાં આભ ફાટ્યું: 12 કલાકમાં 17 ઈંચ, ગિરનાર પર 18 ઈંચ, જાણો સૌરાષ્ટ્રમાં ક્યા કેટલો વરસાદ પડ્યો?

 | 12:59 pm IST
  • Share

સોરઠમાં આજે મેઘરાજાએ શ્રીકાર અમીવર્ષા વરસાવતા જે ડેમ,નદી-નાળાના તળિયા દેખાતા હતા તે તમામ નાના-મોટા ડેમ,નદી-નાળા, ઝરણાઓ છલકાઈ ઉઠતા સર્વત્ર ધરતીપુત્રોમાં ખુશીની લ્હેર ફરી વળી છે. માત્ર છેલ્લા 12 કલાકમાં જ જિલ્લામાં મેઘરાજાએ એકધારી સટાસટી બોલાવતા પાણી પાણી અને જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વિસાવદરમાં જાણે આભ ફટયું હોય તેમ 12 કલાકમાં 17 ઈંચ વરસાદથી અહીની પોપટડી, મયારી, કલારો નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા, તો અહીનો ધ્રાફ્ડ ડેમ ઓવરફ્લો થતા તેના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. તો આંબાજળ સહિતના ડેમોમાં પુષ્કળ પાણીની આવક નોધાઇ હતી.

સાથે ગિરનાર પર મેઘરાજાએ 18 ઈંચ વરસાદી પાણી વરસાવતા આસપાસના હસ્નાપુર અને વિલિંગડન ડેમ, આણંદપુર ડેમ, દામોદર કુંડ, નરસિંહ સરોવર ઓવરફ્લો કરી દીધા હતા, તો સોનરખ નદી, કાળવો નદીમાં ઘોડાપુર આવ્યા હતા. જૂનાગઢ શહેરમાં સતત વરસેલા 07 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ફેરવાયા હતા, અહીંના દોલતપરામાંથી છ લોકોનું પાણીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, તો સાબલપુર ચોકડી પાસે અનેક દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓએ હાઇવે પર ડિવાઈડર તોડવાની ફ્રજ પડી હતી. શહેરનો પાણી પ્રશ્ન હાલ પુરતો હલ થયેલ હતો.

જિલ્લામાં અન્યત્ર કેશોદ, ભેંસાણ, મેંદરડા, માંગરોળ, માણાવદર, માળિયા, વંથલી પંથકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો, જિલ્લામાં પડેલા વરસાદથી રવિ સિઝનમાં સારો પાક લઈ શકાય તેવી સ્થિતિનું અને ખરીફ્ સિઝનમાં મબલખ ઉત્પાદન થાય તેવી સ્થિતિ મેઘરાજાએ કલાકોમાં સર્જી દેતા સર્વત્ર ખુશીની લેહર દોડી ગયેલ છે. જૂનાગઢ નજીક આવેલ આણંદપુર ડેમ પાસે પુલ પરથી એક કાર પાણીમાં ખાબકતા તેના ચાલકને બચાવીને કારને ક્રેઇનની મદદથી બહાર ખેચવામાં આવી હતી. તો જૂનાગઢ જિલ્લાના ધ્રાફ્ડ, ઓઝત વિયર, ઓઝત શાપુર, બાંટવા ખારો, અમીપુર ડેમ ઓવરફ્લો થયા છે. તો જંગલ વિસ્તારમાં વન્ય જીવો, પશુ,પંખીઓના પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે અને સર્વત્ર હરિયાળી જોવા મળી રહી છે.

ગીર-સોમનાથ જિલ્લામાં સર્વત્ર 1થી 4 ઈંચ વરસાદ

ગીર-સોમનાથ જિલ્લામાં સર્વત્ર એક થી ચાર ઈંચ જેવો વરસાદ વરસ્યો છે વેરાવળ પંથકમાં ગત રવિવાર સાંજના 06 વાગ્યાથી સોમવાર સાંજના 04 વાગ્યા સુધીમાં ઉનામાં 11 એમ.એમ,કોડીનાર-27, ગીરગઢડા-33, તાલાલા-77, વેરાવળ-44 અને સુત્રાપાડામાં 29 એમ.એમ.વરસાદ પડયો છે. ડોળાસા અને આજુબાજુના ગામોમાં ચાર ઈંચ વરસાદ પડયાના અહેવાલો મળી રહ્યા છે. ડોળાસામાં 4 ઈંચ વરસાદ પડયો હતો.

પોરબંદરમાં દોઢ થી ત્રણ ઈંચ વરસાદ

પોરબંદર શહેરમાં આજે દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ પડવો શરૂ થયો હતો અને સાંજ સુધીમાં પોરબંદરમાં દોઢ,રાણાવાવ-2 અને કુતિયાણામાં 03 ઈંચ વરસાદ પડયો હતો.

અમરેલી જિલ્લામાં રવિવારે મોડી રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને સૌથી વધુ વડીયામાં 24 કલાકમાં 6 ઈંચ અને બગસરામાં 3 ઈંચથી વધુ અને ધારીમાં 1 ઈંચ વરસાદ પડી ગયો હતો. વરસાદના કારણે ધારીના ખોડિયાર ડેમના 5 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. અમરેલી, લીલીયામા 1 ઈંચ વરસાદ પડયો હતો. અમરેલીના ઠેબી ડેમમા 53 ટકા પાણીની આવક થઈ છે. બગસરાનો મુંજીયાસર ડેમ ઓવરફલો થવાની તૈયારીમા છે.

મોરબી જિલ્લામાં આજે પણ મેઘરાજાએ તોફની બેટીંગ કરીને મેઘકૃપાથી ધરતીને તરબોળ કરી દીધી હતી. ખાસ કરીને ટંકારા પંથકમાં મેઘરાજાએ ધોધમાર વહાલ વરસાવતા જળબંબાકાર જેવી સ્થિતિ થઈ પડી હતી. જેમાં સવારે 06 થી સાંજના 06 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે ટંકારામાં ૩, વાંકાનેરમાં દોઢ, માળીયામાં સવા, હળવદમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જો કે મોરબીમાં સરકારી ચોપડે છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન