દેખ લિયા? ભરોસા કૈસે કરેં, ઔર કિસ પર? - Sandesh

દેખ લિયા? ભરોસા કૈસે કરેં, ઔર કિસ પર?

 | 3:24 am IST

ગોડફાધર્સઃ શીલા રાવલ

છોટા શકીલ સાથેની એ દિવસની વાત મારા માટે ચોંકાવનારી હતી. દિવસ ૪ જુલાઈ ૨૦૧૫નો હતો. એ દિવસે ફોન ઉપર વાત કરતાં રોજ છોટા શકીલે મને કહ્યું, અમે પાછા આવવા માગતા હતા, પરંતુ સરકારોએ અમને પાછા આવી કેસ લડવાની પરવાનગી જ ન આપી. યે અડવાની કા ગેમ હૈ! તમારી સરકાર ઈચ્છતી જ નથી કે અમે પાછા આવીએ. ભાઈએ જાતે એ સમયે લંડનમાં રામ જેઠમલાણી સાથે વાત કરી હતી. અબ દાના ડાલને સે કોઈ ફાયદા નહીં. અમે જાણી ગયા છીએ કે તેઓ અમને સકંજામાં સપડાવશે અને અમારી સાઈડ પુરવાર કરવાની (અમને કોર્ટમાં અમારી વાત રજૂ કરવાની) તક નહીં આપે.

પછીથી અડવાણીએ એક ચેનલને ઈન્ટરવ્યૂ આપતાં કબુલ કર્યું હતું કે બ્લાસ્ટ પછી ૧૯૯૪માં તેઓ દાઉદને મળ્યા હતા. એનું કહેવું એમ હતું કે તે આ ઘટનામાં સંડોવાયેલો નથી અને તેને તો આ બ્લાસ્ટમાં ખોટો ફસાવી દેવામાં આવ્યો છે અને જો તેને વ્યાજબી રીતે પોતાની વાત રજૂ કરવાની છૂટ આપવાની ખાતરી આપવામાં આવે તો એ ભારત આવીને કેસનો સામનો કરવા તૈયાર છે. અડવાણીએ કહ્યું કે મેં એ વખતના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શરદ પવારને દાઉદે મને કરેલી પાછા આવવાની ઓફર વિશે વાત કરી હતી. એ સમયની સરકારે દાઉદની પાછા ફરવાની ઓફર નહોતી સ્વીકારી એમને એક્સ્પોઝરની (ઊઘાડા પડી જવાની) બીક લાગતી હતી. બેશક એ લોકોએ કશુંક સંતાડવાનું હતું. એવું કશુંક જે દાઉદના ભારત પાછા આવવાથી ઊઘાડું પડી જાય!… દાઉદની ઓફર નકારવાનો નિર્ણય માત્ર શરદ પવારનો નહોતો. પી. વી. નરસિંહરાવની આગેવાનીવાળી કોંગ્રેસ સરકાર પણ એમાં સામેલ હતી. જેઠમલાણીએ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું.

રામ જેઠમલાણીના આ ઈન્ટરવ્યૂના જવાબમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું, હા, રામ જેઠમલાણીએ મને એક પ્રપોઝિશન આપી હતી, પરંતુ એ ગુપ્ત વાત હતી. દાઉદ ઈબ્રાહિમ સામે સેંકડો નાગરિકોનો ભોગ લેનાર મુંબઈ સિરીયલ બ્લાસ્ટના ગુના સબબ ગંભીર આરોપો હતા. એવામાં દાઉદને તેની ઓફર પ્રમાણે ભારત લાવીને તેને ફાઈવસ્ટાર સગવડો સાથે રહેવાની સગવડો આપવી શું યોગ્ય ગણાત? કાયદો બધા માટે સરખો જ છે.

એ પછી ૪ જુલાઈ ૨૦૧૫માં મેં ટેલિફોનિક ઈન્ટરવ્યૂમાં છોટા શકીલને પૂછયું હતું દાઉદ, અનિસ સહિત કાસકર પરિવારના બધા સભ્યો ભારત પાછા આવીને કાયદાનો સામનો કરવાનું વિચારશે ખરા? જવાબમાં શકીલે કહ્યું હતું કે ભારતની વર્તમાન સરકાર સહિત કોઈ સરકાર ડોનની ભારત પાછા આવવાની ઓફર અંગે સિરિયસ નથી. એ લોકો દાઉદ ભાઈ માટે નિવેદનો કરતા રહે છે, જેમ કે અમે ડી ગેન્ગના પગ હેઠળની ધરતી એટલી ગરમ કરી દઈશું કે ઓસામાની જેમ એણે પણ બહાર આવવું જ પડશે. હવે અમે કોઈનીય કોઈ વાત પર વિશ્વાસ કરતા નથી અને ભારતીય અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કોઈ ઓફર સ્વીકારતા નથી. એ પછી તેણે યાકુબ મેમણ પરિવાર સાથે ભારત આવ્યો એ પછી તેની સાથે કરવામાં આવેલા વર્તાવ અને તેણે ભોગવવી પડી મુશ્કેલીઓ ગણાવવા માંડી હતી. તેણે કહ્યું કે યાકુબ મેમણ જાણતો જ નહોતો કે તેના ભાઈઓ ટાઈગર અને અયુબ કેવા કેવા કામો કરી રહ્યા છે. એટલે એને ખાતરી હતી કે તેની નિર્દોષતા ભારત સરકાર સમજી શકશે. પૂરી ગંભીરતા અને તીવ્રતા સાથે તે ભારત આવીને પોલીસને શરણે થયો હતો. છતાં તેને ગુનેગાર સાબિત થવું પડયું અને ફાંસીએ લટકાવવાની સજા મેળવી. શકીલનો આરોપ હતો કે ભારત સરકારે યાકુબને જે ખાતરી આપી હતી જે વચન આપ્યું હતું તે પાળ્યું નહીં. એટલે હવે અમારામાંથી કોઈનાય ભરોસે રહીને ભારત પાછા આવવાનો વિચાર પણ નથી કરતા.

આ ઈન્ટરવ્યૂના ૧૧ દિવસ પછી ૧૫ જુલાઈ ૨૦૧૫ના રોજ સમાચાર આવ્યા કે યાકુબ મેમણને ૩૦ જુલાઈ ૨૦૧૫ના રોજ નાગપુરની સેન્ટ્રલ જેલ ખાતે સવારે ૭-૦૦ વાગ્યે ફાંસીએ લટકાવવામાં આવશે. તેણે કોર્ટના ચુકાદા સામે ફેરવિચારણાની જે અરજી કરી હતી તેના કારણે સુપ્રીમ કોર્ટે તેને ફાંસી આપવા સામે સ્ટે આપ્યો હતો. એ અરજી નકારી દેવામાં આવી એટલે તેને ફાંસી આપવાનો રસ્તો ખુલી ગયો હતો. તેણે રાષ્ટ્રપતિને કરેલી દયાની અરજી પ્રણવ મુખરજી દ્વારા એપ્રિલ ૨૦૧૫માં જ નકારી દેવામાં આવી હતી. ફરી દયાની અરજી કરવામાં આવી તો તે પણ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા જુલાઈમાં નકારી દેવામાં આવી હતી. ફાંસીનો માર્ગ મોકળો થઈ ગયો એના બીજા જ દિવસે શકીલનો મેસેજ આવ્યો હતો, દેખ લિયા? ભરોસા કૈસે કરેં, ઔર કિસ પર?

આ વાત જાહેર થતાં ભારત સરકાર એક વાત પર અડગ રહી કે યાકુબ અને તેના પરિવારને દયા દાખવવાનું કે સગવડ આપવાનું કોઈ જ વચન આપવામાં આવ્યું નહોતું. ન મૌખિક, ન લેખિત ન કોઈ માધ્યમ દ્વારા. યાકુબ મેમણની ધરપકડ કરનાર સીબીઆઈ જોઈન્ટ ડાયરેક્ટર શાંતનુ સેને એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપતાં કહ્યું, અમે ગુનેગારો સાથે કોઈ બાંધછોડ કરતા નથી અને યાકુબને તેની ધરપકડ પહેલાં કે પછી કોઈ જ પ્રોમિસ આપવામાં આવ્યું નહોતું. તેણે કાયદાનો સામનો કરવાનો નિર્ણય પોતાની જાતે લીધો અને તેને ભરોસો હતો કે તેને ન્યાય મળશે એટલે તેણે પોતાના પરિવાર સાથે કાયદાની સમગ્ર પ્રક્રિયા પસાર કરી. હું માનું છું કે ન્યાય તોળાયો છે. તેના માતા-પિતાને કોર્ટે નિર્દોષ ઠરાવ્યા છે. તેના એક ભાઈને પણ માનસિક તકલીફ હોવાથી કોર્ટે આરોપમાંથી મુક્ત કર્યો છે. કોર્ટે યાકુબને મૃત્યુદંડ આપ્યો છે કારણ કે તેણે આર્થિક ભંડોળની વ્યવસ્થા કરવામાં અને હથિયારો મેળવી આપવામાં ભૂમિકા ભજવી હોવાનું બંને કોર્ટમાં પુરવાર થયું છે. નામદાર કોર્ટોને લાગ્યું કે આ રેરેસ્ટ ઓફ રેર સંજોગો હતા. તે ટાઈગર અને અયુબ સાથે એક જ ઘરમાં રહેતો હતો અને તેને આખા કાવતરાની ખબર હતી.

ટાઈગર અને અયુબ સિવાયના કાસકર પરિવારના બધા સભ્યો ૧૯૯૪માં દુબઈથી ભારત આવ્યા હતા અને તેઓ ભારતના કિનારે ઉતર્યા કે તરત તેમની સલુકાઈથી ધરપકડ કરવામાં આવી હતી. એ જ વર્ષે યાકુબ કરાંચી જતા વિમાનમાં બેસવા જતો હતો ત્યારે કાઠમંડુ એરપોર્ટ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો હતો. એ સલામતી અધિકારીઓના હાથમાં ન આવ્યો હોત જો એની સુટકેસમાં ઢગલાબંધ પાસપોર્ટનું મોટું બંડલ ન પકડાયું હોત!

(ક્રમશઃ)