વિસનગરમાં બજારો બંધ કરાવવા મહિલાઓનો પ્રયાસ - Sandesh
 • Home
 • Mehsana
 • વિસનગરમાં બજારો બંધ કરાવવા મહિલાઓનો પ્રયાસ

વિસનગરમાં બજારો બંધ કરાવવા મહિલાઓનો પ્રયાસ

 | 12:59 am IST

। વિસનગર ।

હાર્દિક પટેલના સમર્થનમાં વિસનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે વહેલી સવારથી જ બજારો ખુલી ગઈ હતી. બપોરના સુમારે પાટીદાર સમાજની મહિલાઓ થાળી વેલણ સાથે બજાર બંધ કરાવવા માટે નિકળતાં મામલો ગરમાયો હતો. ત્રણ દરવાજા ટાવરની એક તરફ પોલીસ અને ટાવરના અંદરના ભાગે મહિલાઓનાં ટોળાં એકઠાં થતાં પોલીસે છ મહિલાઓની અટકાયત કરી હતી. આખરે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે બેઠક કર્યા બાદ પોલીસે છ મહિલાઓને મુક્ત કરી હતી.તો બીજી બાજુ વિસનગરથી સેવાલીયા જતી બસને ટોળાએ પથ્થર મારી કાચ ફોડી નાંખ્યા હતા. જેના કારણે બસને ડેપોમાં પરત લઈ જવાઈ હતી.

હાર્દિક પટેલના સમર્થનમાં મંગળવારે રાત્રે ત્રણ દરવાજા ટાવર પાસે બજરંગ ચોક ખાતે પાટીદાર મહિલાઓ દ્વારા થાળી વેલણ સાથે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન બુધવારે વિસનગર બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર વિસનગર ખાતે જ વહેલી સવારથી બજારો ખુલી ગયાં હતાં. બપોર સુધી બજારમાં શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. જો કે બપોરે બે વાગ્યાના સુમારે પાટીદાર સમાજની મહિલા થાળી વેલણ સાથે બજાર બંધ કરાવવા માટે ત્રણ દરવાજા ટાવર ખાતે એકઠી થઈ હતી. પાટીદાર સમાજની મહિલાઓ એકઠી થતાં જ ડીવાયએસપી વાઘેલા, શહેર પીઆઈ વી.પી. પટેલ, તાલુકા પીઆઈ પુનડીયા તથા પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવટ હાથ ધરવામાં આવી હતી. હાથમાં થાળી વેલણ સાથે બજાર બંધ કરાવવા માટે નિકળેલી પાટીદાર મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરતાં પોલીસે છ મહિલાઓની અટકાયત કરી હતી. મહિલા પોલીસ તથા પોલીસ જવાનો દ્વારા પરિસ્થીતીને નિયંત્રણમાં લેવા માટે મહિલાઓની અટકાયત કરવાની કામગીરી હાથ ધરતાં થાળી વેલણ સાથે આવેલી મહિલાઓમાં દોડધામ મચી ગઈ હતી. દેખાવકર્તા મહિલાઓ દોડીને સવાલા દરવાજા તરફ જતી રહી હતી. ત્રણ દરવાજા ટાવરની બહાર ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જ્યારે સામે ત્રણ દરવાજા ટાવરની અંદર હાથમાં થાળી વેલણ સાથેની મહિલાઓ તથા યુવાનોનાં ટોળાં જોવા મળ્યાં હતાં.

પોલીસે છ થાળી વેલણ સાથે આવેલી છ મહિલાઓની અટકાયત કરતાં પુનઃ પાટીદાર સમાજની મહિલાઓ ત્રણ દરવાજા ટાવરની અંદર એકઠી થઈ હતી અને થાળી વેલણ ખખડાવી વિરોધ નોંધાવ્યો હતો. પાટીદાર મહિલાઓએ ભારે સૂત્રોચ્ચાર કરતાં પોલીસે સમજાવટ કરવા પ્રયાસ હાથ ધર્યો હતો. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ વિસનગર શહેર પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે વાટાઘાટો કરી અટકાયત કરેલી મહિલાઓને મુક્ત કરી હતી. છ મહિલાઓને પોલીસે મુક્ત કર્યા બાદ દેખાવકર્તા મહિલાઓ સાથે વાતાઘાટો કરતાં મામલો થાળે પડયો હતો. સતત બે કલાક વિસનગર શહેરમાં ભારેલા અગ્ની જેવો માહોલ જોવા મળ્યો હતો

ઊંઝામાં મંગળવારે ટાયરો સળગાવાતાં ૬ની ધરપકડ થઈ : ૨ ફરાર

ઊંઝા : હિંમતનગર નજીક આવેલા ગિયોડના અંબાજી મંદિર ખાતે નીકળેલી પદયાત્રા પર પોલીસે દમન ગુજાર્યું હતું તે સંદર્ભે મંગળવારે ઊંઝા બજાર સજ્જડ બંધ રખાયું હતું. રાત્રે ગાંધી ચોક વિસ્તારમાં મહિલાઓ થાળી વેલણ લઇને રોડ પર ઉતરી આવ્યા હતા અને જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. સરદાર ચોક અને વિસનગર ચોકડી પર ટાયરો સળગાવ્યા હતા. પોલીસે તાબડતોબ સરદાર ચોક તથા વિસનગર ચોકડી જઇને૬ શખ્સોની ધરપકડ કરી હતી અને બે ફરાર થઇ ગયા હતા.

હાર્દિકના સમર્થનમાં વિજાપુરના ૧ર પાટીદારોએ મુંડન કરાવ્યું

પાટીદારો માટે અનામત અને ખેડૂતોને દેવા માફીની માગણી સાથે અમદાવાદ ખાતે ઉપવાસ પર બેઠેલા હાર્દિકના સમર્થનમાં દિનપ્રતિદિન સમર્થકોની સંખ્યા વધતી જાય છે. ગામેગામ યુવાનો અને મહિલાઓ દ્વારા એક બાજુ રામધૂન અને પ્રતીક ઉપવાસના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે વિજાપુરના ૧ર જેટલા પાટીદારોએ બુધવારના રોજ મુંડન કરાવી હાર્દિકને સમર્થન આપ્યુ હતું તો વળી તાલુકાના ગોવિંદપુરા ગામે યુવાનોની સાથે મોટી સંખ્યામાં જોડાયેલી મહિલાઓએ પ્રતીક ઉપવાસ કરી રામધૂન બોલાવી હતી.

બહુચરાજીના ૧૫થી વધુ ગામોમાં ઉપવાસ, રામધૂન, પ્રાર્થનાસભા

અમદાવાદ : છેલ્લા ત્રણ દિવસમાં બહુચરાજી તાલુકાના ૧૫થી વધુ ગામોમાં પાટીદાર સમાજ દ્રારા પ્રતિક ઉપવાસ, રામધૂન, પ્રાર્થનાસભાઓ યોજાઈ ચુકી છે.હાર્દિક પટેલના દિર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો પુરી શ્રદ્ધાથી પ્રાર્થના કરી રહયાં છે.શિવશકિતની ઉપાસના કરવામાં આવી રહી છે.બહુચરાજી તાલુકાના પાટીદાર ગામોમાં આનંદના ગરબાની ધૂન અને રામધૂન સતત ગુંજી રહી છે. બહુચરાજી તાલુકાના શંખલપુર, બેચર-બહુચરાજી, મોઢેરા, મોટપ, ચડાસણા અને રાંતેજ જેવા મોટા ગામોના પાટીદારો હાર્દિકના સમર્થનમાં આવ્યા છે.

વડનગરના હાટકેશ્વર મંદિરે હાર્દિકના સમર્થનમાં પૂજા યોજાઈ

વડનગરના હાટકેશ્વર મહાદેવના ટ્રસ્ટી મંડળે પાટીદારોને  અનામત અને ખેડૂતોને દેવા માફીની માંગ સાથે ઉપવાસ ઉપર  ઉતરેલા હાર્દિક પટેલની સલામતી માટે શુભેચ્છા પાઠવી હતી.  વધુમાં તેને સમર્થન જાહેર કરી આ વિવાદનો ઝડપી ઉકેલ આવે  તેવી આશા વ્યકત કરી હતી. આમ, એકપછી એક ધાર્મિક અને સામાજીક  સંગઠનો હાર્દિકને ખુલ્લો ટેકો જાહેર કરી રહ્યાં છે તો બીજી બાજુ ઊંઝામાં આવતી કાલે બપોરે બે થી પાંચ સુધી ઊમિયાધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

વિવિધ જિલ્લાઓમાં હાર્દિકના સમર્થનમાં કાર્યક્રમો યોજાયા

 • પ્રાંતિજ ખાતે પાટીદાર મહિલાઓ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં થાળી-વેલણ ખખડાવીને વિરોધ કરાયો? પાટીદારોના વર્ચસ્વ ધરાવતા ગામોના ૫૫ યુવકોએ મુંડન કરાવ્યું : મહિલા મંડળ દ્વારા રાત્રી કાર્યક્રમો યોજાયા
 • જિલ્લામાં આંદોલનના સમર્થનમાં ગામે ગામ બેઠકો યોજવાની શરૂ
 • ખંભીસર ના ૩૦૦ પાટીદારોએ દેવામાફી, અનામત અને હાર્દિકના ઉપવાસને લઈ મુખ્યમંત્રીને પત્રો લખ્યા
 • ધનસુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું
 • ભૂડાસણથી બાયડ સુધી પાટીદારો દ્વારા આજે રેલીનું આયોજન? ધ્રાંગધ્રાના મોટા અંકેવાળીયામાં ૫૧ પાટીદારોએ મુંડન કરાવ્યું
 • પાટણથી ઊંઝા પાટીદારોની સદ્ભાવના પગપાળા
 • સિદ્ધપુરમાં હાર્દિકના સમર્થનમાં પાટીદાર યુવકોના દેખાવો : પોલીસે પાંચ યુવાનોની અટકાયત કરી, હાર્દિકના સ્વાસ્થ્ય માટે ૨૦ થી વધુ ગામોમાં રામધૂન કરવામાં આવી
 • આજે પાટણમાં શાળા-કોલેજ બંધ રાખવાનું એલાન : પાલનપુર, મડાણા (ગઢ), વેડંચા અને ભાવિસણામાં રામધુનના કાર્યક્રમો યોજાયા.

કડી તાલુકાના શીયાપુરા ગામે હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન કરાઇ

પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવામાફીની માંગણી સામે આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા હાર્દિક પટેલ સરકાર સામે સતત લડી રહયો છે ત્યારે મા ઉમિયા તેને અખુટ શક્તિ આપે તેવા આર્શીવાદ અર્પણ કરવા સારૂ કડી તાલુકાના શીયાપુરા ગામના પાટીદારો દ્વારા રામધૂન અને ભજનોના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.