નેશન્સ લીગ : સ્પેન અને બોસ્નિયાનો વિજય - Sandesh
  • Home
  • Sports
  • નેશન્સ લીગ : સ્પેન અને બોસ્નિયાનો વિજય

નેશન્સ લીગ : સ્પેન અને બોસ્નિયાનો વિજય

 | 3:42 am IST

લંડન

સ્પેને નવા મેનેજર લુઇસ એનરિકના માર્ગદર્શન હેઠળ નવી શરૂઆત કરતાં એક ગોલ પાછળ રહ્યા બાદ વાપસી કરતાં ઇંગ્લેન્ડને ૨-૧થી પરાજય આપ્યો હતો.

લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે યોજાયેલી મેચમાં ઇંગ્લેન્ડને ૧૧મી મિનિટે માર્ક્સ રેશફોર્ડે ગોલ કરી ટીમને ૧-૦ની લીડ અપાવી હતી પરંતુ તેની બે મિનિટ બાદ સાઉલ નિગુએઝે ગોલ કરી સ્પેનને ૧-૧ની બરાબરી અપાવી હતી. રોડ્રિગો મોરેનોએ ત્યારબાદ ફ્રી કિક પર ૩૨મી મિનિટે ગોલ કરી ટીમને ૨-૧ની લીડ અપાવી હતી. પ્રથમ હાફમાં ડેવિડ ડી ગિયાએ રેશફોર્ડના હેડરને રોકી ઇંગ્લેન્ડને બરાબરી કરતાં રોકી હતી.

મેચના બીજા હાફની શરૂઆતમાં ઇંગ્લેન્ડના લેફ્ટ બેક લુકે શો સ્પેનના દાની કર્વાજલ સાથે અથડાયો હતો. આથી શોના માથામાં ઈજા થતા ંતેને સ્ટ્રેચર પર બહાર લઈ જવાયો હતો. બીજા હાફમાં બંને ટીમો એકેય ગોલ કરી શકી નહોતી. ઇંગ્લેન્ડનો વેમ્બ્લીમાં ૨૦૦૭ બાદ આ પ્રથમ પરાજય છે. તે વખતે યૂરો-૨૦૦૮ના ક્વોલિફાયર મુકાબલામાં ક્રોએશિયાએ પરાજય આપ્યો હતો. તે પછી ૨૪ મેચ બાદ આ પ્રથમ પરાજય હતો જ્યારે ટીમના મેનેજર ગેરાથ સાઉથગેટના માર્ગદર્શનમાં પણ આ મેદાન પર ઇંગ્લેન્ડનો આ પ્રથમ પરાજય હતો.

અન્ય એક મેચમાં બોસ્નિયા હર્જેગોવિનિયાએ નોર્ધર્ન આયરલેન્ડને ૨-૧થી પરાજય આપ્યો હતો. બોસ્નિયા તરફથી ૩૬મી મિનિટે હારિસ દુલ્જેવિચે ગોલ કરી ટીમને લીડ અપાવી હતી જ્યારે બીજા હાફમાં ૬૪મી મિનિટે ડિફેન્ડર ક્રેગ કેચકાર્ટ અને ગોલ કીપર બેઇલે પીકોક ફારેલ વચ્ચેના મિક્સઅપને કારણે બોસ્નિયાના સારિકે ગોલ કરી ટીમને ૨-૦ની લીડ અપાવી હતી. મેચ ૯૦ મિનિટ પૂર્ણ થયા બાદ ૯૦+૩ મિનિટે ગ્રિગે ગોલ કરી લીડ ઘટાડી હતી પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું અને બોસ્નિયાએ ૨-૧થી મેચ જીતી લીધી હતી. આ ઉપરાંત સ્વિટ્ઝરલેન્ડે ઝુબેર (૧૩મી મિનિટ), ઝકરિયા (૨૩), શકિરી (૫૩), સેફેરોવિચ (૬૭), એજેતી (૭૧) અને મેહમેદી (૮૨મી મિનિટ)ના ગોલની મદદથી આઇસલેન્ડને ૬-૦થી કચડી નાખ્યું હતું.