મતદાનનું પ્રમાણ વધારવા ફરજિયાત મતદાન અંગે વિચાર કરવો જરૂરી છે : CM દેવેન્દ્ર ફડણવીસ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • મતદાનનું પ્રમાણ વધારવા ફરજિયાત મતદાન અંગે વિચાર કરવો જરૂરી છે : CM દેવેન્દ્ર ફડણવીસ

મતદાનનું પ્રમાણ વધારવા ફરજિયાત મતદાન અંગે વિચાર કરવો જરૂરી છે : CM દેવેન્દ્ર ફડણવીસ

 | 12:15 am IST

મુંબઇ, તા. ૯

લોકશાહીને મજબૂત કરવા માટે રાજકીય સંસ્કૃતિ વધુ પ્રગલ્ભ થાય એ જરૂરી છે. ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા મતદાન ફરજિયાત બનાવવા અંગે વિચાર થવો જરૂરી છે, એવો અભિપ્રાય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યો હતો. લોકતંત્રને મજબૂત બનાવવા લોકસહભાગ અત્યંત મહત્ત્વનો છે. આ પ્રક્રિયામાં યુવાનોને સમાવી લેવા એ સમયની તાતી જરૂરિયાત છે. એ માટે મોબાઇલનો ઉપયોગ ચૂંટણી પંચે કરવો જોઇએ એવી અપીલ રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવે કરી હતી.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લોકશાહી પખવાડિયું ઉજવાઇ રહ્યું છે. આ ઉજવણી આવતી કાલે શનિવારે પૂરી થતી હોવાથી આજે શુક્રવારે સહ્યાદ્રિ અતિથિગૃહમાં ‘લોકશાહી, ચૂંટણી અને સુપ્રશાસન’ પર યોજાયેલી એક દિવસીય પરિષદમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ લોકશાહી મજબૂત બનાવવા માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ચૂંટણી કમિશનર જે. એસ. સહારિયા, મુખ્ય સચિવ સુમિત મલિક, ડીજીપી સતીશ માથુર મંચ પર હાજર હતા.

લોકશાહી એ આપણા દેશની સાંસ્કૃતિક પરંપરા છે. ચૂંટણીના સંદર્ભમાં મહિલાઓ માટે પચાસ ટકા અનામતનો નિર્ણય લઇ મહારાષ્ટ્રએ મહત્ત્વનું પગલું ભર્યું છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં નાણાંનો ઉપયોગ ચિંતાજનક છે. ચૂંટણી જીતવા મનીપાવરનો ઉપયોગ વધશે તો લોકોનો લોકશાહી પરનો વિશ્વાસ ઉઠી જશે, એમ રાજ્યપાલે જણાવ્યું હતું.

લોકશાહી મજબૂતીકરણની પ્રક્રિયામાં યુવાનોને સામેલ કરવા સોશિયલ મીડિયા એ યોગ્ય માધ્યમ છે. વિવિધ સામાજિક સંસ્થાઓ, સંગઠનો અને ગણેશોત્સવ મંડળોની મદદથી મતદાર નોંધણી અને મતદાનની ટકાવારી વધારવા માટે પ્રયાસો કરવા જોઇએ, એવી અપીલ રાજ્યપાલે કરી હતી.

ચૂંટણી પ્રક્રિયામાં સુધારા માટે સમિતિ નીમવી જોઇએ : મુખ્યમંત્રી  

બંધારણે રાજ્યને જે અધિકાર આપ્યા છે તે અંતર્ગત ચૂંટણી પ્રક્રિયામાં વધારે સુધારા કરવા ચૂંટણી કમિશનરની અધ્યક્ષતા હેઠળ એક સમિતિ રચવી જોઇએ. આ સમિતિ અભ્યાસ કરી અહેવાલ રજૂ કરે જેથી સંબંધિત ચૂંટણી કાયદામાં અપેક્ષિત સુધારા કરવાનું શક્ય બનશે, એમ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. ચૂંટણી જીતવા નાણાંનો બેફામ ઉપયોગ બંધ થવો જોઇએ. રાજ્યમાં જે કાયદા હેઠળ ચૂંટણી યોજાય છે તેમાં મતદાન ફરજિયાત બનાવી શકાય કે કેમ એ અંગે વિચાર કરવો જરૂરી છે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.   રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે યોજાય તો ચૂંટણી પંચ, પ્રશાસન અને પોલીસ પરની તાણ ઓછી કરવામાં મદદ મળે. ચૂંટણીમાં અપરાધીકરણ એ ગંભીર બાબત છે. ગુનાખોરી કરતા લોકોને ચૂંટણી લડતા રોકવા જોઇએ. પરંતુ એમ કરતા મતદાન પર વિપરીત પ્રભાવ ન પડે એ ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે, એમ ફડણવીસે વધુમાં જણાવ્યું હતું.

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટે નવો કાયદો આવશ્યક : સહારિયા

છેલ્લા બે વર્ષમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પૈકી ૮૦ ટકા ચૂંટણી શાંતિપૂર્વક પાર પડી અને મતદાનનું પ્રમાણ પણ વધ્યું. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટે નવો કાયદો ઘડવો જરૂરી છે. યુકેની એક સંસ્થાએ ચૂંટણી પ્રક્રિયા અંગે ૧૬૭ દેશનો અભ્યાસ કર્યો. તેમાંના પાંચ વિવિધ વિભાગ પર આધારિત સંશોધન મુજબ ભારતનું સ્થાન ૩૫મું છે, એવું મુખ્ય ચૂંટણી કમિશનર સહારિયાએ જણાવ્યું હતું.

;