વીએસ પરિસરમાં બંધાયેલી ૨૧ માળની હોસ્પિટલનું સંચાલન એએમસી જ કરશે - Sandesh
  • Home
  • Ahmedabad
  • વીએસ પરિસરમાં બંધાયેલી ૨૧ માળની હોસ્પિટલનું સંચાલન એએમસી જ કરશે

વીએસ પરિસરમાં બંધાયેલી ૨૧ માળની હોસ્પિટલનું સંચાલન એએમસી જ કરશે

 | 1:24 am IST

અમદાવાદ,તા. ૧૩

અમદાવાદ શહેરના મધ્યભાગમાં વા.સા. હોસ્પિટલના વિશાળ પરિસરમાં બંધાઇ રહેલી ૨૧ માળની અદ્યતન અને મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું સંચાલન અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ કરશે, અન્ય કોઇ સંસ્થા નહીં. પરિણામે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને છેલ્લામાં છેલ્લી આધુનિક તબીબી સારવાર પ્રાપ્ત થશે એટલું જ નહીં ગંભીર પ્રકારના રોગો માટે ગુજરાત બહાર કે વિદેશમાં તબીબી સારવાર લેવા જવામાંથી પણ મુક્તિ મળશે.

મેયર પદની અઢી વર્ષની પ્રથમ ટર્મ પૂરી થતા વિદાય લઇ રહેલા મેયર ગૌતમભાઈ શાહે આજે પત્રકારો સાથેની મુલાકાતમાં આ મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મ્યુનિ. કોર્પોરેશન હસ્તક જ રહેશે અને તેના સીધા સંચાલન હેઠળ જ તેનો વહીવટ ચાલશે એવો સ્પષ્ટ ઉલ્લેખ કરીને એ વાતનો છેદ ઉડાડી દીધો હતો કે, આ મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું સંચાલન અમદાવાદ મ્યુનિ. મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (મેટ) રાજ્ય સરકાર કે કોઇ કોર્પોરેટ હાઉસના મેડિકલ યુનિટને સોંપવામાં નહીં આવે.

મેયરે એમ પણ જણાવ્યું કે, આ નવી મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં તબીબી સારવાર માટે અલગ અળગ ચાર્જીસ રહેશે. પરંતુ એ સાથે વા.સા. હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને તો સારવાર મફતમાં જ મળી રહેશે જ.

તેમણે ઉમેર્યું કે, ૨૧ માળની હોસ્પિટલનું બાંધકામ પૂર્ણતાના આરે છે અને આગામી જુલાઇ માસમાં તેનું લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરવામાં આવી છે. લોકાર્પણ સાથે જ તમામ પ્રકારના દર્દીઓ માટે ઓ.પી.ડી. શરૂ કરવામાં આવશે એ પછી અલગ અલગ વિભાગોની કામગીરીનો દોર શરૂ કરાશે.

જ્યારે વિદાય લેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણભાઈ પટેલે એવી માહિતી આપી કે કુસ ૨૭ એકરમાં પથરાયેલી ૨૧ માળની નવી મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ૧,૫૦૦ પથારીની સુવિધા ઊભી કરવામાં આવી છે. ઇમારતમાં ત્રણ ટાવરમાં ૨૪ લિફ્ટ એલિવેટર્સ રહેશે, ૧૨થી ૧૫ માળ સુધી ૪૯૦ ડોક્ટર્સ માટેના ક્વાર્ટ્સ ૧૮મા માળે ૩૦૦ બેઠકોનું ઓડિટોરિયમ અને રૂફટોપ પર હેલીપેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

;