વાહ...વાહ...વાલા કેસરિયા !   - Sandesh

વાહ…વાહ…વાલા કેસરિયા !  

 | 2:02 am IST

ચંદરવો :- રાઘવજી માધડ

ગાયકવાડ સરકારનો સૂરજ સોળેય કળાએ ખીલી રહ્યો હતો. કોઈ એકલદોકલને યાદ કે બાદ કરતાં રૈયત એકંદરે સુખી હતી. રાવ-ફ્રિયાદ થઇ શકતી હતી અને ન્યાયાલય તરફ્થી યોગ્ય ન્યાય પણ મળતો હતો. આવા સારા ને સલુણા વખતે એક બાઈની આંખમાંથી ડળક…ડળક…આંસુ ખરવા લાગ્યાં હતાં. આંસુ સુખ કે દુઃખના નહોતાં પણ પોતાની અમુલખ આબરૂ સાચવનાર પ્રત્યેની અબોલ લાગણીના પડઘા રૂપે હતાં. બાઈ સાડલાના છેડાથી આંખો લૂછીને આગળ બોલી હતી :’ભાઇ, તમારે ને અમારે આંખનીય ઓળખાણ નથી. કોઈ લેવાદેવા નથી તોય તમે નાણાં ચૂકવી આપ્યાં ને ગામવચાળે લીરા થાતી મારી આબરૂ સાચવી…’ આ લાખેણી વાતને સાંભળવા પવન પણ સરવા કાન કરી, સાંભળવા માટે થંભી ગયો હતો. બાઈએ ગળગળા સાદે આગળ કહ્યું હતું :’ભાઈ, મારા વીરા…તમારું સરનામું આપો !’ ત્યાં મુઠ્ઠી ઊંચેરા મનેખે સામે સવાલ કર્યો : ‘કેમ, સરનામાની શી જરૂર છે !?’

બાઈએ હૈયે રાખીને કહ્યું હતું :’મારો દીકરો મોટો થયે તમારાં નાણાં દૂધે ધોયને મોકલી દે એટલે !’

વાલો કેસરિયો લાગણીભાવે બાઈ સામે ટગર ટગર જોઈ રહ્યો હતો. શું કહેવું, શું જવાબ આપવો તે સૂઝતું નહોતું. છતાંય થોડીવારે કહ્યું હતું : ‘બેન ! હું તો ઘોડાનો વેપારી. આજ આયાં તો કાલ બીજે…મારાં કાંઇ ઠેકાણાં નો હોય.. માતાજીની દયાથી ઘણું કમાઉં છું, આ રકમ ભાઈ તરફ્થી બેનનાં કપડાંમાં આપી સમજો.’

‘ના, મારા વીરા…કરજ ચૂકવ્યું ઈને કપડાંમાં કેમ સમજું…!?’ પણ બાઈએ સરનામાનો આગ્રહ છોડયો નહોતો હતોઃ’ઘર-આંગણે પ્રસંગ આવે ને આપે એને કાપડું કે’વાય…!’ બાઈના ઓછા શબ્દોમાં વાલો ઘણું સમજી ગયો હતો ને છેવટે તેમણે સરનામું આપ્યું હતું:’નામઃ વાલા ખીમા કેસરિયા, ચોટીલા પડખેનું રેશમિયા ગામ, મુલક કાઠિયાવાડ.’ આ સરનામું બાઈએ હૈયાના ખાનામાં સાચવીને મૂકી દીધું હતું.

વાલો કેસરિયો ઘોડાનો વેપારી હતો. તેમનો મોટાભાગનો વેપાર અને વ્યવહાર વડોદરા સાથે રહેતો હતો. તેથી વડોદરામાં એક આરબ જમાદાર સાથે ભાઇબંધી થઇ ગઈ હતી. આ આરબ જમાદારનો ધંધો ધીરધારનો હતો. તેણે એક જરૂરિયાતમંદ માણસને પૈસા ધીરેલા. કાળનસીબે એ માણસનું મૃત્યુ થયું હતું. પછીથી તેની વિધવાબાઈને બોલાવી આરબે પઠાણી ઉઘરાણી કરી હતી. બાઇ પાસે પરત આપવા રાતી પાઇ પણ નહોતી તેથી ના પાડી હતી. આ વેળા જમાદારે કાંઈક ન સંભળાય એવાં આકરાં વેણ કહ્યાં હતાં, જે પડખે બેઠેલા વાલા કેસરિયાથી સહન થયાં ન હતાં અને તત્કાળ બાઈનું કરજ વાલાએ ચૂકવી દીધું હતું.

પછી તો આ વાતને વરસોનાં વહાણાં વાઈ ગયાં. કાળની ખેપટ ચઢી ગઈ હતી.

આ વેળા અમરેલી પ્રાંતમાં સૂબા વિઠોબાની ચારેકોર રાડ બોલવા લાગી હતી. કાઠિયાવાડની ખંડણી ઉઘરાવવા તે ગાયકવાડની ફેજ સાથે સોરઠી ઠકરાતો, જાગીરો અને રજવાડાંઓને ધમરોળવા લાગ્યો હતો. પણ જ્યારે વિઠોબાએ,વડોદરાની ધરતી છોડી, કાઠિયાવાડમાં પ્રયાણ કર્યાં હતાં ત્યારે તેમની માએ વાલા કેસરિયાની વિગત કહી, તેમના ઋણમાંથી મુક્ત થવા કહ્યું હતું. આ વાતે વિઠોબાએ પણ વાલા કેસરિયાનું ઋણ ચૂકવવા પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે અમરેલી છોડી ચોટીલા પંથકમાં પડાવ નાખ્યો હતો. આવા કંટા ને કરડા સૂબાનો પાંચાળમાં પડાવ છે તે સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. આવા વસમા વખતે,ગાયકવાડી ફેજના સિપાઈઓ વાલા કેસરિયાના ફ્ળિયામાં આવીને ઊભા રહ્યા હતા ત્યારે આખું ગામ ડરના લીધે ધ્રૂજવા લાગ્યું હતું અને કહેતું હતું : ‘નક્કી કો’કનું આવી બન્યું સમજો !’

વાલા કેસરિયાને સૂબાનું તેડું આવ્યું હતું. કાંઇક નવાજૂની હશે, નો બનવાનું બન્યું હશે. નહીંતર વાલાને તેડાં ન આવે ! પણ વાલાએ સામેથી સૌને ધરપત આપી હતી ને મા ચામુંડાનું સ્મરણ કરવા કહ્યું હતું. પછી વાલાએ સૂબા પાસે જાવા ઘોડીએ પલાણ માંડયાં હતાં.

ચોટીલામાં સૂબાનો જ્યાં મુકામ હતો તેનાથી આઘે, ઘોડા પરથી ઊતરી, ઘોડાને હાથથી દોરી, સૂબાના દેરા-તંબૂથી થોડા આઘેરા ઊભા રહ્યા હતા. ત્યાં સૂબાનું ફ્રમાન થયું હતું ને વાલો અંદર પ્રવેશ્યો હતો.

દેવગણ જેવા ચારણને જોતાં જ સૂબો આભો થઇ, અદકા હેતથી કહે : ‘આપ પોતે જ વાલા કેસરિયા !!?’ વાલાએ વિવેક દાખવી વાણીની મીઠાશ પાથરતા કહ્યું હતું : ‘નામદાર, હું પોતે…વાલો કેસરિયો.’

સૂબાએ પ્રેમથી આવકારી વાલાને આસન દીધું. પછી માતાનું ઋણ ચૂકવવાની માંડીને વાત કરીને ગદ્ગદિત સ્વરે ઉપકારભાવ દર્શાવાયો. ત્યારે વાલાએ ગૌરવ ને આનંદ સાથે કહ્યું હતું:’મેં તો કાઠિયાવાડની ઉજળી પરંપરાને જાળવી, લોહીના સંસ્કાર દાખવી બેનને ગજાસંપન્ન કાપડું કર્યું હતું.’ પછી આૃર્યભાવે પ્રત્યુત્તર પાઠવતાં કહ્યું હતું:’પણ આપના આવા ઉજળા દિવસોમાં મારાં બેને મને યાદ કર્યો એ મારાં પરમ સદભાગ્ય કે’વાય..!’ પછી તો બેઉ વાતોમાં એવાં તો ડૂબી ગયાં કે વખતનું ઓહાણ જ રહ્યું નહીં, પણ વાલાને એકાએક યાદ આવ્યું કે નેસમાં સૌના જીવ અધ્ધર થઇ ગયા છે. ખરા ખબર નહીં મળે ત્યાં લગી મોંમાં અન્નનો દાણો નહીં મૂકે ! અને…નેસ, ગામના માણસો અને ખુદ ગામધણી પણ વાલાની વાટ જોતા હતા.

વાલાએ કહ્યું હતું : ‘સૂબો નહીં પણ બેનનો ભાણિયો, ભાણુભાએ મને બોલાવ્યો હતો..!’

‘ભાણુભા !?’ સાંભળનારાઓને ભારે નવાઇ લાગી હતી. પણ પછી વાલાએ વિગતે સઘળી વાત કરી ત્યારે સૌનાં મોંએથી ‘વાહ…વાહ…વાલા કેસરિયા!’ એવા ઉદ્ગાર નીકળી ગયા હતા.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન