પ્રતીક્ષા ઘર - Sandesh

પ્રતીક્ષા ઘર

 | 3:03 am IST

રંગ-તરંગ । હેમલત્તા માધવરાવ

પ્રતીક્ષાઘર નામ સરસ છે. પણ કોની પ્રતીક્ષા, શાની પ્રતીક્ષા? કહેવાય છે કે રાહ જોવામાં જે આનંદ અને ઉત્સુક્તા હોય છે તે હાંસલ કર્યા પછી ઓસરવા લાગે છે. તેમાંયે જે સગર્ભા સ્ત્રી અને તેનું કુટુંબ બાળકની પ્રતીક્ષા કરતું હોય છે. તેમના માટે તો હરપળ મહત્ત્વની હોય છે. સુખદ સ્વપ્નાંઓથી ભરેલી હોય છે. મનમાં ચિંતા હોય તો પણ સ્વપ્નાં મીઠાં લાગે છે.

અમારા ફાર્મના આદિવાસી ખેતમજૂરના લગ્ન થયાં ત્યારે તેની ઉંમર માંડમાંડ એકવીસની હતી અને તેની વહુ અઠારની આસપાસ હતી. તે પણ કામે આવવા લાગી હતી. મહિના- બે મહિનામાં તેને દિવસ ગયા. મને ખબર પડતાં હું તેને સલાહ-સૂચનો આપવા લાગી. ‘રજા લઈ, શહેરના લેડી ડોક્ટરને બતાવી આવો’ જેવી શિખામણ પણ આપી. પરંતુ તેઓ માન્યા નહીં. અમારી દોડ્ડીમાં ઘણા અનુભવી લોકો છે તેથી ઘરમાં જ બધું કરી લઈશું કહેતા મહિનાઓ વહી ગયા. તે કામ પર આવતી બંધ થઈ અને હું ગુડ ન્યૂઝની અપેક્ષા કરવા લાગી. પરંતુ એક દિવસે તેનો પડોશી આવીને કહી ગયો કે મા-બાળક બંને બચ્યા નથી. યમ આવીને તેમને લઈ ગયો. સાંભળીને બહુ દુઃખ થયેલું.

આજે જ્યારે સમાચાર વાંચ્યા કે ઉત્તરાખંડના પહાડી ઇલાકોમાં એવા પ્રતીક્ષાઘરો સ્થાપવામાં આવી રહ્યા છે કે જ્યાં ગર્ભવતી સ્ત્રીને તેની સુવાવડની તારીખના ૧૫ દિવસ પહેલાં દાખલ કરવામાં આવે છે અને તેની પૂરતી કાળજી લેવાય છે.

આજકાલ મોબાઇલ ફોન બહુ ઉપયોગી નીવડી રહ્યો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉપકેન્દ્રોની નર્સો ગામડે ગામડે ફરી સગર્ભા સ્ત્રીઓની નોંધ રાખે છે. પ્રસૂતિના ૧૦-૧૫ દિવસ પહેલાં તે સ્ત્રીને/ ઘરને ડિસ્ટ્ર્રિક્ટ મેજિસ્ટ્રેટનો ફોન આવે છે કે પ્રતીક્ષાઘર તમારી રાહ જોઈ રહ્યું છે, તમને ખાસ જોઈએ એવા સગા/મદદનીશોને લઈને અહીં આવી જાવ. તમારી સગવડ માટે ૧૦૮ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરેલી છે.

કેટલીક સ્ત્રીઓને ઘર છોડીને આવવું ગમતું નથી. બાળકો, ખેતી, ગાય-ભેંસ બકરી જેવા પાળેલા જનાવરોમાં તેમનું મન અટવાય છે. પરંતુ ખાસ કરીને હાય-રિસ્કવાળી મહિલાઓને સચોટ જવાબ આપી આગ્રહ કરી લઈ જવામાં આવે છે. વ્હીલચેર કે એમ્બ્યુલન્સ તેમને મદદ કરે છે.

પ્રતીક્ષાઘરમાં ઘણી સગવડો છે. દરેક પ્રતીક્ષાઘરમાં બે વર્કર્સ ઉપરાંત એક રસોઇયો હોય છે. ઘરમાં કબાટ અને ડબલ બેડ છે. તેને જોડેલું રસોડું છે. જેથી આવનાર મદદનીશોની મદદથી મનભાવતું રાંધી પણ શકે! સ્વચ્છતાની દૃષ્ટિએ સંડાસ અને બાથરૂમની પણ વ્યવસ્થા છે. તે ઉપરાંત પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દ્વારા તેમને રૂ. ૫,૦૦૦ પણ આપવામાં આવે છે. પ્રયત્ન એ છે કે ગર્ભવતી મહિલાને પ્રતીક્ષાઘર હોસ્પિટલ જેવું નહીં પણ પિયર જેવું લાગે! તે આનંદથી રહે અને કોઈ મુશ્કેલી થાય તો ૧૦૦ મીટરના પરિધમાં અગત્સ્યધામ કમ્યુનિટી સેન્ટર હોય છે જ્યાંના ડોક્ટર કે નર્સો ગર્ભવતી મહિલાની સેવામાં વહેલી તકે પહોંચી જઈ શકે છે કારણ કે પ્રસૂતા અને બાળકનું સ્વાસ્થ્ય મહત્ત્વનું છે.

અત્યાર સુધી રુદ્રપ્રયાગ જિલ્લાની લગભગ ૧૭૪ જેટલી સગર્ભા મહિલાઓએ આ પ્રતીક્ષાઘરોનો લાભ લીધેલો છે. બીજા જિલ્લાઓમાં પણ આ કામ ચાલુ છે. ભારતમાં જ્યાં જ્યાં પહાડી ઇલાકા છે અને જ્યાં નજીકમાં આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નથી હોતી ત્યાં આવા પ્રતીક્ષાઘરો બહુ ઉપયોગી નીવડી શકે છે. ભારતમાં અનેક રાજ્યોમાં તેની શરૂઆત થઈ રહી છે તે આનંદની વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન