Walmart strikes the top 50 Indian officials because of the recession
  • Home
  • Business
  • મંદીનાં ગ્રહણ વચ્ચે વોલમાર્ટે ભારતના 50 ટોપનાં અધિકારીઓને કરી દીધા ઘરભેગા

મંદીનાં ગ્રહણ વચ્ચે વોલમાર્ટે ભારતના 50 ટોપનાં અધિકારીઓને કરી દીધા ઘરભેગા

 | 9:17 am IST

હાલમાં ખોટમાં ચાલી રહેલી વોલમાર્ટ ઇન્ડિયાને મંદીનું ગ્રહણ લાગ્યું છે. વોલમાર્ટ ઇન્ડિયાએ ટોચના લેવલના અધિકારીઓને કાઢી મૂકવાનું શરૂ કર્યું છે. કંપનીએ સોમવારે ગુરુગ્રામના હેડક્વોર્ટરમા કામ કરનાર લગભગ ૫૬ ટોચના અધિકારીઓને પાણીચું પકડાવી દીધું છે. વોલમાર્ટે એવી માહિતી આપી કે સોર્સિંગ, એગ્રિ બિઝનેસ અને એમએમસીજી ડિવિઝનમાંથી વાઇસ પ્રેસિડેન્ટ સહિત ૫૬ સિનિયર અધિકારીઓને ઘેર બેસવાનું કહેવામાં આવ્યું છે. વોલમાર્ટ ઇન્ડિયાના અધ્યક્ષ અને સીઈઓ કૃષ અય્યરે એવું જણાવ્યું કે આ સમીક્ષા તરીકે અમે કોર્પોરેટ ઓફિસમાં તમામ સ્તર પર ૫૬ અધિકારીઓને હટાવી દીધા છે જેમાં ૮ સિનિયર મેનેજમેન્ટ અધિકારીઓ સામેલ છે.

હટાવાયેલા અધિકારીઓને વધારાના લાભ સહિતની રકમ આપવાની ઓફર કરવામાં આવી છે. કંપની એપ્રિલમાં બીજા કર્મચારીઓની છટણી કરશે તેવી મીડિયામાં ચાલી રહેલી ખબરોને રદિયો આપતા તેમણે કહ્યું કે કંપનીની વધારે વધારે છટણી કરવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે અમે ભારતમાં બીટુબી કેશ એન્ડ કેરી બિઝનેસ આગળ વધારવા પ્રતિબદ્ધ છીએ. અમે છ નવા બેસ્ટ પ્રાઈસ મોર્ડન હોલસેલ સ્ટોર અને એક ફુલફીલ સેન્ટર ખોલ્યું છે. અમે અમારા ગ્રાહકોને સારી સેવાઓ આપવા માટે દેશમાં મહત્ત્વપૂર્ણ રોકાણ કર્યું છે. કંપની દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે કંપની વધારે સારા કર્મચારીઓની શોધ કરી રહી છે. જેને માટે કોર્પોરેટ માળખાની સમીક્ષા કરવાની જરૂર છે. કંપની દેશમાં લગભગ ૨૮ જથ્થાબંધ સ્ટોરનું સંચાલન કરી રહી છે. અધ્યક્ષે કહ્યું કે વોલમાર્ટ ભારતમાં નવા સ્ટોર નહીં ખોલે. કારણ કે તેને સતત ખોટ થઈ રહી છે.

વોલમાર્ટ વિશ્વની સૌથી મોટી રિટેલર કંપની

વોલમાર્ટે ૨૦૦૭માં ભારતમાં કેશ એન્ડ કેરી બિઝનેસ શરૂ કર્યો હતો, વિશ્વની સૌથી મોટી કંપની વોલમાર્ટે ૧૬ બિલિયન ડોલરમાં ફ્લિપકાર્ટને ખરીદી લીધી હતી અને તે ૨૮ બેસ્ટ પ્રાઇસ મોર્ડન હોલસેલ સ્ટોરની માલિક છે. ભારતમાં વોલમાર્ટનો લગભગ ૬૦૦નો સ્ટાફ છે. તાતા તાતા ગ્રૂપે વોલમાર્ટનો હોલસેલ બિઝનેસ ખરીદવા માટે મંત્રણા શરૂ કરી હતી. જોકે પાછળથી તેને આ મંત્રણા ફાયદાકારક લાગી નહોતી. વોલમાર્ટ ઇન્ડિયાને ૨૦૧૯ સુધી ૨૧૮૦.૮ કરોડની ખોટ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન