ભટકતી આત્મા - Sandesh

ભટકતી આત્મા

 | 1:21 am IST

ભૂતકથા । અંબાલાલ પટેલ

આવાત બહુ જૂની કે જૂના વખતની નથી. ૧૯૮૬ની સાલના ડિસેમ્બર મહિનાની ૧૮મી તારીખથી આ બિહામણી ભૂતકથાની શરૂઆત થાય છે.

અક્ષય કુમાર નામના એ ઇસમ છેલ્લા છ મહિનાથી ભાડાનો બંગલો શોધી રહ્યા હતા. આજે છ મહિનાની સતત દોડધામ પછી એમને એમનું મનગમતું મકાન મળી ગયું હતું.

આ પહેલાં મકાનોના દલાલ બાબુલાલે અક્ષય કુમાર અને એમની પત્ની નલિનીને ત્રીસથી પાંત્રીસ જેવા મકાનો દેખાડયા હતા, પરંતુ બંનેને એક પણ મકાન પસંદ આવ્યું નહોતું. છેવટે શહેરના છેવાડે, વસતીથી થોડેક દૂર સૂમસામ જગ્યા પર આવેલું આ મકાન જોતાં જ બંનેને એ ગમી ગયું હતું. જોકે આ મકાનને હવેલી કહેવું જ યોગ્ય રહેશે. ત્રણ માળની આ વિશાળ હવેલી બંનેએ દિવસના સમયે જોઈ હતી અને બંને પતિ-પત્ની હવેલી જોઈને ખુશખુશાલ થઈ ગયા હતા. હવેલીની ચારેય તરફ હરિયાળી જ હરિયાળી હતી.

અક્ષય કુમાર અને નલિનીએ જ્યારે તાત્કાલિક હવેલીમાં રહેવા જવાની વાત કરી ત્યારે બાબુલાલે તેમને ચેતવતા કહ્યું : ”આ ખૂબસૂરત હવેલી અગાઉ રહેતાં એક મોટા પરિવારની છે. એ પરિવારના ૨૩ વર્ષના દીકરા રણબીરે પોતાના મા-બાપ તથા ભાઈ-બહેનની ઊંઘમાં હત્યા કરી નાખી હતી. આ દુઃખદ ઘટનાને અહીંના તમામ લોકો જાણે છે. એટલે તમે કોઈ પણ નિર્ણય કરો એ સમજી વિચારીને કરજો.”

પરંતુ અક્ષય કુમારે બાબુલાલની વાતને સહેજ પણ ગંભીરતાથી ન લીધી. એ બોલ્યા, ”બાબુલાલ! તમે અમને જે હકીકત હતી એ સાચેસાચી કહી દીધી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર! પરંતુ મને ભૂતપ્રેતની આવી વાતો પર જરાય વિશ્વાસ નથી.”

અને બીજા જ દિવસે અક્ષય કુમાર પોતાના કુટુંબ સહિત રહેવા માટે આવી ગયા. સરસામાન બરાબર ગોઠવી દેવામાં આવ્યો.

આખો દિવસ સરસ રીતે પસાર થઈ ગયો. અમે બધાં જમીને બરાબર દસ વાગ્યે બધાય સૂઈ ગયા.

અચાનક મોડી રાત્રે અક્ષય કુમારની આંખ એકાએક જ ખૂલી ગઈ. દરવાજા પર ખટ્ખટ્નો અવાજ આવતો હતો. અક્ષય કુમારે પોતાની બાજુના ટેબલ પર પડેલી એલાર્મ ઘડિયાળ પર ધારીને જોયું તો એમાં સવા ત્રણ વાગ્યા હતા. ”આટલી મોડી રાત્રે ભલા, કોણ હોઈ શકે?” વિચારતા અક્ષય કુમાર થોડા ચોંક્યા. પણ પછી એ કોઈ ધમ.. ધમ કરતાંક ઊતરી રહ્યો હોય એવો અવાજ સંભળાયો. અક્ષય કુમાર બીજા કમરામાં આવ્યા. અંધારામાં બારી ખોલીને એ ધ્યાનથી બહાર જોવા લાગ્યા. ત્યાં જ દરવાજા પર ખટ્ ખટ્નો અવાજ સંભળાયો. ત્યારે એમના રુવાંટા ઊભા થઈ ગયા. એમને લાગ્યું જાણે બહાર લોનમાં કોઈ આંટા મારી રહ્યું છે. એમણે જોરથી બૂમ મારીને પૂછયું, ”કોણ છે… ત્યાં?”

બહાર અક્ષય કુમારનો કૂતરો ભસવા લાગ્યો. અક્ષય કુમાર તરત જ મુખ્ય દરવાજા પાસે દોડી આવ્યા અને દરવાજો ખોલીને એમણે બહારનું દૃશ્ય જોયું. તો એ ચોંકી ઊઠયા. એમનો કૂતરો ટોમી એક પડછાયા પાછળ ભસી રહ્યો હતો.

આ હવેલીમાં રહેવા આવ્યાને પહેલી જ રાતે આવી કોઈ ઘટના બનશે એવું તો અક્ષય કુમારે સપનામાં પણ ધાર્યું નહોતું. પોતાની સામેનું આ દૃશ્ય જોઈને અક્ષય કુમાર થોડા ગભરાયા પણ છતાંયે એ હિંમત કરીને બહાર લોન તરફ દોડી આવ્યા અને જેવા એ કૂતરા ટોમી પાસે આવ્યા કે એ સાથે જ એ પડછાયો અચાનક ગાયબ થઈ ગયો.

અક્ષય કુમાર પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. એમની નજર સામે લોખંડના ઝાંપા પર પડી ત્યારે એમને નવાઈ લાગી. ઝાંપો અત્યારે ખુલ્લો હતો. રાત એ સૂતાં એ પહેલાં એ ઝાંપો બંધ કરીને આવ્યા હતા તો પછી એ ઝાંપો ખોલ્યો કોણે? રાતના ઝાંપો બંધ કર્યા પછી કોઈ અંદર આવ્યું નથી તો શું પેલો પડછાયો…

ગભરાટભરી હાલત અને મૂંઝવણભર્યાં વિચારો સાથે અક્ષય કુમાર પાછા હવેલીમાં દાખલ થઈને પલંગ પર ઊંઘી ગયા પણ એ પછી એમને છેક સવાર સુધી ઊંઘ આવી નહીં.

સવારે અક્ષય કુમાર પોતાના નિયમિત કામોમાં પરોવાઈ ગયા. એમણે રાતવાળી ઘટનાની એમની પત્ની નલિનીને પણ વાત કરી નહીં.

આખો દિવસ પસાર થઈ ગયો.

એ હવેલીમાં રહેવા આવ્યાને બીજી રાત આવી.

આજે અક્ષય કુમારે ગઈકાલ રાતવાળી ઘટનાને ધ્યાનમાં રાખીને ખૂબ જ કાળજી લીધી હતી. સૂતાં પહેલાં એમણે આખી હવેલીના બારી-બારણાં બરાબર બંધ કરી દીધાં. ગઈકાલે બે-ત્રણ બારીઓ જે ખુલ્લી રાખી હતી, એ પણ આજે રાતે એમણે બંધ કરી દીધી અને પછી પોતે આવીને પલંગ પર સૂઈ ગયા.

બરાબર દસ વાગ્યે એ સૂતા હતા. સાડા અગિયાર વાગ્યા સુધી એ પડખા ફેરવતાં રહ્યાં. એ પછી એમની આંખ લાગી ગઈ.

બરાબર સવા ત્રણ વાગ્યે અચાનક જ અક્ષય કુમારની આંખ ખૂલી ગઈ. એકદમ સફાળા બેઠા થઈને એમણે જોયું તો રાતે જે બારી-બારણા એમણે ધ્યાનથી બંધ કર્યા હતા એ બધાં જ બારી-બારણાં અત્યારે ખુલ્લા હતા અને એમાંથી સૂસવાટા મારતો પવન અંદર આવી રહ્યો હતો.

અક્ષય કુમારને લાગ્યું જાણે ધમણની જેમ ધબકતો એમનો શ્વાસ હમણાં અટકી જશે. આ બધું શું થઈ રહ્યું છે?

એ ઊભા થઈને હવેલીના મુખ્ય દરવાજા પાસે આવ્યા. ત્યારે એમના આૃર્ય વચ્ચે હવેલીના બંને દરવાજા પણ અત્યારે ખુલ્લા જ હતા. એમણે બહાર નજર કરી તો બહાર આજે કોઈ જ નહોતું.

તરત દરવાજો બંધ કરીને એમણે ફરી બીજા બારી-દરવાજા પણ બંધ કરી દીધા. પલંગ પર આવીને બેઠા. પછી બાજુમાં પડેલા જગમાંથી ગ્લાસ પાણી ભરીને એકીશ્વાસે ગટગટાવી ગયા. એક નજર પોતાની પત્ની નાના બાળક પર નાખી. બંને ઘસઘસાટ સૂતા હતા. સામેના પલંગ પર બીજા બે બાળકો પણ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા.

અક્ષય કુમાર સહેજ આડા પડખે થયા અને એ સાથે જ એમને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

ત્રીજા દિવસની સવાર થઈ. બધાં પોતપોતાના નિયમિત કામો કરતા રહ્યા. દિવસ આથમીને રાત પડી.

રાતે બધાં ઘસઘસાટ સૂતા હતા. ફક્ત અક્ષય કુમારની આંખોમાં જ ઊંઘ નહોતી. એ જાગતાં જ પડયા હતા. બરાબર એક વાગ્યે એમની આંખ લાગી ગઈ અને એ સૂઈ ગયા.

રાતે બરાબર સવા ત્રણ વાગ્યે એમની આંખ ખૂલી ગઈ. એમની પત્ની નલિની બાજુમાં ભરઊંઘમાં સૂતી હતી. અક્ષય કુમારે પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો.

અક્ષય કુમારના સ્પર્શથી અચાનક જ નલિની જાગી ગઈ અને એ બબડવા લાગી, ”એના માથામાં ગોળી મારીને એની હત્યા કરવામાં આવી હતી. એના માથામાં હજુ પણ લોહી નીકળી રહ્યું છે. એના માથામાંથી હજુ પણ લોહી નીકળી રહ્યું છે.”

અક્ષય કુમાર એકદમથી ચોંકી ઊઠયા અને ઊભા થઈ ગયા. બબડી રહેલી નલિનીને એમણે જેમતેમ કરીને ચૂપ કરી. ભયથી નલિનીનો ખૂબસૂરત ચહેરો પીળો પડી ગયો હતો. અક્ષય કુમારે એને દિલાસો આપ્યો અને એના માથે હાથ ફેરવવા લાગ્યા.

થોડી વારમાં નલિનીની આંખો મિંચાઈ ગઈ અને એ પહેલાંની જેમ જ ઘસઘસાટ સૂઈ ગઈ. અક્ષય કુમારે એલાર્મ ઘડિયાળમાં નજર કરી તો બરાબર પોણા ચાર વાગ્યા હતા. નલિનીને સૂઈ રહેલી જોઈને એ ફરીથી વિચારે ચડી ગયા. આ બધું શું થઈ રહ્યું હતું એ એમને સમજાતું નહોતું. રોજ રાતના સવા ત્રણ વાગ્યે જુદી જુદી ઘટનાઓ બનતી હતી અને નલિની સાથે એ ઘટના બનેલી જોઈને એમને પારાવાર વગરની ચિંતા થઈ રહી હતી.

ચોથા દિવસે સવારે નાસ્તો પતાવીને અક્ષય કુમાર સીધા જ એ હવેલીથી થોડેક દૂર રહેતાં બે-ચાર પાડોશીઓ પાસે પહોંચી ગયા. એમણે એ હવેલી વિશેની એ ચિત્ર-વિચિત્ર ઘટનાઓ વિશે એમને વાત કરી.

એ પાડોશીઓએ એમને જણાવ્યું કે સંજીવે પોતાની માના માથામાં ગોળી મારીને એની હત્યા કરી નાખી હતી. એ હત્યા પછી એનું કહેવાય છે કે, એ હવેલીમાં રોજ રાતે કોઈ ને કોઈ ઘટના બનતી જ રહી છે. એ મોટી ઉંમરના પુરુષે ૧૯૭૪ની સાલના નવેમ્બર મહિનાની ૧૪મી તારીખનું જૂનું અખબાર દેખાડયું. એમાં એ હવેલીમાં રહેતાં પરિવારના સભ્યોની તસવીરો છપાઈ હતી. એ તસવીરો જોતાં જ લાગ્યું કે આમાંથી એક ચહેરાને એમણે પડછાયારૂપે એ બહાર લોન પર જોયો હતો. એ અખબારમાં છપાયેલા સમાચારના આધારે એમને એ પણ જાણવા મળ્યું કે એ પરિવારની હત્યા બરાબર સવા ત્રણ વાગ્યે થઈ હતી. બરાબર એ જ સમયે, દરવાજા પર ખટ્ ખટ્નો ભયાનક અવાજ શરૂ થતો હતો અને અક્ષય કુમાર ગાઢ ઊંઘમાંથી જાગી જતા હતા. આટલો ખ્યાલ આવતાં જ અક્ષય કુમારના શરીરમાંથી એક ભયાનક પ્રકારની ધ્રુજારી પસાર થઈ ગઈ.

૧૯૮૭ની સાલના જાન્યુઆરી મહિનાની ૧ તારીખે નવા વર્ષની રાતની ખુશાલી મનાવીને અક્ષય કુમાર પોતાની પત્ની તથા બાળકોને લઈને બેડરૂમમાં જતા રહ્યા. થાકના કારણે બધા ઘસઘસાટ ઊંઘી ગયા. બરાબર સવા ત્રણ વાગ્યે પવનના જોરદાર સૂસવાટાના કારણે બંને પતિ-પત્ની જાગી ગયા. ઓરડાની બધી જ બારીઓ તથા દરવાજા ખૂલી ગયા હતા.જે એમણે સૂતી વખતે બરાબર ફિટ કરીને બંધ કર્યા હતા. અક્ષય કુમાર ઊભા થયા અને એમણે પછડાઈ રહેલ બારીઓ અને દરવાજા બંધ કર્યા. તે છતાંય હજુ જોર જોરથી અવાજો આવી રહ્યા હતા. થોડી વાર થઈ હશે ત્યાંજ અચાનક નલિનીની નજર આપોઆપ ઝૂલી રહેલી આરામ ખુરશી પર પડી. ઊભી થઈને તરત જ એણે લાઈટ ચાલુ કરી.

અક્ષય કુમાર પણ એકદમથી ઊભા થઈ ગયા. એમણે પોતાની પત્નીને પૂછયું, ”કેમ નલિની? શું થયું. તેં લાઈટ કેમ કરી?”

નલિનીએ ઇશારાથી અક્ષય કુમારને આપોઆપ ઝૂલી રહેલી ખુરશી દેખાડી. અક્ષય કુમારે એ તરફ નજર કરી તો એમના આૃર્ય વચ્ચે એ ખુરશી એની મેળે ઝૂલી રહી હતી. એ ઊભા પગલે ખુરશી તરફ આગળ વધ્યા કે ખુરશી એકદમ સ્થિર થઈ ગઈ. અક્ષય કુમાર તરત જ નલિની તરફ ફર્યા અને બોલ્યા, ”નલિની! તું બાળકોને લઈને એકદમથી નીચે ભાગ. મને કંઈક ગરબડ લાગે છે.”

હાંફળી ફાંફળી નલિની ગભરાયેલી હાલતમાં ત્રણેય બાળકોને જગાડીને નીચે જવા આગળ વધી. ત્યાં જ એમને કેટલાક માણસો વાતો કરી રહ્યા હોય એવો અવાજ સંભળાયો. એ અવાજ ધીરેધીરે એકદમથી વધવા લાગ્યો. નલિની અને અક્ષય કુમાર બંને ગભરાયેલી હાલતમાં એકબીજા સામે જોઈ રહ્યા હતા. બાળકો પણ કંઈ સમજી શકતાં નહોતા. એટલે તેઓ પણ એકદમથી ડઘાઈ ગયા હતા.

ત્યારે અચાનક એમણે જોયું તો ઓરડામાં રહેલો પલંગ આગળ પાછળ થવા લાગ્યો. એ સિવાય ઓરડામાં રહેલી બંને તિજોરીના દરવાજા આપોઆપ ખોલબંધ થવા લાગ્યા. એ દરમિયાન પેલા પુરુષોનો વાતો કરવાનો અવાજ તો ચાલુ જ હતો.

હિંમત કરીને અક્ષય કુમાર છેક નલિની પાસે આવી ગયા. એ બધાને સાથે લઈને દરવાજા તરફ આગળ વધ્યા. ત્યાં જ એમની નજર એકદમથી દરવાજા પર પડી. એમને લાગ્યું કે કોઈ દરવાજાને ખોલવાની કોશિશ કરી રહ્યું છે. એકાએક દરવાજો ધડામ કરતાંકને ખૂલ્યો અને ફરીથી બંધ થઈ ગયો. ખૂલેલા દરવાજામાંથી અક્ષય કુમારે જોયું કે બહાર કૂતરો ટોમી આટલો ઘોંઘા અને દરવાજા પછડાવા છતાંય સૂઈ રહ્યો હતો. એમને લાગ્યું કે કૂતરાને કોઈકે બેહોશ કરી નાખ્યો હશે. છતાંય હિંમત એકઠી કરીને એ દરવાજા તરફ આગળ વધ્યા.

દરવાજો ખોલીને જેવી સીડી પર નજર નાખી કે સામે ઊભેલા એ પડછાયાને જોઈને એમનો શ્વાસ ત્યાં જ અટકી ગયો. એ પડછાયો તેમની સામે આંખો કાઢી કાઢીને જોઈ રહ્યો હતો.

આનક એ પડછાયો એકદમથી ગાયબ થઈ ગયો.

એ સાથે જ અક્ષય કુમારે નલિનીને બૂમ મારી, ”નલિની! બાળકોને લઈને જલદીથી ભાગ.”

બાળકોને લઈને તૈયાર ઊભેલી નલિની તરત જ સીડી તરફ લપકી. પાછળ પાછળ અક્ષય કુમાર કૂતરા ટોમીને લઈને ભાગ્યા.

બધા હવેલીની બહાર દોડી આવ્યા. બહાર મેદાનમાં એક નજર આખાય પરિવાર પર નાખ્યા પછી અક્ષય કુમારે બધાને ઝડપથી કારમાં બેસાડયા. ઈશ્વરને પ્રાર્થના કરી અને કારનું એન્જિન ચાલુ કર્યું કાર ચાલવા લાગી.

થોડેક આગળ ગયા પછી અક્ષય કુમારે એક બેક વ્યૂ મિરરમાંથી પાછલ છૂટતી હવેલી તરફ નજર નાખી અને મનોમન બબડયા, જિંદગીમાં ક્યારેય હવે આ તરફ નહીં જોઉં. એ દિવસ ૧૯૮૭ની સાલના જાન્યુઆરી મહિનાની ૧૮મી તારીખનો હતો.

;