વોર્નરની સદી , નીચલી હરોળનો ધબડકો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વોર્નરની સદી , નીચલી હરોળનો ધબડકો

વોર્નરની સદી , નીચલી હરોળનો ધબડકો

 | 3:10 am IST

। ટાઉન્ટન ।

ડેવિડ વોર્નરની સદી અને તેણે સાથી ઓપનર એરોન ફિન્ચ સાથે નોંધાવેલી સદીની ભાગીદારીની મદદથી ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી આઇસીસી વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનને ૩૦૮ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ ૪૯ ઓવરમાં ૩૦૭ રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી.

પાકિસ્તાન સામે વોર્નરની ત્રીજી સદી

ઓપનર વોર્નરે પાકિસ્તાન સામે સતત ત્રીજી સદી અને કારકિર્દીની કુલ ૧૫મી સદી ફટકારી હતી. તેણે ૨૦૧૭માં સિડની ખાતે ૧૩૦ તથા એડિલેડ ખાતે ૧૭૯ રનની ઇનિંગ્સ રમી હતી. તેણે એરોન ફિન્ચ સાથે પ્રથમ વિકેટ માટે ૧૪૬ રનની ભાગીદારી નોંધાવી હતી. વોર્નરે ૧૧૧ બોલમાં ૧૧ બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે ૧૦૭ રન ફટકાર્યા હતા. ફિન્ચે ૮૪ બોલમાં ૮૨ રનનું યોગદાન આપ્યું હતું. ફિન્ચે પાકિસ્તાન સામેની છેલ્લી છ ઇનિંગ્સમાં બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. મધ્યમ હરોળમાં મેક્સવેલે ૨૦, શૌન માર્શે ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. શાહિન આફ્રિદીએ ૭૦ રનમાં બે વિકેટ હાંસલ કરી હતી.

વન-ડેમાં આમિરની પ્રથમ વખત પાંચ વિકેટ

પાકિસ્તાની પેસ બોલર મોહમ્મદ આમિરે તેની વન-ડે કારકિર્દીમાં પ્રથમ વખત પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી. તેણે ૧૦ ઓવરમાં માત્ર ૩૦ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત પાકિસ્તાને ૩૨ વર્ષ બાદ પ્રથમ વખત બે લેફ્ટ આર્મ પેસ બોલર પાસે ઓપનિંગ સ્પેલ નંખાવ્યા હતા. છેલ્લે ૧૯૮૭ના વર્લ્ડ કપમાં પાકિસ્તાને ઇંગ્લેન્ડ સામેની પાંચમી મેચમાં વસીમ અકરમ તથા સલિમ જાફર પાસે નવો બોલ નંખાવ્યો હતો. આ બંને બોલર પણ લેફ્ટ આર્મ પેસ બોલર હતા. એક સમયે ઓસ્ટ્રેલિયા ૩૫૦ની આસપાસ સ્કોર નોંધાવશે તેમ લાગતું હતું પરંતુ આમિરના ઘાતક સ્પેલના કારણે કાંગારુ ટીમે ૩૦ રનના ગાળામાં તેની છેલ્લી છ વિકેટ ગુમાવી દીધી હતી.

ધવનના બેકઅપ સ્વરૂપે રિષભ પંત ઇંગ્લેન્ડ જશે, આજે લંડન રવાના થશે

વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઇજાગ્રસ્ત થયેલા શિખર ધવનના બેકઅપ સ્વરૂપે ભારતીય ટીમ સાથે જોડાવા ગુરુવારે સવારે લંડન રવાના થશે. બીસીસીઆઇએ પંત માટે વહેલામાં વહેલી ફ્લાઇટની વ્યવસ્થા કરી છે જેના કારણે તે જલદીથી ટીમ સાથે જોડાઇ જાય. ધવન ઇજાગ્રસ્ત હોવા છતાં પણ ૧૫ સભ્યની ભારતીય ટીમનો હિસ્સો રહેશે. સૂત્રોના અનુસાર રિષભ પંતને સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે વહેલો મોકલવામાં આવે છે જેના કારણે તે સ્થાનિક પરિસ્થિતિથી જલદી અનુકૂળ થઇ શકે. જો ધવન સમયસર ફિટ થઇ શકશે નહીં તો ભારતીય ટીમ મેનેજમેન્ટ પ્લેયર બદલવા માટે આઇસીસીને વિનંતી કરશે અને મંજૂરી મળ્યા બાદ રિષભને તાત્કાલિક ટીમમાં સામેલ કરી લેવાશે.

પંતને દિલ્હીમાં સત્તાવાર કિટ અપાઇ

રિષભ પંત ગુરુવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચના સાંજના સમયે નોટિંગહામ પહોંચે તેવી સંભાવના છે. જોકે તે ધવન જ્યાં સુધી ટીમ સાથે જોડાયેલો રહેશે ત્યાં સુધી ટીમ સાથે જોડાઇ શકશે નહીં. પંતને દિલ્હીમાં તેના નિવાસસ્થાને ટીમની જર્સી સહિત સત્તાવાર સામાન આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન