વાટ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS

વાટ

 | 3:19 am IST

આ ખારાપાટનો જિલ્લો ગરમ પ્રદેશ છે, એમાંય ઉનાળામાં તો અસહ્ય ગરમી પડે છે. આખા રાજ્યમાં વધુમાં વધુ ગરમીનો પારો આ જિલ્લામાં હોય છે વરસાદ, પાણી ઓછા હોવાથી નવાણીયો મુલક પણ કહેવાય છે. જિલ્લાના શહેરી વિસ્તાર કરતાં ગામડાંઓમાં જમીન વધુ મળી જાયછે. પાણી વગર ગરમીથી સૂકા તળાવ, ખેતરોની જમીનમાં ચહેરા પડી જાય છે. સરકારની નિષ્ફળતા ધ્યાને લાવવા અસંતુષ્ટ રાજકારણીઓ નિવેદનો સાથે આવી જમીનના કોઈ વૃદ્ધ સાથે ફોટાઓ છાપામાં મોકલતા હોય છે. આવી ગરમી કે દુષ્કાળથી ગામડાંના લોકો ડરપોક કે હતાશ થઈ જતા નથી. કારણ કે આ લોકોની શરીરની ચામડી જ વાતાવરણને સહન કરી શકે તેવી સ્થિતિ સ્થાપક થયેલી હોય છે.

પણ જ્યારે કાળઝાળ ગરમી પડે છે ત્યારે પાણીની અછતથી લોકોની આજીવિકા સ્થિતિ સ્થાપક રહેતી નથી. ખેતર સીમના કામ અટકી જાય છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ભૂખને ભાંગવા લોકો નજીકના શહેરભણી હિજરત કરીને ખરાબાની જમીન કે નદીકાંઠે જમીન ઉપર છણીયાના ઝૂંપડા બાંધીને શહેરની સખત મજૂરી કરે છે. આવા લોકોનું ફતેપર આ જિલ્લાનું ઊંડાણનું ગામ છે જેથી સુવિધાના અભાવે દર ઉનાળામાં ગામ લોકો નજીકના શહેરમાં આજીવિકા માટે ચાલ્યા જાય છે. આ સાલ જગા સરપંચના કહેવા મુજબ વધુમાં વધુ ગરમી, તાપ લૂના કારણે લૂ લાગવાથી વૃદ્ધો અવસાન પામવાના કિસ્સા વધુ થતાં છાપાનાં પત્રકારો કેમેરામેન ચોપડા સાથે ફતેપર ગામમાં મોટરોના કાફલા સાથે ઊતરી પડયા હતા. જૂની પેઢીના વૃદ્ધો,  સોંડો રબારી, માવજીકોળી, રવજી વસાણી અને સુલેમાન કાજી જેવાં કહેતા હતા કે છેલ્લાં વીસ વર્ષમાં આવી ગરમી અમે જોઈ નથી.

ગરમીનો આવો પ્રકોપ સાંભળીને સરકારે પાટનગરથી કાગળો ઉપર જાહેરાત કરી કે કોઈ ગભરાશો નહીં. સરકારને બધી જ ખબર છે. ગામમાં દરેકને ઘાસચારો, પાણીની સગવડ પહોંચાડવામાં આવશે, સરકારના માણસો રૂબરૂ મુલાકાત કરશે. આવા આશ્વાસનના શબ્દોની કોઈ અસર નહીં જણાતા માલધારીઓ પોતાના ઢોરઢાંખર સાથે ગુજરાત ભણી ઉતરી ગયા. દુબળા ઢોર બાહર ખાટકીના વાડામાં જવા લાગ્યા. ઊભડીયા દાડીયા પોતાના ઘરના બારણે કાંટાની આડશો મૂકીને, ગામ પાદરે આવેલ ભમરીયા ઢોરા ઉપર વાસૂકીદાદાની દેરીના દર્શન કરી, સૂકાયેલ પીપળાના ઝાડ ઉપર સાડીમાંથી લીરા ફાડી ડાળીઓ ઉપર બાંધીને શહેરભણી મજૂરી કરવા ચાલ્યા ગયા. ગામ સૂમસામ થઈ ગયું હતું. કાગડા, ચકલા પણ ઊડી ગયા હતા અને કૂતરા માનવીના ઓળા વગર ઉનવા હતા. તેજુમાં જેવા ગણ્યા ગાંઠયા વૃદ્ધો જ વતનની માટીને સાચવી રહ્યા હતા.

તેજુમાં સો વરસની ઉંમરના હતા પણ એમના નખમાંય રોગ નહોતો, કોઈ દિવસ તાવ પણ નથી આવ્યો. ઉંમરની આવી લાંબી મજલમાં એમણે ભયંકર દુષ્કાળ, રોગચાળો અને અંગ્રેજોની ગુલામી જોઈ હતી, ગાંધીજી જેવા નેતાઓને પણ જોયેલાનું યાદ હતું. તેજુમાં પરણી ને આ ગામમાં આવ્યા પછી સુખના મૃગજળ જ જોયા હતા. સંતાનમાં એક દીકરો થયા પછી તેનો ધણી મોહન કોઈ અસાધ્ય બીમારીમાં ગુજરી ગયો હતો અને દીકરો મોટો થતા કોઈ બાવાના સંઘ સાથે ચાલ્યો ગયો હતો. મોહન ધરમશી આમ તો જ્ઞાાતિએ સુથાર પણ ગામડાંમાં સુથારીકામ સાથે સીઝનમાં ખેતીનું પણ કામ કરે એટલે ખેડુ જેવા જ લાગે. અવસાન પહેલા મોહન થોડી મરણમૂડી મૂકી ગયો હતો તેમાંથી તેજુમાં ગામમાં જરૂરિયાત મંદ લોકોને નજીવા વ્યાજના દરે પૈસા ધીરતા અને જીવનનું ગાડું હાંકયે રાખતા. પૈસા વ્યાજે ધીરવાનું બીજંુ કારણ એ પણ હતું કે આ કામથી ગામલોકો સાથે વાત કરવાનો મોકો મળતો. જીવનમાં સુખ કરતાં દુઃખના દહાડા વધુ જોયા હોવાથી તેજુમાં માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા હતા. ક્યારેક એકલા એકલા પોતાની જાત સાથે વાતો કરવાની ટેવ પડી ગઈ હતી. બોલ્યા વગર એમને મૂંઝારા જેવું લાગતું એટલે ગામના જે કોઈ માણસો મળે, કૂતરા બિલાડા મળે તો પણ તેમની સાથે પોતાના દુઃખના દેકારા કરતાં ગામમાં માણસોના મેળા વચ્ચે તેજુમાને ગમતંુ અને જીવવા માટે ખાવા કરતાં વાતોથી પેટ ભરાય એટલે સંતોષ થતો. ક્યારેક એવી કંટાળાજનક વાતો ઉખાડે કે સામે માણસ કંટાળીને કોઈ બહાનું બતાવીને છટકી જાય. તેજુમાં અતિશય કંટાળી જાય ત્યારે તેમની કાબરી બકરી સાતે ભમરીયા ઢોરા ઉપર વાસુકીની દેરીએ ચાલ્યા જતા. બકરી ભોં માથે મોઢું નાંખતી અને તેજુમાં પીપળાના ટેકે ઊભા રહી આંખો ઉપર હાથનું નેજવું કરીને કોઈની વાટ જોતાં, પછી નિરાશ થઈને પાછા ગામભણી ચાલ્યા જતા.

ઉનાળાની ગરમી ઓછી થતાં અને વરસાદના વાવડ સાંભળતા હિજરત કરીને ચાલ્યા ગયેલા ગામલોકો એ અલકમલકમાંથી પોતાના ફતેપર ગામભણીની વાટ પકડી. ગામનું સીમ પાદર આવતા સૌ પહેલા ભમરીયા ઢોરા ઉપર વાસુકી દાદાના દર્શન કરવા ગામલોકો પહોંચ્યા તો સૂકાયેલા પીપળાના થડના ટેકે કોઈ બાઈ માણસ આંખો ઉપર હાથનું નેજવું કરીને કોઈની વાટ જોતી ઊભી હતી.

‘અરે, આ તો તેજુમા સે’ એક જુવાન બાઈ માણસની નજીક જઈને બોલ્યો.

‘પણ શરીરમાં કોઈ હલનચલન લાગતું નથી.’

‘અરેરે આ તો શરીરમાં રામ નથી. તેજુમાં ઊભા ઊભા જ પીપળાના થડના ટેકે ગુજરી ગયા સે, કોઈની વાટ જોતાં.’ ગામ લોકો અચંબામાં ગણગણવા લાગ્યા.

હા, તેજુમા કોઈની વાટ જોતાં જોતાં જ સ્વર્ગે સીધાવી ગયા હતા. સૂકી આંખો કોની વાટ જોતી હતી? કોઈ પોતાના ખોવાયેલની વાટ જોતી હતી? સુખની વાટ જોતી હતી? માનવીઓના કોલાહલની વાટ જોતી હતી? મૃત્યુના દેવતાની વાટ જોતી હતી?

તેજુમાની વાટ જોતી ખુલ્લી આંખો કવિશ્રી આદિલ મનસૂરીની કાવ્યપંકિત કહેતી હતી, ‘પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા આ મીઠી નજર મળે ન મળે.’            – જી.કે.રાઠોડ