Watch: Bharuch Taluka President Birthday Celebrate Liquor Party
  • Home
  • Featured
  • તાલુકા BJP પ્રમુખની બર્થડે પાર્ટીમાં દારૂની રેલમછેલ, જાહેરમાં પાર્ટી કરતો Video વાયરલ

તાલુકા BJP પ્રમુખની બર્થડે પાર્ટીમાં દારૂની રેલમછેલ, જાહેરમાં પાર્ટી કરતો Video વાયરલ

 | 10:43 am IST

ગુજરાતમાં દારૂબંધીના નામે સૌથી વધુ દારૂનું વેચાણ અને ખુલ્લેઆમ દારૂની મહેફિલના કિસ્સા કંઇ નવા નથી. ગુજરાતમાં દારૂબંધીના કાયદાની ઐસી કી તૈસી કરી છડેચોક લોકો ભંગ કરી રહ્યાં છે. બુટલેગરો પણ ખુલ્લેઆમ બિંદાસ્ત દારૂનું વેચાણ ‘કોઇક’ની રહેમ નજર હેઠળ કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

કહેવાય છે કે આ વીડિયો ભરૂચનો છે. આ વીડિયોમાં ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખની બર્થ ડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ માણતા લોકો નજરે ચડે છે. જાહેરમાં જ દારૂની મહેફીલ માણતો વીડિયો વાયરલ થયો છે. આ જ આપણને દર્શાવે છે કે ગુજરાતમાં દારૂનો કાયદો કેટલો આકરો છે.

મળતી માહિતી પ્રમાણે ભરૂચ તાલુકાના ભાજપના પ્રમુખ અલ્પેશનો જન્મદિવસ હોવાનું અનુમાન છે. તેમની બર્થડે પાર્ટી નિમિત્તે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ જાહેર સ્થળ ઉપર દારૂની મહેફિલ માણતા નજરે ચડે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે દારૂની મહેફીલ દરમિયાન પીએમ મોદીની મીમીક્રી પણ કરતા હતા.

દારૂની મહેફિલના સ્થળની વાત કરીએ તો ભરૂચ નજીક આવેલી એક હોટલની બહાર રાતના સમયે દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. સ્થાનિકે આ મહેફિલનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો. નશામાં ચકચુર શખ્સે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં મીમીક્રી કરી હતી. સોશિયલ થયેલા વીડીયોમાં તેઓ વડાપ્રધાનની સ્ટાઇલમાં મિત્રો, આ બર્થ ડે અમુક માટે જ છે, બીજા માટે નથી તેમ કહી અસભ્ય શબ્દોનો પ્રયોગ કરતાં જણાઇ રહયાં છે. જયાં એક તરફ રાજયમાં દારુબંધીનો કડક અમલ થઇ રહયો છે ત્યાં ખુદ ભાજપના આગેવાનો જ તેના લીરા ઉડાવી રહયાં છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે કડક દારૂબંધીના કાયદા ઘડ્યા છે. જ્યારે કાયદો આવ્યો તેના ગણતરીના દિવસોમાં જ વડોદરામાં એક હાઇપ્રોફાઇલ રેડ પાડવામાં આવી હતી, તેમાં મોટી-મોટી હસતીઓને પણ ઝડપાઇ હતી. પરંતુ અત્યાર સુધીમાં શું થયું???

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન