જળ એ જ જીવન - Sandesh

જળ એ જ જીવન

 | 12:04 am IST

મારી કલ્પના ૪૨૩

આપણને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે.  હવા પછી પાણી આપણી મુખ્ય જરૂરિયાત છે. પાણી વિના જીવન શક્ય નથી. પાણી પીવામાં વપરાય છે. તે ઉપરાંત પાણી નહાવા, કપડાં અને વાસણ ધોવા, રસોઈ બનાવવા અને ઘરની સફાઈમાં પણ વપરાય છે. મિલો અને કારખાનાઓમાં પાણીની જરૂર પડે છે. પાણી વનસ્પતિ સૃષ્ટિ માટે પણ અત્યંત જરૂરી છે. પાણી વિના અનાજ ન પાકે, ફૂલ છોડ ન ઊગે. પશુ-પંખીઓ પણ પાણી વિના ન જીવી શકે. આમ જળ એ જ જીવન છે. પૃથ્વી પર મોટાભાગના જીવો પાણી પર જ નિર્ભર હોય છે.

પાણી માટે આપણે વરસાદ પર આધાર રાખવો પડે છે જે વર્ષે વરસાદ ન પડે. અથવા બહુ ઓછો વરસાદ પડે તે વર્ષે દુકાળ પડે છે. મનુષ્યો પશુ-પક્ષીઓ પાણી વિના ટળવળે છે. અરે કેટલીક વાર તો પાણી વિના પશુ-પક્ષીઓ મરી પણ જાય છે. આપણે જે અનાજ ખાઈએ છીએ એની ખેતી પણ પાણી વડે જ થઈ શકે છે. એટલે પાણી વગર ખેતરોમાં અનાજ પાકતું નથી.

વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. આથી આપણે દર વર્ષે વૃક્ષારોપણ સપ્તાહ ઊજવીએ છીએ. આમ છતાં પાણીની સમસ્યા દિન-પ્રતિદિન ગંભીર બનતી જાય છે. પાણીનો વપરાશ વધતો જાય છે અને ભૂગર્ભ જળની સપાટી ઊંડે ને ઊંડે જઈ રહી છે. ભવિષ્યમાં લોકો પાણી વિના ટળવળશે અને પાણી માટે યુદ્ધો થશે એવું જાણકાર લોકો માને છે

પાણીની આ સમસ્યાના ઉકેલ માટે અનેક નદીઓ પર બંધ બાંધવામાં આવ્યા છે. આ બંધના કારણે ચોમાસામાં નદીઓમાં નકામા વહી જતા પાણીનો સંગ્રહ થાય અને તેનો પીવામાં અને સિંચાઈમાં ઉપયોગ થઈ શકે.

આપણે પણ પાણી બચાવવા યોગ્ય પગલાં લેવા જોઈએ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. નળ ખુલ્લા ન રાખીએ અને નળ ટપકતાં ન રાખીએ. આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ. આપણી આસપાસના લોકોને પણ પાણીનો બગાડ કરતા અટકાવીએ.

‘જીવવું હોય તો જળ બચાવો.’ જળ છે તો જીવન છે; ‘તે પ્રજા છે શાણી, જે બચાવે પાણી’ આ સૂત્રોનો પ્રચાર કરીએ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન