પાણી કોણ બચાવશે અને કઈ રીતે? - Sandesh

પાણી કોણ બચાવશે અને કઈ રીતે?

 | 11:20 pm IST

એક સૂત્ર રેઢે પીટાઈ ગયું છેઃ સૂત્ર છે, જળ એ જ જીવન છે.

ખૂબ જ સરળ ભાષામાં તરત સમજાય એવી વાત છે, પરંતુ કોઈનેય આ સૂત્ર સાંભળ્યા પછી પૂછીએ કે શી રીતે? તો એનો જવાબ સાવ ટૂંકો હશેઃ પાણી જ માણસ સહિત તમામ જીવ, જંતુ, જળચર અને વનસ્પતિને જીવતાં રાખે છે. જો પાણી ન હોય તો આમાંથી કશું જીવતું ન બચે ! પેલો સવાલ તો હજી ઊભો જ રહે છે, શી રીતે?

પૃથ્વીના ૭૦ ટકા વિસ્તાર પર પાણી છે અને આપણા શરીરમાં ૭૫ ટકા પાણી છે. આપણું શરીર હોય કે કોઈ જીવજંતુનું શરીર હોય કે વનસ્પતિ હોય; એના જીવતા રહેવાનો સીધો અર્થ એવો થાય કે એમાં રાસાયણિક પ્રક્રિયા ચાલુ છે. રાસાયણિક પ્રક્રિયાથી જ દરેક જીવનો એક એક કોષ કામ કરે છે અને એકેએક કોષને કામ કરવા માટે જે વીજળીની જરૂર પડે છે એ પણ રાસાયણિક ક્રિયા વડે જ સર્જાય છે. એટલે જ કહે છે કે જીવતા રહેવાનો અર્થ છે, શરીરમાં રાસાયણિક ક્રિયા ચાલુ છે અને કોઈ માણસ કે કોઈ જીવના શરીરમાં રાસાયણિક ક્રિયા પાણી વગર ચાલી શકતી નથી. આપણા શરીરમાં એક એક કોષ સુધી જઈને શર્કરા અને ઓક્સિજન પૂરાં પાડીને ઊર્જા બનાવવાનું કામ લોહી કરે છે. લોહીમાં ૮૨ ટકા પાણી છે.

વાત તદ્દન સાચી છે, છતાં હજી એનો મર્મ આપણને સમજાતો નથી. જો સમજાઈ જાય તો આપણે પાણીના એક એક ટીપાને સાચવી સાચવીને વાપરીએ. યાદ કરીને, છાતી પર હાથ મૂકીને ભગવાનને માથે રાખીને જરા કહો તો છેલ્લે પાણીના એક ટીપાનો વેડફાટ થતો તમે ક્યારે અટકાવ્યો હતો? સાચી વાત એ છે કે એક ટીપા પાણીની આપણે કોઈ દરકાર કરતા નથી.

બીજું સત્ય એ પણ છે કે આપણે એક એક ટીપું પાણી બચાવીએ તો પણ મોટાં મોટાં કારખાનાં અને ફેક્ટરીઓ અને ઉદ્યોગગૃહો એક સાથે જે પાણી વાપરી નાંખે છે એ આપણા જેવા કરોડો નાગરિકોએ બચાવેલા એક એક ટીપાના સરવાળા કરતાં લાખ ગણુ વધારે હોય છે. એક મિત્ર કહે છે એમ વિકાસ સૌથી વધારે પાણી વેડફે છે અને બગાડે પણ છે. અહીં બગાડવાનો અર્થ પાણીને પ્રદૂષિત કરવાનો છે.

પીવાલાયક શુદ્ધ પાણી કોઈ જાતના રંગ વગરનું, ગંધ વગરનું, સ્વાદ વગરનું પ્રવાહી છે. એમાં હાઈડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ હોય છે. ઓક્સિજનનો અણુ મોટો હોય છે અને હાઈડ્રોજનના અણુ એનાથી અડધી સાઈઝના હોય છે. ઓક્સિજન અણુના માથે બંને તરફ હાઈડ્રોજનનો એક એક અણુ એ રીતે ગોઠવાયેલો હોય છે જાણે મિકી માઉસ જોઈ લો. એના કાન જેવા હાઈડ્રોજનમાં પોઝિટિવ વીજભાર હોય છે અને ઓક્સિજનમાં નેગેટિવ વીજભાર હોય છે. એટલે પાણીના એક કણને ઉપર પોઝિટિવ અને નીચે નેગેટિવ ધ્રુવ બને છે. એના કારણે પાણીના દરેક કણમાં હાઈડ્રોજનના અણુ સાથે ઓક્સિજનનો અણુ જોડાતો રહે છે અને એકની નીચે એક એવી સાંકળ બનાવીને પાણી નામનું પ્રવાહી સર્જાય છે.

આવી રચનાને કારણે પાણી ખૂબ મંદ એવો તેજાબ બને છે. એટલે પાણીમાં દરેક વસ્તુ ધીમેધીમે ઓગળી જ જાય છે. ઓગળે નહીં એ કટાઈ જાય છે. પાણીની આ ઓગાળી દેવાની ખાસિયતના કારણે જ એ દરેક જીવના શરીરમાં વીજળી બનાવવામાં ઉપયોગી બને છે. આ વીજળી જ દરેક શરીરયંત્રમાં જીવ ફૂંકે છે. વીજળી બનતી બંધ થઈ જાય એને જ મૃત્યુ કહે છે.

સસ્તન પ્રાણીઓ એટલે કે સ્તન ધરાવતાં હોય અને એની મદદથી પોતાના નવજાત બચ્ચાંને પોતાનું દૂધ પીવડાવતાં હોય એવાં તમામ પ્રાણીઓના શરીરમાં ગર્ભાશય હોય છે જેમાં નવા જીવનું શરીર ઘડાય છે. દરેક પ્રાણીના શરીરમાં ગર્ભાશય જ્યારે ગર્ભ ધારણ કરે તો એમાં પાણી ભરાય છે. ફલિત થયેલું બીજ એ પાણીમાં તરતું રહીને જ વિકાસ પામે છે. જેમજેમ શરીર મોટું થતું જાય એમ એમ ગર્ભાશયમાં વધારે પાણી ભરાતું જાય છે.

જરાક વિજ્ઞાનની ભાષામાં સમજવા પ્રયાસ કરીએ તો જ્યારે ગર્ભાશયમાં શરીર આકાર પામતું હોય ત્યારે ગર્ભના કોષ એકમાંથી બે બનતા જાય છે. આ દરેક કોષને એકમાંથી બે થવા અને વિકાસ પામવા માટે કોષદ્રવ્ય નામનું પાણી જોઈએ છે. એ પાણી ગર્ભાશયમાં ભરાયેલા પ્રવાહીમાંથી એને મળતું રહે છે.

આવું માત્ર સ્ત્રીના ગર્ભાશયમાં થાય છે એવું નથી, દરેક સ્તનધારી જીવના ગર્ભાશયમાં પાણી ભરાયેલું હોય છે. ઈડું મૂકીને નવા જીવને જન્મ આપનાર પંખીઓ અને સાપ, કાચિંડો, ગરોળી વગેરેનાં ઈંડાંમાં પણ શરીરનો આકાર રચનાર પીળા-કેસરી રંગના કોષ રંગ વગરના પ્રવાહીમાં તરતા હોય છે. એને એગવ્હાઈટ કહે છે. આ પાણી ન હોય તો બચ્ચું વિકસી જ ન શકે. વનસ્પતિ તો પાણી વગર વિકાસ નથી જ પામતી એ આપણે બધા જાણીએ છીએ. એનાં બીજ પણ પાણી વગર ફણગો વિકસાવી શકતાં નથી. બીજને પાણી મળે તો એમાં પણ નવા કોષ બની શકે છે અને એનાં ડાળી, પાંદડાં તથા મૂળ બની શકે છે.

તો આ કારણ છે પેલા સૂત્રની રચનાનું કે જળ એ જ જીવન છે, પરંતુ એ સૂત્ર વાંચીને કદી આપણા મનમાં આ હકીકત તાદૃશ થતી નથી. એટલે એને માત્ર શબ્દોનું જૂથ માનીને આપણે બોલતા ને સાંભળતા રહીએ છીએ. ખરેખર પાણીની કિંમત સમજતા જ નથી. જે. કૃષ્ણમૂર્તિ પોતાના દરેક પુસ્તકની પ્રસ્તાવનામાં લખતા કે આ પુસ્તકમાં મેં જે શબ્દો લખ્યા છે એ મારા મનમાં રહેલા અર્થને સાકાર કરવા લખ્યા છે. એનો એ જ અર્થ વાંચનારને પહોંચે એની ખાતરી નથી, પરંતુ શ્રદ્ધા જરૂર રાખું છું. આ લેખમાં પણ જે વાત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એ બધાને પહોંચી શકે એવી ખાતરી નથી, પરંતુ શ્રદ્ધા જરૂર છે. પાણીનું મહત્ત્વ સમજીને એને બચાવવા, જાળવવાની તાતી જરૂર છે. એને વિકાસની સારસંભાળમાં વેડફવાને બદલે જીવંત સૃષ્ટિની સારસંભાળમાં વાપરતાં શીખીએ તો સારું!

કન્ટેમ્પરરી : એમ. એ. ખાન

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન