Waterfalls Lit With an ‘Eternal Flame’ That Almost Never Goes Out
  • Home
  • Supplements
  • Sanskar
  • પાણીમાં આગની જ્યોત અને રણમાં સોનાનો અખૂટ ભંડાર!

પાણીમાં આગની જ્યોત અને રણમાં સોનાનો અખૂટ ભંડાર!

 | 10:00 am IST

અજાયબ જગત

ઈટરનલ ફ્લેમ ફોલ્સ, ઓર્ચીડ પાર્ક, ન્યૂયોર્ક

આપણે બધા જાણીએ છીએ કે પાણી પડતાં જ અગ્નિ હોલવાઈ જાય. એટલે જ આગ હોલવવા આપણે પાણીનો મારો ચલાવીએ છીએ. ત્યારે આ પૃથ્વી પર એક સ્થળ એવું છે કે જ્યાં સતત પડતા ધોધના પાણીમાં હોલવાયા વગર એક જ્યોત બળે છે. આ જગ્યા ન્યૂયોર્કના ચેસ્ટનટ રીજીડ પાર્કમાં શેલ ક્રીક પ્રિઝર્વ વિસ્તારમાં છે. અહીં પર્વત પરથી સતત ધોધ પડયા કરે છે. ઉબડ ખાબડ પર્વતની વચ્ચે એક ભાગ એવો છે કે જ્યાં આ જ્યોત સળગતી રહે છે. બધાને નવાઈ એ વાતની લાગે છે કે પહાડ પરથી પાણી પડતું હોવા છતાં આ જ્યોત હોલવાતી નથી અને તે સતત સળગતી રહે છે. આ જ્યોત કેમ નથી હોલવાતી એનું આશ્ચર્ય વર્ષોથી લોકોને મૂંઝવતું હતું. આ રહસ્યનું કારણ જાણવા સંશોધનકર્તાઓએ અહીં ધોધ અને જ્યોતની જગ્યાઓએ સંશોધન કરવાનું સાહસ ખેડયું. ખાસ્સી મહેનત પછી આખરે એની પાછળનું કારણ શોધી કાઢયું. સંશોધનમાં જાણવા મળ્યું કે જે જગ્યાએ આ જ્યોત સતત સળગી રહી છે એ જગ્યાએ ખડકો વચ્ચે મોટી તિરાડ જેવું પોલાણ છે. એમાંથી સૂસવાટા કરતો ગેસ નીકળતો રહે છે. પહાડની અંદર ૧૩૦૦ ફૂટ નીચે ભૂગર્ભમાં ખૂબ મોટા પ્રમાણમાં મિથેન ગેસનો જથ્થો છે. ત્યાંથી મિથેન ગેસ સતત નિકળતો રહે છે. ભૂગર્ભમાં આવેલી ટેક્ટોનિક પ્લેટની હિલચલના કારણે આ મિથેન ગેસ ભૂગર્ભમાંથી આવતો રહે છે અને ભૂગર્ભીય દબાણના કારણે તિરાડમાંથી સતત બહાર નિકળતો રહે છે. ગેસ બહાર નીકળે છે એ તો બરાબર, પણ એને સળગાવ્યો કોણે હશે? એ સવાલનો જવાબ આપતાં નિષ્ણાતો કહે છે કે આની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણવા જેવું છે. મિથેન ગેસની કુદરતી જ્વલનશીલતા સૌથી વધારે છે. એ પર્વતની તિરાડમાંથી બહાર નીકળે ત્યારે હવામાં રહેલા ઓક્સિજનના સંપર્કમાં આવે છે. ઓક્સિજનનો સંપર્ક થતાં જ તે સળગી ઊઠે છે. જે જગ્યાએ મિથેન ગેસ આગ પકડે છે એેટલો ભાગ આપણને જ્યોતની જેમ દેખાય છે. બસ! વિજ્ઞાનની આ કરામતના કારણે પર્વતના એ ખડકમાં સતત જ્યોત સળગતી રહે છે. પાણીનો પ્રવાહ મિથેન અને ઓક્સિજનના સંપર્કને રોકી શકતો નથી એટલે પાણી વરસતું રહેવા છતાં જ્યોત હોલવાતી નથી. ક્યારેક ધોધના પાણીનો પ્રવાહ વધી જાય તો જરાક વાર જ્યોત હોલવાઈ જાય છે, પરંતુ થોડી જ ક્ષણોમાં આ જ્યોત ફરી પાછી સળગી ઉઠે છે. જેમ જેમ આ ધોધમાં સળગતી જ્યોતની લોકપ્રિયતા વધવા લાગી તેમ તેમ એની પ્રવાસીઓની સંખ્યા પણ વધતી રહી છે.

સુપરસ્ટીશન માઉન્ટેન, એરિઝોના

૧૯૬૯માં હોલીવૂડની એક ફિલ્મ રીલીઝ થઈ હતી, મેકેનાઝ ગોલ્ડ. આ ફિલ્મની વાર્તા સોનાના અખૂટ ખજાના સુધી જતા ચમત્કારિક રસ્તાની શોધ વિશે હતી. જે મેકેના નામના દંતકથા પુરુષે કોઈ જમાનામાં શોધ્યો હતો. આ સોનાના અખૂટ ખજાનાની શોધ ત્યારપછી ૧૦૦ વર્ષ સુધી ચાલુ રહી છે. દંતકથામાં મૂળ પુરુષનું નામ છે જેકોબ વોલ્ટઝ. કહેવાય છે કે ૧૯મી સદી પહેલાં તેણે સોનાના ખાણની શોધ કરી હતી. આ જગ્યા એરિઝોનામાં આવેલી વિશાળ પર્વતીયમાળામાં છે. એવું પણ કહેવાય છે કે સોનાના અખૂટ ભંડાર સુધી પહોંચવાનો એક ગુપ્ત રસ્તો પણ છે! સોનાની ખાણ સુધી પહોંચતો ગુપ્ત રસ્તાનું રહસ્ય જેકોબ વોલ્ટઝના મોત સાથે જ અકબંધ રહ્યું. એવી પણ અટકળો છે કે જ્યારે તે મરણપથારીએ હતો ત્યારે આ સોનાની ખાણ સુધી પહોંચતા ગુપ્ત રસ્તાની વાત કોઈ એક વ્યક્તિને કરી હતી. બસ, ત્યારથી આ સોનાની ખાણ સુધી પહોંચવાના ખોવાયેલા રસ્તાને શોધવા વારંવાર શોધખોળ ચાલતી રહી છે. આ તમામ શોધખોળના નિષ્ફળ પ્રયાસ જીવલેણ સાબિત થયા હોવાનો રેકોર્ડ છે. એવું કહેવાય છે કે સોનાનો અખૂટ ખજાનો મેળવવાની લાલચમાં જે લોકો પહાડના એ રસ્તે ગયા તે કદી પાછો આવ્યો નથી. અનેક લોકોએ અખૂટ સોનાની લાલચમાં પોતોનો જીવ ગુમાવ્યો હોવાનું રેકોર્ડ છે. એટલે મૂળ અમેરિકાના લોકો માને છે કે આ પહાડ નરકનું દ્વાર છે. એટલે એનું નામ સુપરસ્ટીશન માઉન્ટેન એટલે કે અંધવિશ્વાસનો પહાડ પડયું હશે!

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન