Watermelon Update! -Growing Watermelons Early
  • Home
  • Agro Sandesh
  • હવે આવી રહ્યો છે તરબૂચનું  વહેલું વાવેતર કરવાનો સમય!

હવે આવી રહ્યો છે તરબૂચનું  વહેલું વાવેતર કરવાનો સમય!

 | 12:00 pm IST

ભારતના બધા જ રાજ્યોમાં વધતા ઓછા પ્રમાણમાં તરબૂચનું વાવેતર જોવા મળે છે, ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તરબૂચની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં એનું વાવેતર ખાસ કરીને નદીના ભાઠામાં કરવામાં આવતું, પરંતુ હવે દક્ષિણ ગુજરાતમાં ગોરાડુ અને મધ્યમ કાળી જમીનમાં પણ ખેડૂતો તરબૂચનું વાવેતર કરતા થયા છે. તરબૂચના પાકની સારી વૃદ્ધિ તથા ફળની ઉચ્ચ ગુણવત્તા માટે સરેરાશ ઊંચુ ઉષ્ણતામાન જરૂરી છે. ૨૧ સે.થી નીચા ઉષ્ણતામાને બીજનો ઊગાવો સારો થતો નથી ,છોડની વૃદ્ધિ પણ ધીમી થાય છે.

તરબૂચની જાતો

સુગરબેબી

તરબૂચની આ અમેરિકન જાત સૌથી વધુ પ્રચલિત છે. જેના ફળ સરેરાશ ૩થી ૪ કિલોગ્રામ વજનના ગોળાકાર થાય છે. છાલ ભૂરાશ પડતા ગાઢા લીલા રંગની અને ગર્ભ લાલ રંગનો હોય છે. હેકટરે સરેરાશ ૩૦ ટન જેટલું ઉત્પાદન મળે છે.

આશાહી યામાટો

આ જાપાનીઝ જાત છે, જેના ફળ ૬થી ૭ કિ.ગ્રા. વજનના ગોળાકાર થાય છે. છાલ લીલા રંગની અને ગર્ભ લાલ રંગનો હોય છે. હેકટરે સરેરાશ ૩૦ ટન જેટલું ઉત્પાદન આપે છે.

અરકા જ્યોતિ

તરબૂચની આ હાઈબ્રીડ જાત છે. જેના ફળ ૬થી ૭ કિ.ગ્રા. વજનના ગોળાકાર થાય છે. છાલ લીલા રંગની અને ઉપર ગાઢા લીલા રંગના પટ્ટા હોય છે. હેકટરે સરેરાશ ૪૦ ટન જેટલું ઉત્પાદન મળે છે. ભારતીય બાગાયત સંશોધન સંસ્થા બેંગ્લુરૂ ખાતેથી આ જાત બહાર પાડવામાં આવી છે.

જમીનની પસંદગી અને તેની તૈયારી

જુદા જુદા પ્રકારની જેવી કે રેતાળ, ગોરાડુ, બેસર અથવા મધ્યમ કાળી જમીનમાં તરબૂચનું વાવેતર થઈ શકે છે. નદીના ભાઠામાં તરબૂચનું વાવેતર વધુ જોવા મળે છે તેમ છતાં સમતળ જમીનમાં પણ તરબૂચનો પાક સફળતાપૂર્વક લઈ શકાય છે. સમતળ જમીનમાં વાવેતર કરવું હોય ત્યારે પ્રથમ જમીનને ૨૦થી ૨૫ સે.મી. ઊંડી ખેડી ૨થી ૩ વાર કરબથી કરબી છેવટે સમાર મારી સમતળ બનાવવી.

વાવણીનું અંતર અને બીજનો દર

તરબૂચની જાત અને જમીનની ફળદ્રુપતા ધ્યાનમાં લઈ બે ચાસ વચ્ચે ૨.૦થી ૨.૫ મીટર જેટલું અંતર રાખવું. જ્યારે ચાસમાં બે છોડ વચ્ચે એક મીટર જેટલું અંતર રાખવું. ટૂંકા અંતરે વાવેતર કરેલ પાકમાં ફળો કદમાં નાના રહે છે. વાવણીનું અંતર અને બીજના કદને ધ્યાનમાં લેતા ૨.૦થી ૨.૫ કિ.ગ્રા. બીજ હેકટરના વાવેતર માટે જરૂરી છે.

વાવણીનો સમય

તરબૂચ ગરમ ઋતુનો પાક હોય વાવણીની મુખ્ય ઋતુ ઉનાળુ છે. જે માટે ગરમી શરૂ થતા ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરવું જોઈએ. તેમ છતાં વહેલો પાક મેળવવા ચોમાસું પૂરૂ થયા પછી સપ્ટેમ્બર/ઓક્ટોબર દરમ્યાન પણ વાવણી થઈ શકે. તૈયાર કરેલ જમીનમાં ૨.૦ મીટરના અંતરે નીક તૈયાર કરવી. આ નીકની એક બાજુ ઉપર ૩૦/૩૦/૩૦ સે.મી. માપના ખાડા તૈયાર કરવા. આ ખાડા માટી, છાણિયું ખાતર તથા પાયાનું રાસાયણિક ખાતર વગેરે મિશ્ર કરી ભરવા. આ પ્રમાણે ખામણા તૈયાર થયે દરેક ખામણાં ઉપર ૩થી ૪ બીજ થાણવાં. બીજના જલદી અને એકસરખા સ્ફૂરણ માટે થાણતાં પહેલા બીજને ૨૪ કલાક સુધી પાણીમાં પલાળી રાખી ત્યારબાદ વાવવા.વેલાની વૃદ્ધિ શરૂ થાય એટલે દરેક ખામણે એક તંદુરસ્ત છોડ રાખી બાકીના છોડ ઉપાડી દૂર કરવા. વેલાની વૃદ્ધિ નીકની એક બાજુએ થાય એ માટે શરૂઆતથી જ દરેક વેલાને કેળવવા. આમ કરવાથી નીકમાં પિયત સહેલાઈથી આપી શકાય છે અને ફક્ત નીકમાં પિયત આપવાથી ફળોને વધુ ભેજથી થતું નુકસાન અટકાવી શકાય છે.

ખામણામાં આપો ખાતર

તરબૂચના પાકમાં હેકટર દીઠ ૨૦થી ૨૫ ટન સારું કહોવાયેલું છાણિયું ખાતર ઉપરાંત ૭૫ કિલોગ્રામ નાઈટ્રોજન (૧૬૩ કિ.ગ્રા. યુરીયા), ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ (૩૧૩ કિ.ગ્રા. સીંગલ સુપર ફોસ્ફેટ) અને ૫૦ કિ.ગ્રા. પોટાશ (૮૩ કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ) તત્વ પાયાના ખાતર તરીકે ખામણા તૈયાર કરતી વખતે અગાઉથી તૈયાર કરેલા ખાડામાં નાખી માટી સાથે બરાબર ભેળવવું. ખામણા દીઠ ખાતર આપવામાં આવે તો ખાતરનો બગાડ અટકાવી શકાય છે. આ માટે ૨.૦/૧.૦ મીટરે કરેલ ખામણા દીઠ ૩૩ ગ્રામ યુરીયા, ૬૩ ગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ અને ૧૭ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ ખાતરો આપવા. વાવણી પછી એક મહિને વેલા જમીન ઉપર વધવા શરૂ થાય ત્યારે દરેક ખામણે ૩૩ ગ્રામ યુરીયા આપવું.

પિયત અને અન્ય માવજત

પાકની શરૂઆતની અવસ્થામાં છોડ નાના હોય ત્યારે પાકને નુકસાન ન થાય એ રીતે વારંવાર ખેડ તથા ખામણા ફરતે કોદાળીથી ગોડ કરવાથી જમીન પોચી અને ભરભરી બને છે, તથા નીંદણનું નિયંત્રણ થાય છે, વળી જમીનની ભેજ સંગ્રહશક્તિ વધે છે. જેના પરિણામે છોડની વૃદ્ધિ ઝડપી થાય છે.

તરબૂચના પાકમાં પાકની અવસ્થા જમીનનો પ્રકાર અને ઋતુને ધ્યાનમાં લઈ યોગ્ય સમયે પિયત આપવું જોઈએ. પાકની શરૂઆતની અવસ્થામાં વેલાની ઝડપી વૃદ્ધિ થાય છે. તે સમયે ૬થી ૭ દિવસે પાણી આપવું. ત્યારપછી સામાન્ય રીતે દર ૧૦થી ૧૨ દિવસે નિયમિત પાણી આપવું. તે ફળ પાકવાની શરૂઆત થાય ત્યાં સુધી ચાલુ રાખવું. ફળ પાકવા લાગે તે પહેલાં પાણી આપવાનું બંધ કરવું. શરૂઆતની વીણી બાદ નાના રહેલા ફળના વિકાસ માટે લાંબા ગાળે હળવું પિયત આપવું. ગોરાડું, બેસર અથવા મધ્યમ કાળી જમીનની સરખામણીમાં રેતાળ જમીનમાં ટૂંકા ગાળે પાણી આપવું જોઈએ.

સમયસર લણણી જરૂરી

ફળની પરિપક્વતા નીચેના મુદઓ ધ્યાનમાં રાખી નક્કી કરવી અને ત્યારબાદ જ ફળ ઉતારવા.

ફળને આંગળી વડે ટકોરો મારતાં બોદો અવાજ આવે તો તે ફળ તૈયાર થયાનું લક્ષણ છે.

ફળના  ડિંટાનો ભાગ લીસો અને બિલકુલ રૃંવાટી વિનાનો દેખાય તે પણ ફળ તૈયાર થયાનું લક્ષણ છે.

ફળ લાગેલ પ્રકાંડની ગાંઠ પાસેનો પ્રતાન સુકાવા માડે તે પણ પરિપક્વતા દર્શાવતું લક્ષણ છે.

સામાન્ય રીતે માદાં ફૂલ ખીલ્યા પછી ૩૦થી ૩૨ દિવસે ફળ પરિપક્વ થાય છે.

પાક સંરક્ષણ

તરબૂચના પાકમાં પાન કોરીયું, લાલ મરીયાં, મોલો અને લશ્કરી ઈયળોનો ઉપદ્રવ જોવા મળે છે. પાનકોરીયાનાં નિયંત્રણ માટે મીથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ મી.લી. અથવા ડાયમીથોએટ ૧૦ મી.લી. અથવા એન્ડોસલ્ફાન ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી તેમાં ૫ ટકા લેખે ગોળ ભેળવી વેલા ઉપર છંટકાવ કરવો. લાલ મરીયાનાં નિયંત્રણ માટે સાંજનાં સમયે કાર્બારીલ ૧૦ ટકા અથવા મીથાઈલ પેરાથીઓન ૨ ટકા ભૂકી હેકટરે ૨૫ કિલો પ્રમાણે ડસ્ટરથી છંટકાવ કરવો. લશ્કરી ઈયળનાં અસરકારક નિયંત્રણ માટે એન્ડોસલ્ફાન ૨૦ મી.લી. અથવા ક્વીનાલફોસ ૨૦ મી.લી. અથવા સ્પાર્ક ૧૦ મી.લી. દવા પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન