'પાણીદાર' સુપર અર્થ પર જીવનની શક્યતા - Sandesh
 • Home
 • Technology
 • ‘પાણીદાર’ સુપર અર્થ પર જીવનની શક્યતા

‘પાણીદાર’ સુપર અર્થ પર જીવનની શક્યતા

 | 2:41 am IST

વિજ્ઞાનીઓએ પહેલી વખત આપણી સૌર માળા બહાર પાણી ધરાવતો હોય એવો એક ગ્રહ શોધી કાઢયો છે, જે અન્યત્ર જીવન હોવાના સંશોધનની દિશામાં મહત્ત્વની શોધ છે. ૧૧૦ પ્રકાશ વર્ષ દૂર આવેલા આ ગ્રહ પરથી પાણીની વરાળ ઊડતી વિજ્ઞાનીઓએ શોધી કાઢી છે. આ સુપર અર્થ આપણી પૃથ્વી કરતાં કદમાં બમણી અને દળમાં આઠ ગણી છે. K ૨-૧૮ b જેવા સાંકેતિક નામથી ઓળખાતી આ સુપર અર્થને વાતાવરણ છે અને ત્યાં તાપમાન એટલું છે કે, જીવ ત્યાં સંભવી શકે છે, એમ યુનિવર્સિટી કોલેજ લંડન ખાતેના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું. આપણી પૃથ્વી તેના તારા એટલે કે સૂર્યથી જેટલા અંતરે છે, તેના કરતાં ઓછા અંતરે આ નવો ગ્રહ તેના તારાની ફરતે ઘૂમે છે. મતલબ કે સુપર અર્થનું એક વર્ષ પૃથ્વીના ૩૩ દિવસનું છે. પૃથ્વીને સૂર્યની ફરતે એક ચક્કર મારતા ૩૬૫ દિવસ થાય છે.  આ એક્ઝોપ્લેનેટ નાસાના કેપ્લર ટેલિસ્કોપે ૨૦૧૫માં શોધી કઢાયો હતો, પરંતુ તેના ડેટાના વિશ્લેષણમાં નવી વિગતો બહારી આવી છે, જેની જાણકારી આ પહેલાં ન હતી. હાલના ઉપકરણોથી એક્ઝોપ્લેનેટોની પ્રાથમિક માહિતી જ મળે છે. પરંતુ UCL દ્વારા વિકસાવાયેલા અત્યાધુનિક ઉપકરણોએ હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા મળેલા ડેટાનું વિશ્લેષણમાં પાણીની વરાળના સંકેત મળ્યા છે. K2-૧૮નામના તારાની ફરતે ઘૂમતો K ૨-૧૮ b ગ્રહ એટલો દૂર છે કે ખગોળશાસ્ત્રીઓ તે જોઈ શકે એમ નથી. પરંતુ તે તેના તારાની ફરતેથી પસાર થાય ત્યારે તેના પર નજર પડે છે.

સિંહ રાશિમાં સપ્તર્ષિની નજીક છે આ ગ્રહ 

 • નાસાના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપે ૨૦૧૫માં K ૨-૧૮ b એ શોધી કાઢયો હતો.
 • K2-૧૮ નામના તારાની ફરતે ઘૂમતો K ૨-૧૮ b ગ્રહ એટલો દૂર છે કે શોધવો મુશ્કેલ છે.
 • આ ગ્રહ ૧૧૦ પ્રકાશવર્ષ દૂર સિંહ રાશિમાં સપ્તર્ષિની નજીક છે. તેનો તારો રેડ ડ્વાર્ફ છે.
 • પરંતુ એ ગ્રહનું તાપમાન પૃથ્વી જેટલું જ છે. તે તેના તારાની નજીક છે.
 • મતલબ કે K2 ૧૮ b ગ્રહ ઉપર એક વર્ષ આપણા ૩૩ દિવસનું જ થાય છે.
 • એ પથરાળ ગ્રહ છે અને તેને વાતાવરણ પણ છે, જેમાં પાણી અને હાઇડ્રોજન છે.
 • ૧૯૯૦ બાદ શોધાયેલા ૪,૦૪૪ ગ્રહોમાંનો એક ગ્રહ છે. બીજા ૩,૬૮૨ પિંડો છે, જેને કોઈ સમર્થન મળતું નથી.
 • K2 -૧૮ b એ સુપર પૃથ્વી છે. પૃથ્વી કરતાં મોટો ગ્રહ હોય તેને સુપર અર્થ કહેવાય છે. તેનું કદ પૃથ્વીના કદ કરતાં બમણું છે.

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ

 • ચોક્કસ તાપમાન જાણી શકાયો હોય એવો પહેલો એક્ઝોપ્લેનેટ

આ અભ્યાસના લેખક ડો. એન્જેલસ ત્સીઆરસ કહે છે કે આપણી સૌરમાળા બહાર આ પહેલો ગ્રહ છે, જેનું ચોક્કસ તાપમાન આપણે જાણી શક્યા છે. ઉપરાંત તેનું વાતાવરણ અને તેમાં રહેલા પાણી અંગે પણ જાણકારી મળી છે.

 • પાણી ખરું , પણ એ ગ્રહને બીજી પૃથ્વી કહી ન શકાય !

ગ્રહના વાતાવરણમાં પાણીની વરાળની હાજરી એ સૂચવે છે કે, એ ગ્રહ પથરાળ હશે કે બર્ફીલો હશે, પણ તેમાં પાણી તો ઘણું હશે. આ ગ્રહ ઘણો મોટો છે અને જુદા પ્રકારનું વાતાવરણ ધરાવે છે, તેથી તે બીજી પૃથ્વી ગણી શકાય નહીં.

 • જોકે જીવન છે કે, કેમ તે કહેવું મુશ્કેલ !

જો કે અત્યારે વિજ્ઞાનીઓ ફક્ત એટલું જ કહી શકે છે કે જીવન સંભવી શકે એવા ઝોનમાં ગ્રહ છે કે, કેમ એ સિવાય હાલમાં ત્યાં જીવન છે કે, કેમ તે અંગે કશું નક્કર કહી શકાય એમ નથી, એવું વિજ્ઞાનીઓ કહે છે.

 • તારાની ફરતે ગ્રહો ઘૂમતા હોય છે. તારાની ફરતે યોગ્ય અંતરે ગ્રહ હોય તો ત્યાં પાણી પ્રવાહીરૂપે હોય, એ વિસ્તારને ગોલ્ડીલોક્સ ઝોન કહે છે. અહીં જીવન માટેની પરિસ્થિતિ સાનુકૂળ હોય એવા ગ્રહો જોવા મળે છે.ગોલ્ડીલોક્સ ઝોન બાળવાર્તામાંથી લેવાયો છે.
 • આ વિસ્તારના ગ્રહ પર તેના તારાનો પ્રકાશ એટલા પ્રમાણમાં મળે છે કે, ગ્રહ પર પાણી પ્રવાહીરૂપમાં હોય.
 • જો કે ગોલ્ડીલોક્સ ઝોનની સીમા હજુ સુધી નક્કી થઈ શકી નથી.
 • જો તારાથી ગ્રહ નજીક હોય તો વધુ તાપમાનને કારણે ગ્રીનહાઉસ ઇફેક્ટને કારણે પાણી વરાળ બનીને ઊડી જાય અને જો તારાથી ગ્રહ વધુ અંતરે હોય તો તાપમાન એટલું ઓછું હોય કે પાણી થીજેલી હાલતમાં હોય, જે સ્થિતિ મંગળ પર જોવા મળે છે.
 • આ વિચાર ૧૯૫૩માં પહેલી વખત રજૂ થયો એ બાદ ઘણા તારાઓ શોધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન