આપણે જુગાર રમવાના વ્યસની બની ગયા છીએ? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • આપણે જુગાર રમવાના વ્યસની બની ગયા છીએ?

આપણે જુગાર રમવાના વ્યસની બની ગયા છીએ?

 | 3:25 am IST

કન્ટેમ્પરરીઃ એમ .એ.ખાન

એ સ્ટોરીઃ હવે તો આપણે બધા જાણીએ છીએ કે ઈન્ટરનેટ ઉપર એવાં સિક્કા ચલણમાં મૂકાયા છે જે માત્ર ઈન્ટરનેટની દુનિયામાં જ અસ્તિત્વ ધરાવે છે. એને તમે હાથમાં પકડી શકતા નથી, બજારમાં લઈ જઈ શકતા નથી. આ ચલણને વિશ્વની કોઈ બેન્કે હજી સુધી માન્યતા આપી નથી. હા, કેટલાક દેશોમાં એની લેવડ-દેવડ પર પ્રતિબંધ જરૂર મૂકવામાં આવ્યા છે. આવો જ એક સિક્કો છે, બિટકોઈન. એનું તંત્ર કોણ ચલાવે છે એની કોઈનેય ખબર નથી. એને નિયંત્રણમાં રાખનાર કોઈ સત્તા નથી. આ સિક્કા પાછા આપીને એની કિંમતની ચલણી નોટો કે સોનું લેવું હોય તો કોઈ દેશની કોઈ બેન્ક આપવાની નથી. આવા સિક્કાઓના કેટલાક એક્સચેન્જ ચાલી રહ્યા છે, એ અધિકૃત નથી, પરંતુ અત્યારે લોકોને આવા સિક્કાના બદલામાં રોકડ ચૂકવી આપે છે ખરા! પરંતુ એ ક્યાં સુધી ચૂકવણી કરશે એની કોઈનેય ખબર નથી.

દેશના નાણાપ્રધાને સંસદમાં અધિકૃત નિવેદન આપ્યું હતું કે ૨૪ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ સરકારે બિટકોઈન તથા એવા તમામ સિક્કા માટે સ્પષ્ટતા કરી દીધી છે કે તેને ભારત સરકાર ચલણ તરીકે માન્યતા આપતી નથી. એ પછી વારંવાર રિઝર્વ બેન્કે નોટિફિકેશન બહાર પાડયા છે, ભારત સરકારે પણ નોટિફિકેશન બહાર પાડયા છે કે આવા કોઈ કોઈનને સરકાર માન્યતા આપતી નથી. આ વિધાનનો અર્થ એ થયો કે આ જાતના કોઈનને લગતો કોઈપણ મામલો આપણા દેશની કોઈપણ સંસ્થા સ્વીકારશે નહીં. માનો કે તમે છેતરપિંડીની ફરિયાદ કરવા જાઓ તો પોલીસ ફરિયાદ લેશે નહીં, કોર્ટ કેસ દાખલ કરશે નહીં. સરકારી તંત્ર હાથ ઊંચા કરી દે એનું કારણ સ્પષ્ટ છે, જેને માન્યતા જ નથી પછી તમે એ અંગે કોઈપણ જાતની લેવડ-દેવડ કે કરાર કર્યા જ શા માટે? જો કર્યા તો ગેરકાયદે કૃત્ય કર્યું છે. એમાં ન્યાય માગવાની વાત જાવા દો, તમારી સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે કે તમે ગેરકાયદે કૃત્યમાં સામેલ શા માટે થયા? ૧૪ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ આવકવેરા વિભાગે આવા કોઈન્સના એક્સચેન્જિસ ઉપર દરોડા પાડયા હતા, કારણ કે તેમને શંકા હતી કે કર ચોરી કરવા માટે લોકો આ કોઈન દ્વારા પોતાનો લેવડ-દેવડનો વ્યવહાર કરતા હશે. જો એમ થતું હોય તો એ શોધવું અશક્યવત્ છે અને માનો કે એવા વ્યવહારો થયાના સાંયોગિક પુરાવા મળે તો પણ તેનો ટેકનિકલ પુરાવો મળવો અશક્ય છે. જોકે એ જુદી વાત છે. એની ફરી ક્યારેક ચર્ચા કરીશું.

આ બધી હકીકતો જાણ્યા પછી તમને કહેવામાં આવે કે આ જાતના કોઈનમાં પૈસા રોકો ખૂબ લાભ થશે. ગયા વર્ષના જાન્યુઆરીમાં એક બિટકોઈનની કિંમત ૯૦૦ ડોલર હતી અને ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં એની કિંમત વધીને ૧૩,૦૦૦ ડોલર થઈ ગઈ છે. એટલે કે ૧૫૦ ગણી વધી ગઈ છે. આમાં નાણાં રોકો! તો તમે નાણાં રોકશો? સ્પષ્ટ રીતે તમે ના પાડી દેશો. પરંતુ આપણા સમાજમાં સૌથી ભયાનક બાબત એ છે કે આપણે દેખાડવાના અને ચાવવાના જુદા રાખવાનું સ્વીકારી લીધું છે. કહેવાનું હોય તો જે યોગ્ય હોય એ કહેવું અને કરવાનું આવે તો જેમાં લાભ જણાય એ કરવું! આ વાતનો પુરાવો એ છે કે આપણા દેશમાં ૧૧ આવા કોઈન એક્સચેન્જ સરકારના ધ્યાનમાં આવ્યા છે અને સરકારનો દાવો છે કે તેમની ઉપર નજર રાખવામાં આવી રહી છે. જે સરકારના ધ્યાનમાં ન આવ્યા હોય અને ચાલી રહ્યા હોય એવા એક્સચેન્જ જુદા! સાવ વ્યાજબી અંદાજ મુજબ આવા ૧૫ કોઈન એક્સચેન્જ દેશમાં ધમધમી રહ્યા છે. સદંતર ગેરકાયદે અને જેની જવાબદારી લેનાર કોઈ સરકાર કે તંત્ર નથી એવા ચલણમાં આપણે નાણાં રોકી રહ્યા છીએ એનો આ પુરાવો છે. જો નાણાં ન રોકાતા હોત તો એક્સચેન્જ ન ખુલ્યા હોત, એની સંખ્યા વધી ન હોત અને બિટકોઈનની કિંમત પણ ન વધી હોત.

આવા એક એક્સચેન્જના સંચાલક સાત્વિક વિશ્વનાથે નિવેદન કર્યું કે ૨૦૧૬માં અમારી પાસે દર મહિને સરેરાશ ૧૦,૦૦૦ લોકો રજિસ્ટ્રેશન કરાવવા માટે આવતા હતા. ત્યારે બિટકોઈનની કિંમત ૪૦૦ ડોલરની આસપાસ હતી. આજે તેનો ભાવ વધ-ઘટ પછી ૯,૩૧૧ ડોલર પર અટક્યો છે ત્યારે રોજના ૧૦,૦૦૦ યુઝર્સ રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. આનો અર્થ એ થયો કે આવા કોઈનના વપરાશકારોનો વૃદ્ધિદર ૩૦૦ ગણો થઈ ગયો છે. આશરે ઓછામાં ઓછો અંદાજ માંડીએ તો પણ આજે દેશમાં ઓછામાં ઓછા પાંચ સાત કરોડ લોકો આ કોઈનના કારોબારમાં જોડાયેલા હોવા જોઈએ. માત્ર જેબપે અને યુનોકોઈન એમ બે જ એપ્સ ગૂગલ ઉપરથી ૧૫,૦૦,૦૦૦ લોકોએ ડાઉનલોડ કરી છે. જ્યાંથી બિટકોઈન જેવા કોઈન્સની લેવડ-દેવડ કરી શકાય. આવી તો બીજી ડઝનબંધ એપ્સ છે. બિટકોઈન સૌથી જાણીતું નામ છે. આવા ઓછામાં ઓછા પાંચેક ડઝન જાતના કોઈન્સ ચલણમાં છે. એને ટેકનિકની ભાષામાં ક્રિપ્ટો કોઈન કહે છે.

તેને ક્રિપ્ટો કરન્સી પણ કહે છે, કારણ કે એ માત્ર કમ્પ્યૂટરની બાયનરી ભાષામાં કોઈક જગ્યાએ આભાસી ખાતાવહીમાં નોંધાય છે. એ ખાતાવહી માત્ર નાણાં આપનારને દેખાય છે અને નાણાં મેળવનારને દેખાય છે. એમાંય તારીખ અને રકમની જ એન્ટ્રી બોલે છે. મોકલનાર કે મેળવનારના નામ નોંધાતા નથી. કોઈપણ પ્રકારના ક્રિપ્ટો કોઈનની આ ખાસિયત જ તને માન્યતા આપવામાં સરકારને રોકે છે. એને માન્યતા આપ્યા પછી એની લેવડ-દેવડ ક્યાંયથી પકડાય જ નહીં તો ગેરકાયદે વ્યવહારોનો રાફડો ફાટે અને સરકાર કશું જ કરી શકે નહીં! અત્યારે પણ સરકારના આવકવેરા વિભાગને પાકી શંકા છે કે છેલ્લા ૧૭ મહિનામાં ક્રિપ્ટોકરન્સીમાં ઓછામાં ઓછા ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ છે. આ શંકાના આધારે આવકવેરા વિભાગે પુણે, મુંબઈ, દિલ્હી અને બેંગલુરુના નવ એક્સસચેન્જ ઉપર દરોડા પાડયા હતા. આ બધા એક્સચેન્જને નોટિસ ફટકારવામાં આવી છે અને આવા વ્યવહારો માટે પહેલી કાયદેસર એન્ટ્રી કરી આપનાર બેન્કોને પણ નોટિસ પાઠવવામાં આવી છે. પરિણામે એસબીઆઈ, એક્સિસ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ તથા યસ બેન્ક જેવી અનેક બેન્કોએ શંકાસ્પદ ખાતાં બંધ કરી દીધાં છે.

છતાં આવા કોઈન્સનો વપરાશ વધી જ રહ્યો છે. આને આપણી જુગારની લત ન કહીએ તો શું કહીએ?

[email protected]