અમારે ત્યાં ઉજવાતી જન્માષ્ટમી - Sandesh
  • Home
  • Kids Corner
  • અમારે ત્યાં ઉજવાતી જન્માષ્ટમી

અમારે ત્યાં ઉજવાતી જન્માષ્ટમી

 | 12:40 am IST

કૃષ્ણપુરા ગામમાં જન્માષ્ટમીની ઉજવણી દર વર્ષે ધામધૂમથી થાય છે. આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવને વધાવવા સૌ હરખઘેલા બન્યા છે. ગામની એક નાનકડી દીકરી તેની મમ્મીને કહે છે, “મમ્મી, આ વખતે કાનુડો તો મારે જ બનવાનું છે. ‘બાળ કનૈયો’ બની મારે નાચવું છે. તુ જોજેને! બધા જોતા જ રહી જશે.” પરંતુ તેની મમ્મી મીનાએ આ માટે આનાકાની કરતાં મિષ્ટી તો રડવા લાગી, ત્યારે પપ્પા બોલ્યા- “બેટા, ધીરજ રાખ, બાળગોપાલની શોભાયાત્રામાં તો કાનુડો તુ જ બનીશ.” અને મિષ્ટી રાજી રાજી થઈ ગઈ ત્યારબાદ મમ્મી-પપ્પાએ કાનુડાના વસ્ત્રો અને શણગારની બધી જ તૈયારીઓ આરંભી દીધી.

બીજી બાજુ ગામમાં આ દિવસે મટકીફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ માટે યુવાનો ભેગા થઈ પ્રેક્ટિસ કરી રહ્યા છે.

વળી જન્માષ્ટમીની ઉજવણીની પૂર્વ તૈયારી રૃપે ગામના સરપંચે ગામમાં સફાઈ અભિયાન પણ શરૃ કર્યું છે. જે માટે ગામના યુવાનો અને બહેનો કામે લાગી ગઈ છે. ખરેખર, તમે જુઓ તો ગામના તમામ રસ્તાઓ, શાળા, મંદિર અને પંચવટી બગીચો સ્વચ્છ અને સુંદર લાગે છે, જાણે કે ‘ગોકુળ’ જ હોય.

વિશેષમાં આ ઉજવણી પ્રસંગે બાજુના ગામમાંથી રાસ મંડળને પણ તેડાવ્યું છે, તો બીજી તરફના ગામના વડીલો પણ રણછોડરાયજીના મંદિરમાં રાતે ૧૨ વાગ્યે યોજાનાર કૃષ્ણજન્મ માટેની તૈયારીઓમાં લાગી ગયા છે. આમ આ ગામમાં લાલાના જન્મની ઉજવણી ભવ્ય રીતે ઉજવાય એ માટે સૌ કોઈ તૈયારીઓ કરી રહ્યા છે.

જોતજોતામાં તો જન્માષ્ટમીનો દિવસ આવી પણ ગયો. વહેલી સવારથી જ ગામના મંદિરમાં લોકો દર્શન માટે આવવા લાગ્યા. બસ, બધાના હૈયામાં એક જ થગનગાટ કે – “આજે મારા પ્રભુ પ્રગટ થશે, જેનાં મારે દર્શન કરવાં છે.” આ દિવસે લોકો ભજન અને રાસ-ગરબાના કાર્યક્રમમાં પણ ઉત્સાહભેર જોડાયા. બપોરે બેન્ડવાજા સાથે ગામમાં શોભાયાત્રા નીકળ્યા ત્યારે તો વાતાવરણ ભક્તિમય બની ગયું. ફળિયે-ફળિયે યુવાનો દ્વારા મટકીફોડનો કાર્યક્રમ પણ ઉજવાયો.

રાતે બરાબર બારના ટકોરે પ્રભુ પધાર્યા ત્યારે “નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલકી.” ના જયનાદ સાથે આખું ગામ આનંદવિભોર બની નાચી ઊઠયંુ. સૌએ બાળકૃષ્ણના દર્શન કર્યા. વળી આ પ્રસંગની ઊજવણીમાં થોડીવારમાં મહેમાન બની મેઘરાજા પણ પધાર્યા અને સૌને ભીંજવી દીધા. આમ ગામમાં જન્માષ્ટમી પર્વ રંગે ચંગે ઉજવાયો બાળ દોસ્તો, તમે પણ ભણવાની સાથે ઉત્સવપ્રિય બનજો. કેમ કે આપણા દેશમાં વારે-તહેવારે ઉજવાતા આવા ઉત્સવો આપણને પ્રેમ, એકતા, ધર્મ અને સ્પષ્ટભાવની પ્રેરણા પૂરી પાડે છે.

[email protected]