We must create heaven after independence
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • સ્વતંત્રતા પછી સ્વર્ગ આપણે જ બનાવવું પડે, આપણે જ બનાવવું પડે!

સ્વતંત્રતા પછી સ્વર્ગ આપણે જ બનાવવું પડે, આપણે જ બનાવવું પડે!

 | 1:14 pm IST

ટિન્ડરબોક્સ :- અભિમન્યુ મોદી

દેશ ચલાવવાનું કામ ડિસ્કોથેકમાં મ્યુઝિક વગાડવા કરતાં સહેલું છે બશર્તે પ્રથમ કાનમાં સાંભળનારા બહેતર હોવા જોઈએ. માર્ક ટ્વેઇનના કુળના આ વિધાનના રચયિતા તો અજ્ઞાત છે પણ વાતમાં દમ છે અને દમ સાથે સત્ય છે. દેશ ચલાવવો બહુ સરળ કામ છે પરંતુ કોઈ પણ સરળ કામને સંપૂર્ણ રીતે પૂરું કરવું અઘરું છે. અહીં જ મોટાભાગના લોકો થાપ ખાઈ જાય છે. ઉપવાસ કરવો સહેલું કામ છે અને દેશના કરોડો લોકો નિયમિતપણે કરે છે, પરંતુ અંગ્રેજો સામેના ઉપવાસથી તમે ગાંધીજી બની શકો છો. સમયસૂચકતા, સ્થળકાળનું સંપૂર્ણ ભાન અને અડગ નિર્ણયશક્તિ. આ ત્રણ ભાથાં હોય એટલે દુનિયા અપને કદમોં મેં!

લોકશાહી એટલે લોકોની, લોકો માટે, લોકો દ્વારા ચાલતી સરકાર એવી વ્યાખ્યાને જડની જેમ વળગી રહીએ તો આખી સિસ્ટમ જડ થઈ જાય. લોકોનો એક અર્થ ટોળું પણ થાય છે. હવે તો ટોળાં બનાવવા માટે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા જેવાં રેડિમેડ સંસાધનો પણ ઉપલબ્ધ છે. લોકશાહી ફ્ક્ત લોકો માટે જ નહીં પણ એ લોકોની આવતી પેઢી માટે પણ એક તંદુરસ્ત વાતાવરણ આપે એને કહેવાય. પેઇનકિલરથી ગાંઠનો દુખાવો મટે, ગાંઠ કાઢવા માટે ઓપરેશન કરવું પડે. લોકશાહીમાં ઘણી વખત સામાન્ય બુદ્ધિનો ક્ષય થઈ જતો હોય છે. ભારતની આઝાદી સમયે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની જૂનાગઢના એ સમયના નવાબની ખ્વાહિશ શેખચલ્લીના આખા ખાનદાનને શરમાવે એવી હતી. પણ એની સામે સ્વયંભૂ ઊભી થયેલી આરઝી હકૂમત પ્રજાની સૂઝબૂઝ અને હિમ્મતનું એક બેમિસાલ ઉદાહરણ બની રહી.

કાશ્મીરનો ઇતિહાસ જૂનો છે અને એ  ઈતિહાસની તવારીખ કરતાં પણ આઝાદ ભારતમાં એનો પ્રશ્ન વધુ પેચીદો છે. ૩૭૦ની કલમ નાબૂદ કરવામાત્રથી એનો પ્રશ્ન સોલ્વ થવાનો નથી અને આ વાત સત્તાધીશો પણ જાણે છે, પરંતુ વર્તમાન દુનિયા અત્યારે નેશનાલિઝમના મોડેલમાં જીવે છે. ‘સરહદોને આદમી કા બટવારા કર દિયા’ જેવી પંક્તિમાં ફ્લિસૂફીમાં તો આપણે પણ માનીએ છીએ પરંતુ સાથેસાથે વાસ્તવિકતા પ્રત્યે આંખમીંચામણાં કરવાની આદત પણ સારી નહીં. જ્યારે દુનિયા દેશોમાં વિભાજિત થયેલી હોય ત્યારે એ મોડેલને અનુસરવું પડે અને એક જ દેશની અંદર બે સમાંતર બંધારણ ચાલતાં હોય ત્યારે એ દેશ માટે ખૂબ જ જોખમકારક ગણાય. સ્ટીવ જોબ્સ એની પાછલી જિંદગીમાં કેટલો પાતળો થઈ ગયેલો? કેન્સર ધીમા મોતે મારે અને રિબાવીરિબાવીને મારે. ભારતને કાશ્મીર નામનું કેન્સર કેટલા ટકા વિસ્તારમાં થયેલું?

કાશ્મીરની સમસ્યા જમ્મુ અને કાશ્મીર રાજ્યના ફ્ક્ત અગિયાર પ્રતિશત વિસ્તારમાં આવતી જમીનના લીધે જ છે. સમગ્ર ભારત સાથે સરખામણી કરીએ તો એટલી નાનકડી જમીનનો ટુકડો ખૂબ જ ઓછો કહેવાય. માનો યા ન માનો, ૧૯૪૮માં પાકિસ્તાને કાશ્મીર ઉપર ચડાઈ કરી, એના પછી અચાનકના યુદ્ધવિરામ બાદ સવાલ યુનોમાં ગયો જેથી ભારત માટે જે ભયંકર સમસ્યા ઊભી થઈ એ સમસ્યાનો ઉકેલ આટલાં વર્ષોના કોઈ પણ સમયગાળામાં માત્ર ચંદ દિવસોમાં આવી શકે એમ હતો. લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બને તથા જમ્મુને કાશ્મીરથી અલગ કરવું જોઈએ જેવાં સૂચનો તો છેલ્લા ત્રણ-ચાર દાયકાથી અનેક લેખકો, સમીક્ષકો કે અભ્યાસુઓ આપી ગયા છે. જરૂર હતી આ અઘરા લાગતા પણ પ્રમાણમાં સરળ એવા નિર્ણય લેવાની. એ વાત યાદ રાખીએ કે અત્યારે નહેરુ, હરિસિંહ, શેખ અબ્દુલ્લા, સરદાર, ગાંધીજી કે માઉન્ટબેટનની ભૂલો કે સારા કામને અત્યારે વાગોળવાનો કે વખોડવાનો સમય નથી. એ બધા લોકોનાં નામ વાપરીને પૂરતું રાજકારણ રમાઈ ચૂક્યું છે, વખાણ કે નિંદા થઈ ગયાં છે.

ભારતવર્ષની પ્રચંડ વિવિધતા વરદાન બનવી જોઈએ, અભિશાપ નહીં. ઘણાં ચોક્કસ કારણસર આપણી અપાર વિવિધતાને કારણે દેશની સંયુક્ત તાકાત ઉભરીને બહાર નથી આવી શકી. કાશ્મીરમાં નવી ૩૭૦ની કલમ દાખલ થવી જોઈએ જે કાશ્મીરના પ્રાકૃતિક સૌંદર્યને, કાશ્મીરનાં બાગાયત કે ખેતરોને, ત્યાંના શુદ્ધ પર્યાવરણને, ત્યાંની ચોખા-કેસર-સફ્રજન માટેની ફ્ળદ્રુપ જમીનને નુકસાન બિલકુલ ન કરે. અલબત્ત, નવી ૩૭૦ની કલમ એ તો માત્ર મનોરંજન માટેનો આંકડો છે પણ એવો વ્યવસ્થિત કાયદો આવવો જોઈએ કે જે જહાંગીરના કાશ્મીર માટે બોલાયેલા અમર વિધાન- પૃથ્વી ઉપર ક્યાંય સ્વર્ગ છે તો એ અહીં છે, અહીં છે, અહીં છે-ની શાશ્વતતાને નાશવંત ન કરી નાખે. કાશ્મીરી સંસ્કૃતિ જળવાઈ રહે એ બહુ જ જરૂરી છે. જેમ કર્ણાટકી સંગીત, પંજાબી સંગીત, રાજસ્થાની સંગીતનો અલગ લહાવો છે એટલું જ ઊંડાણ કાશ્મીરી સંગીતમાં પણ છે. પશ્મીના શાલની તો આપણે વાત જ નથી કરી રહ્યા. કાશ્મીરની ભાતીગળ સંસ્કૃતિના સંવર્ધનની વાત કરીએ છીએ. કાશ્મીરને ભારતના મુખ્ય પ્રવાહો સાથે રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, સાંસારિક અને આર્થિક સેતુઓ દ્વારા જોડીને એક બહેતર અને જરૂરી ભવિષ્યની તૈયારીની વાત કરી રહ્યા છીએ.

કોઈ પણ દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ ઉપર ત્યારે ગર્વ લઇ શકીએ જ્યારે તેના બધા નાગરિકો એકસમાન હોય. આઝાદી પછીનો આ પહેલો ઓગસ્ટ મહિનો એવો છે કે જ્યાં મુક્તિની હવાની લહેરખીઓની ઝડપ વધી છે. પણ હવે ભૂતકાળ વાગોળવાને બદલે ભવિષ્ય તરફ જો નક્કર પગલાં ભરવામાં ભારતના આમ ઇન્સાને લથડિયાં ખાધાં તો આવતીકાલના સૂરજનો તાપ સહન નહીં થાય. કોઈ પણ દેશ મહાન બને ત્યારે જ તેની ઉપર ગૌરવ લેવાનું મન થાય એવા નાગરિકો જો વસતા હોય તો દેશ કદાપિ મહાન બની ન શકે. જે દેશ જેવો છે એની ઉપર ગર્વ લેતા નાગરિકો સાથે મળીને રહે તો એ દેશ મહાન બને. ભારત એકમાત્ર એવો દેશ હશે જે સ્વતંત્રતા મેળવ્યા પછી પણ હજુ વધુ સ્વતંત્ર થવા માટે ખૂબ કશ્મકશ કરતો હશે. સ્વતંત્રતાની કિંમત નથી હોતી, એની આહુતિ હોય છે. કેટલા આપી શકે એમ છે?

facebook.com/abhimanyu.modi.7

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન