આપણે સોશ્યલ મિડિયા પર મર્દાનગી દાખવતી નપુંસક પ્રજા તો નથી બની ગયાને? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • આપણે સોશ્યલ મિડિયા પર મર્દાનગી દાખવતી નપુંસક પ્રજા તો નથી બની ગયાને?

આપણે સોશ્યલ મિડિયા પર મર્દાનગી દાખવતી નપુંસક પ્રજા તો નથી બની ગયાને?

 | 3:23 am IST

ઝીરો લાઈનઃ ગીતા માણેક

હિંદુસ્તાનના શહેરનો એક ધમધમતો વિસ્તાર છે. રાતના લગભગ સવાઆઠનો સમય છે. દુકાનોમાં ગ્રાહકો માલસામાની ખરીદી કરી રહ્યા છે. રસ્તા પરથી કાર, મોટરસાઈકલો, ટેક્સીઓ, રીક્ષાઓ અને રાહદારીઓની અવરજવર થઈ રહી છે. આવા ભરચક વિસ્તારમાં પસાર થઈ રહેલી એક સેન્ટ્રો કારની બરાબર સામે અચાનક એક સ્કૂટર ધસી આવે છે. કાર ચાલક ત્રેવીસ વર્ષનો યુવાન છોકરો ઇમરજન્સી બ્રેક મારે છે અને સ્વાભાવિક રીતે જ કારને કેટલું નુકસાન થયું છે, આવી રીતે કઈ રીતે કોઈ સામેથી આવીને કારને અથડાયું એ જોવા માટે તે કારમાંથી નીચે ઉતરીને બહાર આવે છે. એ જ વખતે સ્કૂટર સવાર તેના માથા પરની હેલમેટ ઉતારે છે. સ્કૂટરસવાર મહિલાનો ચહેરો જોઈને તે યુવાન ચોંકી જાય છે. તે કંઈ વિચારે એ પહેલાં બીજા બે-ત્રણ જણાં ધસી આવે છે. તેની સાથે ઝઘડો કરવા માંડે છે. તેને ઢિબેડવા માંડે છે. છોકરો વિનવણીઓ કરતો રહે છે કે એવું હોય તો મને પોલીસ સ્ટેશને લઈ જાઓ અથવા પોલીસને અહીં બોલાવો. પરંતુ તે વ્યક્તિઓ સાંભળવાના મૂડમાં નથી. છોકરાને માર ખાતો જોઈને તેનો મિત્ર દોડીને છોકરાના ઘરે જાય છે. (છોકરો એ ઘટના બની એનાથી થોડીક જ ર્ફ્લાંગ દૂર રહેતો હતો). તે યુવાનની મા દોડી આવે છે. ત્યાં સુધીમાં પેલા બે પુરુષોએ તેને મારી-મારીને અધમૂઓ કરી નાખ્યો છે એટલું જ નહીં તેના ગળા પર ચાકુ વડે વાર કર્યો છે. યુવાનના ગળામાંથી લોહી વહી રહ્યું છે. યુવાનની મા આવીને છોકરાને છોડી દેવાની વિનવણી કરે છે, તેમની વચ્ચે પડે છે પણ પેલી સ્કૂટર સવાર મહિલા તે છોકરાની માને પણ મારવા માંડે છે. લોહી નીતરતી હાલતમાં છોકરો માને બચાવવા આગળ ધસે છે પણ પેલા બે પુરુષો હવે તેના પર જીવલેણ વાર કરે છે. આ બધું બની રહ્યું છે ત્યારે આ ધમધમતા વિસ્તારમાંથી પસાર થતા કે દુકાનોમાં માલની લે-વેચ કરતા માલિકો-ગ્રાહકો બધા આ ઘટનાના મૂક સાક્ષી બની જોયા કરે છે. હુમલો કરનારાઓ ભાગી ગયા બાદ પોતાના દીકરાનું માથું ખોળામાં લઈને રડી રહેલી માતાના ફેટા અને વિડીઓ રાહદારીઓ અને દુકાનદારો ઉતારે છે પણ એક વ્યક્તિ સુદ્ધાં લોહીથી લથબથ છોકરાની કે મદદ માટે પોકાર કરી રહેલી માને પ્રતિસાદ આપતા નથી. મા પોતાના ઘાયલ દીકરાને હોસ્પિટલમાં લઈ જવા માટે રીક્ષા રોકવાની કોશિશ કરે છે પણ મોટાભાગની રીક્ષાઓ તો ઊભી રહ્યા વિના જ પસાર થઈ જાય છે. બે-ત્રણ રીક્ષા ઊભી રહે છે તો પણ લોહી વહી રહ્યું છે એવા યુવાનને લઈ જવાની ના પાડી દે છે. છેવટે એકાદ રીક્ષાવાળો તૈયાર થાય છે અને યુવાન હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ શ્વાસ છોડી દે છે.

આ આખો પ્રસંગ કોઈ બોલીવુડની ફ્લ્મિની સ્ક્રીપ્ટમાંનો નથી પણ આપણા દેશના પાટનગર દિલ્હીના પશ્ચિમ તરફ્ આવેલા રઘુવીર નગરમાં ૧લી ફેબ્રુઆરીએ બનેલી વાસ્તવિક ઘટના છે. અંકિત સક્સેના નામનો ૨૩ વર્ષનો યુવાન ફેટોગ્રાફ્ર શાહજાદી નામની છોકરીના પ્રેમમાં હતો. શાહજાદીના પરિવારને તેમની દીકરી પરધર્મમાં નિકાહ કરે એ મંજૂર નહોતું અને એટલે તેમણે તે છોકરાને જ પતાવી દીધો. ન રહેગા દુલ્હા ન બજેગી શહેનાઈ. આ ૨૩ વર્ષના યુવાનને તેની પ્રેમિકાના મા-બાપ અને સગાંઓ મારી રહ્યા હતા ત્યારે દિલ્હીના એ વિસ્તારના રહેવાસીઓ અને ત્યાંથી પસાર થનારાઓ આ કોઈ ફ્લ્મિનું દૃશ્ય હોય એમ ફ્ક્ત જોઈ રહ્યા હતા. હા, એ ઘટનાના ફેટા અને વિડીઓ સોશ્યલ મિડિયા પર ધડાધડ અપલોડ થઈ ગયા હતા.

દિલ્હીની આ ઘટનાના થોડા કલાકો બાદ એટલે કે રાતના એક વાગ્યે દેશના બીજા છેડે આવેલા કેરળ રાજ્યમાં મવેલી એક્સપ્રેસ ટ્રેન મેંગ્લુરથી થિરુવનન્થપુરમ તરફ્ દોડી રહી હતી. એ ટ્રેનના એ.સી કોચમાં પોતાની બર્થ પર સૂતેલી યુવતીએ તેના હોઠ પર કોઈના હાથનો સ્પર્શ અનુભવ્યો. તેણે ઝટ દઈને એ હાથ પકડી લીધો અને લાઈટની સ્વીચ ઓન કરી. કોઈ અજાણ્યો પુરુષ તેને આ રીતે સ્પર્શ કરી રહ્યો હતો એટલે તે યુવતીએ બૂમાબૂમ મચાવી દીધી. જો કે યુવતીની મદદ માટેની પોકારને એકપણ સહ-પ્રવાસીએ પ્રતિસાદ ન આપ્યો અને લગભગ બધા જ પ્રવાસીઓ જાણે ભરઉંઘમાં હોય એમ સૂતા રહેવાનો ડોળ કરતા રહ્યા. યુવતીની સાથે પ્રવાસ કરી રહેલા તેના બે સહકર્મચારીઓ સિવાય એક પણ પ્રવાસીએ ઊભા થઈને એ જોવા-જાણવાની દરકાર પણ ન કરી કે શું ચાલી રહ્યું છે. તે યુવતીએ રેલવે હેલ્પલાઈન પર ફેન કર્યો એટલે પોલીસ આવી ત્યારે તેણે પેલા પુરુષને પોલીસને હવાલે કર્યો ત્યાં સુધી ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કરી રહેલા તમામ ‘મરદો’ સૂતા જ રહ્યા હતા.

આ યુવતી એટલે ૪૦થી વધુ તામિલ અને તેલુગુ ફ્લ્મિો તથા ટેલિવિઝન સિરીયલોમાં કામ કરી ચૂકેલી ત્રેવીસ વર્ષીય અભિનેત્રી સનુષા. આ ઘટના પછી સનુષાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તેના પર જાતીય હુમલો કરનાર એન્ટો જોસેની વર્તણૂકથી તેને જેટલો આઘાત લાગ્યો હતો એનાથી વધુ આઘાત તો એ વાતથી લાગ્યો હતો કે આખા કમ્પાર્ટમેન્ટમાંથી એક વ્યક્તિ પણ તેની સહાય કરવા નહોતી આવી. તેણે કહ્યું હતું કે આપણા સમાજ પરથી મારો ભરોસો જ તૂટી ગયો છે.

કોઈ ફ્લ્મિનો વિરોધ કરવાનો હોય કે કોઈ રાજનેતાની ભૂલ અથવા સરકારી નીતિની ટીકા કે સરાહના કરવાની હોય આપણે બધા જ સોશ્યિલ મિડીઆ પર મચી પડીએ છીએ. અગાઉ ફેસબુક પર ફ્ક્ત લાઇકનું જ આઇકન હતું પણ હવે તો હાસ્ય, ગુસ્સો, દુઃખ પણ આપણે એક ક્લિક કરીને દર્શાવી શકીએ છીએ. પરંતુ ઉપર વર્ણવેલી બે ઘટનાઓ એ વાતની પ્રતીતિ કરાવે છે કે આપણી લાગણીઓ પણ હવે જાણે વર્ચ્યુઅલ એટલે કે માઉસની ક્લિક અને સ્ક્રીન સુધી જ સીમિત રહી ગઈ છે. એક મા પોતાના લોહીનીતરતા યુવાન દીકરાને ખોળામાં લઈને મદદ માગી રહી હોય એવું દ્રશ્ય કમપ્યુટર કે સ્માર્ટફેનની સ્ક્રીન પર હજ્જારોની સંખ્યામાં લાઇક્સ, આક્રોશ કે ઉદાસી તો મેળવી શકે છે પણ વાસ્તવિકતામાં એક એવું હૃદય નથી મેળવી શકતું જેને આ મા-દીકરાની પીડા સ્પર્શે અને તેમને સહાય આપે. કરુણતા તો એ વાતની છે કે આ ઘટનાના સાક્ષી વ્યક્તિઓ તેમને મદદ કરવાને બદલે ફેટા અને વિડીઓ પાડીને એને અપલોડ કરવામાં એટલે કે લાઇક્સ મેળવવામાં વ્યસ્ત થઈ ગયા હતા. સ્ત્રીઓની મહાનતાની મહિમા ગાતા ચબરાકિયા વાક્યોને અઢળક લાઇક્સ મળે છે પણ ત્રેવીસ વર્ષની યુવતીની મદદ માટેની પોકાર ત્યાં હાજર રહેલી વ્યક્તિના કાન સુધી નથી પહોંચતી.

સમાજશાસ્ત્રીઓ કહે છે કે કાયદો, કાયદાના રખેવાળો અને અસામાજિક તત્વોથી લોકો ડરે છે એટલે મદદ કરવા આવતા નથી. આ વાતમાં કંઈક અંશે સત્ય હોય તોય દિલ્હીના કિસ્સામાં યુવાન પર હુમલો કરીને જ્યારે હુમલાખોરો ભાગી ગયા ત્યારે તો કોઈક તે યુવાનને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ તો કરી જ શક્યું હોત. રાત્રે એક વાગ્યે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં કોઈ યુવતીની છેડછાડ થતી હોય અને મદદ માટે હાક મારે ત્યારે પાંચ પ્રવાસીઓ ભેગા થઈને તે અપરાધીને પોલીસને સોંપી શકતા જ હતા. ક્યાંક એક પ્રજા તરીકે આપણે ફ્ક્ત સોશ્યિલ મિડિયા પર મર્દાનગી દાખવનારી નપુંસક પ્રજા બનવા તો નથી જઈ રહ્યાને?

[email protected]