આપણે શિક્ષકોનું કેટલું સન્માન કરીએ છીએ ? - Sandesh
  • Home
  • Columnist
  • Chini Kam
  • આપણે શિક્ષકોનું કેટલું સન્માન કરીએ છીએ ?

આપણે શિક્ષકોનું કેટલું સન્માન કરીએ છીએ ?

 | 1:30 am IST

ચીની કમ

‘શિક્ષક દિન’ આવ્યો અને જતો જ રહ્યો.

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ ‘શિક્ષક દિન’ તરીકે મનાવાય છે. આ દિવસે શિક્ષકોનો મહિમા કરવામાં આવે છે પરંતુ સૌ કોઇએ આત્મ નિરીક્ષણ કરવાનો આ સમય છે કે શું આપણે માત્ર શિક્ષક દિન ઉજવવાની રસમ નિભાવીને વાત સમાપ્ત કરી દઇએ છીએ ? આજે શિક્ષણ અને શિક્ષકનું આપણે કેટલું સન્માન કરીએ છીએ? શું તમે તમારા એક જમાનાના શિક્ષકને મળીને એટલા જ ભાવવિભોર થઇ જાવ છો જેટલા કોઇ ક્રિકેટર, અભિનેતા, ડાન્સર, ગાયક કે સાધુ સંતને મળીને થાવ છો ? આપણી યુવા પેઢીમાંથી કેટલા શિક્ષક બનવા માગે છે?

૯૦ લાખ પ્રાથમિક શિક્ષકો

આજે ભારતની સ્કૂલની કેળવણી ૯૦ લાખ સરકારી શિક્ષકોના હાથમાં છે, જે સંખ્યા અપર્યાપ્ત છે. દેશમાં હજુ બીજા ૨૦ લાખ શિક્ષકોની જરૂર છે. પ્રાથમિક શાળાઓ પછી ઉચ્ચ શિક્ષણમાં ૧૨ લાખથી વધુ શિક્ષકો કાર્યરત છે. જે ભારતના ૪ કરોડ યુવાનોના ભાગ્ય નિર્માતા છે. એ વાત સ્પષ્ટ છે કે આધુનિક ભારતનું ભવિષ્ય આ ૧.૨ કરોડ શિક્ષકોના હાથમાં છે. ત્યારે આપણે જ જોવું પડશે કે શિક્ષકોને પૂરતું વેતન, સગવડો અને સન્માન આપીએ છીએ ખરા ?

યાદ રહે કે શાળાઓએ મા સરસ્વતીના પવિત્ર મંદિરો છે અને તેથી જ શિક્ષકો વંદનીય છે, પૂજનીય છે. કેટલાયે શિક્ષકોએ સ્કૂલોની સૂરત બદલી નાખી તે જોવા નીચેના દૃષ્ટાંત મોજૂદ છે.

એક જ વિદ્યાર્થી

વર્ષ ૨૦૧૮માં કેરળમાં મહેશકુમાર એમ. નામની વ્યક્તિએ અખબારમાં વાંચ્યું કે ચેરાકરાઇની સરકારી શાળાના પહેલા ધોરણમાં માત્ર એક જ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે તે જાણીને તેમને આઘાત લાગ્યો. તપાસ કરતાં ખબર પડી કે વસવાટવાળી વસતીથી આ સ્કૂલ ખૂબ દૂર હતી. સ્કૂલના નામે માત્ર દીવાલો જ હતી અને તેથી કોઇ એ સ્કૂલમાં જવાનું પસંદ કરતું નહોતું. આખી સરકારી શાળામાં બધા મળીને કુલ ૧૩ વિદ્યાર્થીઓ હતા. મહેશકુમાર નામના શિક્ષણપ્રેમી યુવાને દાન એકત્ર કરી સ્કૂલના ઓરડા સરખા કરાવ્યા. બહાર પાર્ક બનાવરાવ્યો. સરકારી સ્કૂલમાં જ કમ્પ્યૂટર લેબ. બનાવરાવી. એક જૂની બસ ખરીદી મહેશકુમાર ખુદ દૂર રહેતી વસતીમાં જઇ બાળકોને સ્કૂલમાં લઇ આવવા માંડયો અને સાંજે તે જ ઘેર મૂકવા જતો. મહેશકુમાર ખુદ બસ ચલાવતો.

આતંકવાદીઓના ગઢમાં

કઠુઆની સરકારી શાળામાં ૧૯૯૬માં ગુરુનામસિંહ નામના શિક્ષકે ભણાવવાનું શરૂ કર્યું. એ વખતે સ્કૂલના નામે એક જ ઓરડો હતો. એ દિવસોમાં આતંકવાદીઓને ૧૩ હિંદુ નાગરિકોની હત્યા કરી નાખી હતી. આ ભયના કારણે કોઇ વાલીઓ તેમના બાળકોને સ્કૂલમાં મોકલવા તૈયાર નહોતા. શિક્ષક ગુરુનામસિંહે લોકોનો વિશ્વાસ જીતવા માટે પોતાના પૈસાથી વિદ્યાર્થીઓના આઈકાર્ડ બનાવ્યા અને પુસ્તકો ખરીદી બાળકોના ઘેર જઇ વહેંચ્યા. અન્ય શક્તિશાળી લોકો પાસે જઇ દાન મેળવી સ્કૂલ બનાવવા પૈસા એકત્ર કર્યા. નવી સ્કૂલ બાંધવા માટે એ જ શિક્ષકે પોતાની ચાર એકર જમીન દાનમાં આપી દીધી. હવે એ જમીન પર સરકારી સ્કૂલની મોટી ઇમારત છે અને બાળકો ભણવા આવે છે.

દિવ્યાંગ બાળકો માટે

મણિપુરની ટેકેચપ ગર્લ્સ અપર પ્રાઇમરી સ્કૂલના એક શિક્ષકનું નામ છે મુટુમ થાબીચામાં સિંહ. ૨૦૦૬માં તેમણે આ સરકારી શાળામાં ભણાવવાનું શરૂ કર્યું. એ વખતે સ્કૂલમાં માત્ર ૧૩ જ બાળકો હતા. સ્કૂલ છોડી જતાં બાળકોની ટકાવારી ૨૦ ટકા હતી. આ સ્થિતિ બદલવા આ શિક્ષક ઘેર ઘેર ફરવા લાગ્યા. કેટલાક લોકો તેમના દિવ્યાંગ બાળકોને સ્કૂલે મોકલતા નહોતા. માતા-પિતા આવા દિવ્યાંગ બાળકોને ઘરમાં પૂરી કામકાજ માટે બહાર જતાં હતા. એ બાળકો સ્કૂલે લઇ- લાવવાનું અને તેમના ઘેર મોકલી આપવાનું કામ આ શિક્ષકે જ ઉપાડી લીધું. દિવ્યાંગ બાળકોને ભણતા જોઇ બીજાં બાળકો પણ હવે સ્કૂલમાં આવવા લાગ્યા. હવે સ્કૂલમાં અનેક બાળકો કિલ્લોલ કરતાં નજરે પડે છે.

ઇટાલી અને એક શિક્ષક

ઇટાલીનો એક પ્રસંગ છે. ઇટાલીના પાટનગર રોમમાં એક ઇટાલિયન વ્યક્તિ અત્યંત વ્યસ્તતાના કારણે સમયસર ટેક્સ ભરી શક્યા નહોતા. એ કારણસર તેમને કોર્ટમાં હાજર થવું પડયું. ન્યાયાધીશે સમયસર ટેક્સ કેમ ના ભર્યો તેવો પ્રશ્ન પૂછયો.

ઇટાલિયન નાગરિકે જવાબ આપ્યો : ‘સર, હું એક શિક્ષક છું અને મારી કામની વ્યસ્તતાના કારણે સમયસર કર, ભરવાનો મને સમય ના મળ્યો મને માફ કરો.’ તેઓ આગળ વાત ચલાવે તે પહેલાં જ ન્યાયાધીશ બોલ્યા : ‘આજે કોર્ટમાં એક શિક્ષક ઉપસ્થિત છે.’

અને કોર્ટમાં સામેની બેચ પર બેઠેલા બધા જ લોકો ઊભા થઇ ગયા. રોમના ન્યાયાધીશે તેમને કોર્ટમાં બોલાવવા બદલ માફી માગી અને તેમની સામેનો કેસ કાઢી નાખ્યો. આવો હતો શિક્ષક પ્રત્યેનો આદર.

આ સિવાય પણ બીજી જાણવા જેવી વાતો છે (૧) અમેરિકામાં બે જ પ્રકારના લોકોને વીઆઇપીનો દરજ્જો મળે છે : એક વૈજ્ઞા।નિક બીજા શિક્ષકો (૨) ફ્રાન્સની કોર્ટમાં ઉપસ્થિત લોકોમાંથી માત્ર શિક્ષકોને જ ખુરશીમાં બેસવાનો અધિકાર છે. (૩) જાપાનમાં શિક્ષકને પકડવા પોલીસે સરકારની પરવાનગી લેવી પડે છે. (૪) અમેરિકા અને યુરોપિયન દેશોમાં પ્રાથમિક શિક્ષકોને સૌથી વધુ પગાર મળે છે. કારણ કે તેઓ નાના બાળકોને સારા નાગરિક બનાવવાનું કામ કરે છે.

બધા જ શિક્ષક ભાઇ-બહેનોને વંદન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન