અમે પણ અપાર મહેનત કરીએ છીએ : ગૂગલ - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

અમે પણ અપાર મહેનત કરીએ છીએ : ગૂગલ

 | 7:44 am IST

પોઈન્ટ બ્લેન્કઃ એમ. એ. ખાન

આપણે કોઈ લેખ, સમાચાર, વાર્તા, ચિત્ર કે વીડિયો વેબસાઈટ, બ્લોગ કે સોશિયલ મીડિયા પર અપલોડ કરીએ તો એ સરવાળે ગૂગલના ફાળે જાય છે કારણ કે બધા જ પ્લેટફોર્મ ગૂગલની ઈન્ટરનેટ સર્વિસ વાપરે છે. ગૂગલે આખી દુનિયામાંથી દર સેકન્ડે હજારો, લાખ્ખોની સંખ્યામાં અપડેટ થતા કન્ટેન્ટને વિષયવાર, વિભાગવાર, નામ મુજબ, પ્રથમ અક્ષર મુજબ, ભાષા મુજબ એમ જાતજાતના વિભાગોમાં અનુક્રમ બનાવીને નોંધતું જાય છે. એમાંની કઈ માહિતી કયા દેશના કયા વિસ્તારમાં કેવા પ્રકારના લોકો વધારે વાંચે કે જુએ છે એની પણ નોંધ ઓટોમેટિક થતી જાય એવા કમ્પ્યૂટર ગૂગલે કામે લગાવ્યા છે. આટલંુ બધું વ્યવસ્થિત ક્લાસિફિકેશન થતું હોવાથી જ ગૂગલ પર આપણે જે કંઈ શોધવા માટે શબ્દ ટાઈપ કરીએ કે તરત જ એની માહિતી આપતા હજારો લાખ્ખો પેજ ખુલી જાય છે. અને આ સગવડના કારણે જ વિશ્વના લગભગ બધા જ વપરાશકારો કંઈપણ શોધવું હોય તો અન્ય કોઈ સર્ચ એન્જિન પર જવાને બદલે ગૂગલ ઉપર જ આવે છે. એક માત્ર ચીનના લોકો ગૂગલ પર જતા નથી, કારણ કે ત્યાં ગૂગલ દેખાતું જ નથી. એને બદલે ચીનની આગવી સર્ચ એન્જિન બાયડુ પર જ બધા જાય છે. આ વેબસાઈટ પણ ગૂગલની જેમ જ ગૂગલ જેવી બધી જ સગવડો આપીને ધીમેધીમે સૌથી વિરાટ પ્લેટફોર્મ બની ગઈ છે.

હવે બધા મીડિયાના ધ્યાનમાં આવ્યું છે કે આપણે બધા ગૂગલ ઉપરથી વધારેમાં વધારે એડ રેવન્યુ મેળવવા માટે અંદર અંદર હરીફાઈ કરીને લડી મરીએ છીએ. વધારે ક્લિક મેળવવા માટે જાતજાતનું નવું નવું કન્ટેન્ટ સાઈટ પર મૂકતા રહીએ છીએ. ગૂગલ એના નાણાં પણ આપે છે, પરંતુ આ જાહેરાત આપણા મીડિયા પર મૂકવાના ગૂગલ કેટલા પૈસા લે છે એની તો કોઈને ખબર જ નથી. તપાસ કરતાં ખબર પડી કે ગૂગલ જાહેરખબરની આવકનો મોટો ભાગ પોતાની પાસે જ રાખી લે છે. એની સામે ગૂગલે વ્યાજબી દલીલ કરી કે બધું કન્ટેન્ટ અમારા પ્લેટફોર્મ ઉપર હોય અને અમારા કારણે જ બધી જાહેરખબરો આવતી હોય તો અમને તો વધારે જ નાણાં મળે ને!

ચીન સિવાય આખી દુનિયાના ઈન્ટરનેટ ઉપર એકાધિકાર ધરાવનાર ગૂગલ અને ફેસબુક આ બંને કંપનીઓએ ૨૦૧૬માં જાહેરખબરમાંથી સૌથી વધારે આવક રળી હતી. ગૂગલને ૭૯.૪ અબજ ડોલર મળ્યા હતા અને ફેસબુકને ૨૬.૯ અબજ ડોલર મળ્યા હતા. આખી દુનિયામાં જાહેરખબરોની કુલ આવકનો આ પાંચમો ભાગ હતો. બાકીના ચાર ભાગની રકમમાં બાકીની તમામ વેબસાઈટ, ઈન્ટરનેટ સર્ચએન્જિન, અખબારો, સામયિકો વગેરેનો સમાવેશ થાય છે. ગયા વર્ષે આ રકમ ચોક્કસ કેટલો વધારો થયો એનો આંકડો હજી સ્પષ્ટ નથી થયો, પરંતુ અંદાજ છે કે એમની આવક વિશ્વના કુલ જાહેરખબર બજેટનો ચોથો ભાગ જરૂર થઈ ગઈ હશે. એક અંદાજ મુજબ આગામી બે વર્ષમાં સ્થિતિ એવી થઈ જવાની છે કે જાહેરખબર માટે ખર્ચનાર દરેક ૧૦ રૂપિયામાંથી નવ રૂપિયા ઈન્ટરનેટ કંપનીઓને મળશે અને એમાંથી અડધો ભાગ ગૂગલ અને ફેસબુક મેળવતા હશે. બાકીના અડધામાંથી મોટો ભાગ ચીનની ત્રણ કંપનીઓ બાયડુ, ટેન્સેન્ટ અને અલીબાબાના ભાગમાં જતો હશે.

માર્ચ ૨૦૧૭માં પૂરા થનાર નાણાકીય વર્ષમાં ગૂગલે માત્ર ભારતમાંથી ૭,૨૦૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ભારતમાં જાહેરખબરની સૌથી મોટી આવક બેનેટ કોલમેન એન્ડ કંપનીને થાય છે. આ કંપનીએ પોતાની સહાયક કંપનીઓ સહિત માર્ચ ૨૦૧૭માં પૂર્ણ થનાર નાણાકીય વર્ષમાં જાહેરખબરમાં ૧૦,૦૦૦ કરોડની કમાણી કરી હતી. આ કંપની તો જાહેરાતની કમાણી કરવામાં સિંહભાગ મેળવવા ર્તાિકક રીતે હકદાર સાબિત થાય છે. કારણ કે ઈન્ટરનેટ ઉપર આ કંપની જબરજસ્ત કન્ટેન્ટ મૂકતી રહે છે. આ વિચાર આવતાં જ અચાનક મીડિયા હાઉસોને ઝબકારો થયો (ટયૂબલાઈટ સળગી) કે ગૂગલ એવો દાવો કરે છે કે વધારેમાં વધારે કન્ટેન્ટ એમના પ્લેટફોર્મ પર હોય છે. પરંતુ એ તો કોઈ જાતનું કન્ટેન્ટ જાતે બનાવતી જ નથી! એ કન્ટેન્ટ તો આપણે બધાએ મૂકેલું હોય છે. બધા મીડિયા હાઉસ મળીને જેટલું કન્ટેન્ટ ગૂગલ પર મૂકે છે એના જેટલું જ અથવા એના કરતાં વધારે કન્ટેન્ટ તો આપણે બધા સામાન્ય નાગરિકો ગૂગલ પર મૂકી રહ્યા છીએ. એ બધું એ ગૂગલનું શી રીતે કહેવાય? ગૂગલ તો દાવો કરે જ છે કે તમારું કન્ટેન્ટ આટલી ત્વરાથી ક્લાસિફાય ન થાય, લેબલિંગ ન થાય, અનુક્રમ ન બને તો આખી દુનિયાના લોકો ગૂગલ પર આવતા ન થયા હોત. આટઆટલી વેબસાઈટ્સ ગૂગલના આશરે ન આવી હોત. આ વ્યવસ્થાતંત્ર બનાવીને એને સતત અપડેટ કરવાનું કામ તમારી કલ્પનામાંય ન આવે એવું વિરાટ છે. અમે એને સુવાંગ રીતે ચલાવી રહ્યા છીએ. વળી અમે અમારી રીતે એનાલિસિસ કરીને જાહેરખબર આપનારાને સગવડ કરી આપીએ છીએ કયા વપરાશકાર તમારી પ્રોડક્ટ માટે બેસ્ટ રહેશે. એટલે જ જાહેરખબરનો ધોધ ગૂગલ પર મૂકાયેલી સામગ્રી પર પડતો રહે છે. આ ગોઠવણના બદલામાં અમે સિંહભાગ લઈએ તો એમાં ખોટું શું છે?

એક અંદાજ કહે છે કે વિશ્વમાં મોટાભાગની જાહેરખબરો ઈન્ટરનેટ ઉપર જ ડાયવર્ટ થઈ જવાની છે, પરંતુ ભારત એવો દેશ છે, જ્યાં ઈન્ટરનેટની જાહેરખબરની સાથે પરંપરાગત મીડિયાને મળતી જાહેરાતમાં પણ વધારો થવાનો છે. ૨૦૧૮ના વર્ષમાં ટીવીની જાહેરાતોમાં ૯ ટકા, રેડિયોની જાહેરાતોમાં ૧૦ ટકા અને પ્રિન્ટ મીડિયાની જાહેરાતોમાં પાંચ ટકાનો વધારો થવાનો છે. હા, એક વાત છે કે એની સાથે ઈન્ટરનેટની જાહેરાતોમાં ૨૦ ટકા વધારો થવાનો છે!

[email protected]