આપણને ખુશી શા માટે ન મળવી જોઈએ? - Sandesh

આપણને ખુશી શા માટે ન મળવી જોઈએ?

 | 12:56 am IST

સૂક્ષ્મ સત્ય : જે. કૃષ્ણમૂર્તિ

તમે સુંદર સૂર્યાસ્ત, ખૂબ સરસ વૃક્ષ, વિશાળ અને વળાંક લેતી નદી અથવા સુંદર ચહેરો જુઓ છો અને તેને જોવામાં તમને પરમ આનંદ મળે છે. તેમાં ખોટું શું છે? મને એમ લાગે છે કે ગૂંચવણ અને દુઃખની શરૂઆત જ્યારે તે ચહેરો, તે નદી, તે વાદળ, તે પર્વત સ્મૃતિ બની જાય છે અને આ સ્મૃતિ ત્યારબાદ એ આનંદ મળતો જ રહે એવી સતત માંગ કરે છે ત્યારે થાય છે; આપણે એ આનંદ આપણને ફરી ફરીને મળે તેમ ઈચ્છીએ છીએ. આપણે સહુ આ જાણીએ છીએ. મેં કોઈ ચોક્કસ પ્રકારનો આનંદ મેળવ્યો હતો કે ભોગવ્યો હતો અથવા તમે કોઈ બાબતમાં ચોક્કસ પ્રકારની ખુશી મેળવી હતી અને હવે આપણે એ આનંદ આપણને ફરીવાર મળે તેમ ઈચ્છીએ છીએ. પછી ભલે તે કામેચ્છા, કલા કે બૌદ્ધિક બાબતને લાગતો આનંદ હોય અથવા આવાં લક્ષણો ન ધરાવતી કોઈ બાબત હોય, પરંતુ આપણને તે આનંદ ફરી મળે તેમ આપણે ઈચ્છીએ છીએ – અને મને લાગે છે કે અહીં જ આનંદ મનમાં અંધકાર ફેલાવે છે તેમજ જીવનનાં અયોગ્ય અને અવાસ્તવિક ધોરણકે સર્જે છે.

આનંદને સમજવો તે મહત્ત્વની બાબત છે, નહીં કે તેનાથી છુટકારો મેળવવો- તે તો નરી મૂર્ખતા છે- કોઈ આનંદથી છુટકારો મેળવી ન શકે. પરંતુ આનંદની પ્રકૃતિ અને બંધારણ સમજવા દરેકને માટે આવશ્યક છે; કારણ કે જો જીવન માત્ર આનંદ જ હોય અને જો આપણે માત્ર તેને જ ઈચ્છતા હોઈએ તો તે આનંદ સાથે દુઃખ, ગૂંચવણ, ભ્રમ આપણે સર્જીએ છીએ તે જીવનનાં અયોગ્ય મૂલ્યો પણ તેની સાથે જ જોડાયેલાં છે, તેથી તે બાબત સ્પષ્ટ નથી થતી.

[email protected]