આતંકવાદ સામે લડવાની નબળી નીતિ મારફત ચીન બ્રિક્સને નબળું પાડે છે  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • આતંકવાદ સામે લડવાની નબળી નીતિ મારફત ચીન બ્રિક્સને નબળું પાડે છે 

આતંકવાદ સામે લડવાની નબળી નીતિ મારફત ચીન બ્રિક્સને નબળું પાડે છે 

 | 1:47 am IST
  • Share

કરન્ટ અફેર :- આર. કે. સિંહા

દુનિયાભરમાં આતંકવાદ સામે લડવાના મોરચે ભારતને બાદ કરતા બાકીના બ્રિક્સ દેશોની નબળી નીતિ તેમની ઉપયોગિતા પર જ પ્રશ્નાર્થ ઊભા કરે છે. વડા પ્રધાન મોદીએ બ્રિક્સ શિખર સંમેલનને વર્ચ્યુઅલ રૂપથી સંબોધન કરતા દુનિયાભરમાં આતંકવાદનાં વધેલાં જોખમ સામે ચિંતા વ્યક્ત કરતા સંકેતોમાં જ ચીન અને પાકિસ્તાનની કડક ટીકા કરવામાં કોઈ કસર છોડી નથી. આ બન્ને દેશ દુનિયામાં આતંકવાદના પ્રસારમાં મદદ કરે છે અને તેને પાળે-પોષે છે. ચીન તો બ્રિક્સનું સભ્ય જ છે. તેઓ જ્યારે પોતાનો મુદ્દો કહી રહ્યા હતા ત્યારે ચીનના રાષ્ટ્રપતિ પણ ધ્યાનપૂર્વક વડા પ્રધાન મોદીને સાંભળી રહ્યા હતા. તેઓ મનમાંને મનમાં વિચારતા હશે કે મોદીનો ઇશારો તેમના તરફ જ છે.

આશ્ચર્યની બાબત એ છે કે ભારતને બાદ કરતા અન્ય કોઈ દેશ આ શિખર સંમેલનમાં ચીન અથવા પાકિસ્તાનની વિરુદ્ધ ના બોલ્યો. કોઇએ પણ ચીનને એ સવાલ ના કર્યો કે તેઓ શા માટે આતંકવાદની ફેક્ટરી પાકિસ્તાનનો સાથ આપે છે અથવા તો બ્રિક્સના સાથી ભારતની સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરે છે?

બ્રિક્સ વિકાસશીલ અર્થતંત્રનું સંગઠન છે. તેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા છે. બ્રિક્સની સ્થાપના ૨૦૦૯માં થઇ હતી. ૨૦૧૦માં તેમાં દક્ષિણ આફ્રિકાને સામેલ કરવામાં આવ્યું તે અગાઉ તેને બ્રિક જ કહેવામાં આવતું હતું. રશિયાને બાદ કરતા બાકીના દેશ વિકાસશીલ અથવા નવદ્યોગિકૃત દેશો છે, જેમનું અર્થતંત્ર હાલમાં વિશ્વની સરખામણીએ ઝડપથી વિકસી રહ્યું છે.

શું આતંકવાદના આ મુદ્દા પર તમામ બ્રિક્સ દેશોએ ચીન અને પાકિસ્તાનની વિરુદ્ધ બોલવાની જરૂરિયાત ન હતી? શું બ્રિક્સે ચીનની ટીકા કરવાની જરૂર ન હતી કે તે બ્રિક્સનો જ એક દેશ ભારતની સરહદ પર યુદ્ધની સ્થિતિ પેદા કરી રહ્યો છે? દુનિયાની ૪૦ ટકા કરતાં વધારે વસતી બ્રિક્સ દેશોમાં જ રહે છે. કહેવા માટે તો બ્રિક્સના સભ્ય દેશો અર્થ, વ્યાપાર, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ, સંચાર, શ્રમ જેવા મુદ્દા પર સહયોગ કરવાનું વચન આપે છે. પરંતુ ચીન બ્રિક્સ આંદોલનને સતત નબળું પાડી રહ્યું છે. ચીન ભારતની સાથે દુશ્મન જેવો વ્યવહાર કરી રહ્યું છે. ચીનના આવા વલણ સામે રશિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા ચુપકીદી સાધી રહ્યા છે. જે રશિયા સાથે ભારતને વર્ષોજૂના અને ઐતિહાસિક રાજનૈતિક સંબંધો છે તે પણ ચીન વિરુદ્ધ એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. આ બાબતમાં બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની બોલતી પણ બંધ છે.

ભારતના દક્ષિણ આફ્રિકા સાથે ગાંધીજીનાં કારણે અને બ્રાઝિલ સાથે ફૂટબોલનાં કારણે પ્રગાઢ સંબંધો છે. ગાંધીજી ૧૮૯૩થી લઇને ૧૯૧૫ સુધી દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા અને મૂળ નાગરિક અધિકારો માટે સત્યાગ્રહ કરતા રહ્યા હતા. ૧૯૧૫માં તેઓ ભારત પરત ફર્યા. બાપુએ ૭। જૂન ૧૮૯૩માં જ દક્ષિણ આફ્રિકામાં સવિનય કાનૂન ભંગનો સૌપ્રથમવાર પ્રયોગ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાના લોકનેતા નેલ્સન મંડેલા તેમનામાંથી પ્રેરણા લેતા રહ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં નિવાસ દરમિયાન ગાંધીજીની અનેકવાર ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ સત્યની લડાઇ લડીને જીતવાવાળા એ નેલ્સન મંડેલાનો દેશ દક્ષિણ આફ્રિકા આજે સત્યની સાથે નથી. તે ચીનની ટીકા પણ નથી કરતો. ચીનની નીતિનાં કારણે બ્રિક્સ નબળું પડી રહ્યું છે. આ તરફ ભારતના કરોડો ફૂટબોલ પ્રેમીઓ બ્રાઝિલની ફૂટબોલ ટીમને અને ખેલાડીઓને ચીયર્સ કરે છે. શરૂઆતથી જ ભારતના ફૂટબોલ પ્રેમીઓની નિષ્ઠા બ્રાઝિલ તરફી રહી છે. લેટિન અમેરિકન સ્પેનિશભાષી દેશ બ્રાઝિલ ભારતથી હજારો કિલોમીટર દૂર છે પણ ફૂટબોલરસિયાઓ બ્રાઝિલમાં જ ભારતની છાપ જુએે છે. પેલે, રેમોરિયોથી લઇને રોનાલ્ડો જેવા ખેલાડીઓએ ભારતમાં ખાસ સ્થાન મેળવ્યું છે, પરંતુ બ્રાઝિલ ભારતને સાથ આપતું નથી.

ચીન તો એક નંબરનો શરમ વગરનો દેશ છે. તેના વિદેશ મંત્રાલયના પ્રવક્તા કહે છે કે આતંકવાદ તમામ દેશો માટે એક સામાન્ય પડકાર છે. પાકિસ્તાને આતંકવાદને નાથવા માટે જબરદસ્ત પ્રયાસ અને બલિદાન આપ્યું છે. આના માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે તેનું સન્માન કરવું જોઈએ અને તેનો સ્વીકાર પણ કરવો જોઈએ. ચીન તમામ પ્રકારના આતંકનો વિરોધ પણ કરતો રહ્યો છે, પરંતુ હવે ચીન પોતાના સ્વાસ્થ્યના કારણે બદલાયેલું લાગે છે. વાસ્તવમાં સમગ્ર્ર દુનિયા જાણે છે કે જ્યારે આખંુ વિશ્વ આતંકવાદને લઇને પાકિસ્તાન સામે કડક પગલાં ભરવા દબાણ કરી રહ્યું છે ત્યારે દુષ્ટ ચીન બેશરમીપૂર્વક તેનો બચાવ કરી રહ્યું છે.

હકીકતમાં પાકિસ્તાન દુનિયાભરમાં આતંકવાદની ફેક્ટરી તરીકે પોતાને સ્થાપિત કરીને બદનામ થઇ ચૂક્યું છે. દુનિયામાં કોઈપણ સ્થળે આતંકવાદી ઘટના બને તો તેમાં પાકિસ્તાનનો હાથ હોય જ છે. જે દેશમાં ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીને આશરો આપવામાં આવ્યો હોય તેવા દેશ પર દુનિયા વિશ્વાસ પણ કેમ કરે? ત્યાં લાદેન પોતાના સંપૂર્ણ પરિવાર સાથે સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણમાં આનંદથી રહેતો હતો. આ જ પાકિસ્તાનમાં હાફિઝ સઇદ અને અઝહર મેહમૂદ જેવા આતંકવાદીઓને પોષવામાં આવે છે. તેમને પાકિસ્તાનની સેના અને જાસૂસ સંસ્થા આઈએસઆઈ તરફથી જ રક્ષણ અને નાણાં મળે છે. આ રીતે આતંકવાદી પાકિસ્તાન અને તેના વાલી ચીન સામે બોલતાં બ્રિક્સના દેશો કેમ ડરે છે? શું આતંકવાદ ફક્ત ભારતનો જ પ્રશ્ન છે?

કોરોના મહામારીને લીધે આ વર્ષે બ્રિક્સ સંમેલન વર્ચ્યુઅલ આયોજિત કરવામાં આવ્યું હતું. બ્રિક્સ સંમેલનમાં પોતાનાં સંબોધન દરમિયાન મોદીએ આતંકવાદના મુદ્દે નામ આપ્યા વગર પડોશી દેશ પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. જોકે નામ આપવાની જરૂરિયાત પણ ન હતી. તેને સૌ કોઈ જાણે છે. તેનાથી વિપરીત ભારતની સંસ્કૃતિમાં સમગ્ર વિશ્વને એક પરિવારની માફક માનવામાં આવ્યો છે. પીસી કીપિંગમાં ભારતે જ સૌથી વધારે સૈનિકો ખોયા છે. કહેવાની જરૂર નથી કે આજે વિશ્વની સામે સૌથી મોટી સમસ્યા આતંકવાદની છે. ફ્રાન્સથી લઇને સ્વીડન સુધી તેને જોઈ શકીએ છીએ. ભારત તો આતંકવાદને કારણે પોતાના બે વડા પ્રધાનોને પણ ગુમાવી ચૂક્યો છે. આજે સમયની માંગ છે કે પહેલાં એ નક્કી કરવામાં આવે કે આતંકવાદીઓને સમર્થન અને સહાયતા આપતા દેશોને પણ દોષિત માનવામાં આવશે, તો જ સમસ્યાનો સંગઠિત રૂપથી મુકાબલો થઇ શકશે.

એમાં કોઈ શંકા નથી કે બ્રિક્સ દુનિયામાંથી આતંકવાદને નાબૂદ કરવા માટે મોટી ઝુંબેશ ચલાવી શકે તેમ છે, પરંતુ હજુ સુધી આ માટે તેણે કોઈ ઝડપી પગલાં ભર્યાં નથી. સંસારનું આટલું મહત્ત્વપૂર્ણ સંગઠન આતંકવાદ સામે લડવામાં પોતાની જરૂરી ભૂમિકા ભજવતું નથી તે ચિંતનીય છે.

(લેખક પૂર્વ સાંસદ છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન