Wearing in function Drape in dress
  • Home
  • Supplements
  • Nari
  • ફંક્શનમાં માનુનીઓની શોભા વધારતા ડ્રેપ-ઇન ડ્રેસીસ   

ફંક્શનમાં માનુનીઓની શોભા વધારતા ડ્રેપ-ઇન ડ્રેસીસ   

 | 8:09 am IST

ટ્રેન્ડ :- મૈત્રી દવે

ફેશન વર્લ્ડમાં એટલી નવી નવી ડિઝાઇન દિવસે ને દિવસે આવતી હોય કે કઇ ડિઝાઇનનાં વસ્ત્રોની પસંદગી કરવી તે વિશે ઘણીવાર મુશ્કેલી થઇ જાય. આપણે બજારમાં કોઇ એક ડ્રેસની ખરીદી કરવાનું નક્કી કરીને ગયા હોઇએ ત્યારે આપણી સામે એટલા બધા ઓપ્શન મૂકવામાં આવે કે આપણે કન્ફ્યૂઝ થઇ જઇએ કે શું લેવું અને શું ન લેવું. અને આ જ કારણે એક જ ડ્રેસ લેવાનું નક્કી કરીને ગયેલી સ્ત્રી ઓછામાં ઓછા બે ડ્રેસ તો લેતી જ આવતી હોય છે. વળી જો લગ્ન કે ઘરના બીજા કોઇ સારા પ્રસંગમાં પહેરવાનાં કપડાંની ખરીદી કરવા ગયા હોઇએ તો તો ચોક્કસ એક બેને બદલે ત્રણેથી ચાર અલગઅલગ ડિઝાઇનનાં વસ્ત્રો ગમી જાય કે નક્કી કરવું મુશ્કેલ થઇ પડે કે કયાં વસ્ત્રો લેવાં અને કયાં નહીં ? કારણ કે ફેશનજગતમાં અલગઅલગ કેટલીયે નવી ડિઝાઇન તમને પસંદગી માટે સામે ધરવામાં આવતી હોય છે.રિયાને પણ એવું જ થયું હતું. તે તેની મિત્ર સાથે તેના ભાઇની સગાઇ માટે સુંદર ડ્રેસની ખરીદી કરવા ગઇ હતી. તેણે ઘરેથી નીકળી ત્યારે નક્કી કર્યું હતું કે એક સુંદર મજાનું ક્રોપટોપ અને સ્કર્ટ લેવું. સગાઇમાં તે સુંદર લાગશે. બજારમાં તેને એટલી અલગઅલગ ડિઝાઇનનાં કપડાં જોવા મળ્યાં કે તે ખરેખર કન્ફ્યૂઝ થઇ ગઇ. એવામાં બે ડ્રેસ તો એવા હતા કે તે નક્કી જ નહોતી કરી શકતી કે બંનેમાંથી કયા એક ડ્રેસની પસંદગી કરવી. ઘરેથી ક્રોપ ટોપ અને સ્કર્ટ લેવાનું નક્કી કર્યું હતું તે તો તેણે પસંદ કરી જ રાખ્યાં હતાં, સાથે સાથે ડ્રેપઇન ડ્રેસ પણ તેને ખૂબ ગમી ગયો હતો. ડ્રેપઇન ડ્રેસ કંઇક અલગ લાગતો હતો. રિયાને આમ પણ નવીનવી ફેશનનાં વસ્ત્રો ટ્રાય કરવા ખૂબ ગમતાં હતાં. તેથી તેને ડ્રેપઇન ડ્રેસ જોઇને જ ગમી ગયો. વળી તેણે તે ડ્રેસ ટ્રાય કર્યો તો દેખાવે પણ તે ખૂબ સુંદર લાગતો હતો. અંતે તેણે તેની મિત્રને કહ્યું કે સગાઇના દિવસે હું આ ડ્રેપઇન ડ્રેસ જ પહેરીશ. આમ પણ ક્રોપટોપ અને સ્કર્ટ તો મેં આ પહેલાં પણ એકવાર પહેરી લીધું છે. હવે કંઈક અલગ ટ્રાય કરીશ. ક્રોપટોપ અને સ્કર્ટ આગલા દિવસે સંગીતમાં પહેરી લઇશ. જ્યારે સગાઇના દિવસે આ જ પહેરીશ.

ડ્રેપઇન  

આપણે લેયર્ડ ડ્રેસ વિશે આ સેગમેન્ટમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. લેયર્ડ ડ્રેસની અંદર બે લેયરવાળી તેમજ ફ્રિલવાળી ડિઝાઇન બનાવવામાં આવે છે. ડેપઇન ડે્રસમાં પણ ફ્રિલનું કામ મહત્ત્વનું હોય છે. અહીં આપેલા ફોટામાં તમે જોઇ શકો છો, તેમાં ડ્રેસમાં ફ્રિલ બનાવીને તેની ડિઝાઇન બનાવી છે. અહીં આપેલા ફોટામાં ગાઉનની સ્ટાઇલ છે, વનપીસ છે, ધોતી સ્ટાઇલ કુરતો છે અને સાથેસાથે ફ્રોક પણ છે. પાર્ટી માટે આ પ્રકારના આઉટફિટ્સ દેખાવે અત્યંત સુંદર લાગે છે. સાથેસાથે જો તમે થોડો હેવી લુક આપવા માંગતા હોવ તો ડ્રેપઇન ડ્રેસીસની અંદર અલગ અલગ વર્ક પણ કરાવડાવી શકો છો. તેમાં સુંદર મોતીવર્ક, ઝરદોશી વર્ક, પીટાવર્કનો સમાવેશ થાય છે. ડ્રેપઇન ડ્રેસીસની ખાસિયત એ છે કે તે પહેરાતા ખૂબ જ આરામદાયક લાગે છે. તે ફીટિંગમાં પણ તંગ ન હોવાને કારણે તેને પહેરીને અકળામણ નથી થતી. આ પ્રકારના ડ્રેસ ઓફિસમાં પણ પહેરી શકાય છે અને કોઇ નાનીમોટી પાર્ટીમાં પણ પહેરી શકાય છે. ઓફિસવેરમાં તમે આ પ્રકારના ડ્રેસ પહેરવાની ઇચ્છા રાખતા હોવ તો કોટન મટીરિયલમાંથી તેને સ્ટીચ કરાવી શકાય, પણ જો તમે કોઇ પ્રસંગમાં આ પ્રકારના ડ્રેસ પહેરવા માંગતા હોવ તો સિલ્ક મટીરિયલમાંથી આ પ્રકારના ડ્રેસ સીવડાવવા.

ડ્રેપઇન ગાઉન સાથે શું પહેરી શકાય?

ડ્રેપઇન ગાઉન જો તમે પાર્ટીમાં પહેરવાં માંગતા હોવ તો તેની સાથે વેસ્ટર્ન અને આર્િટસ્ટિક જ્વેલરી પહેરી શકાય છે, કેમ કે સ્ટોન જ્વેલરી, પર્લ જ્વેલરી જો તમે લગ્નપ્રસંગે પહેરવા માંગતા હોવ તો ગાઉન કે ડ્રેસને મેચિંગ જ્વેલરીની પસંદગી કરવી. ડ્રેપઇનમાં તમે ગાઉન, પેપલમ ટોપ અને સ્કર્ટ, ધોતી કુરતાં વગેરે દરેક સ્ટાઇલ કરાવડાવી શકો છો. આ તમામ સ્ટાઇલ આ ડિઝાઇનમાં સારી લાગશે. જો તમે આ પ્રકારના ડ્રેસમાં સિમ્પલ લુક રાખવા માંગતા હોવ તો માત્ર કાંડા ઘડિયાળ અને બુટ્ટી પહેરી શકો છો. વાત ફૂટવેરની કરીએ તો આજકાલ બ્લોક હિલ્સની ફેશન પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રકારના ડ્રેસમાં તમે બ્લોક હિલ્સ, પેન્સિલ હિલ્સ, પેન્સિલ હિલવાળી મોજડી, ફ્લેટ્સ વગેરે દરેક સ્ટાઇલનાં ફૂટવેરની પસંદગી કરી શકો છો. વાત કરીએ વર્કની તો વર્ક પણ તમે તમારી મરજીથી કોઇપણ કરાવડાવી શકો છો. આ ડ્રેસમાં દરેક પ્રકારના વર્ક તેની શોભા વધારી શકે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન