વીવર્સોને ક્રેડિટ કેરીફોવર્ડ કરી આપવા જીએસટી કાઉન્સિલે વિગતો મંગાવી   - Sandesh
  • Home
  • Gujarat
  • વીવર્સોને ક્રેડિટ કેરીફોવર્ડ કરી આપવા જીએસટી કાઉન્સિલે વિગતો મંગાવી  

વીવર્સોને ક્રેડિટ કેરીફોવર્ડ કરી આપવા જીએસટી કાઉન્સિલે વિગતો મંગાવી  

 | 1:18 am IST

। સુરત ।

વીવર્સોને ક્રેડિટ કેરી ફોરવર્ડ કરી આપવાના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવેલી રજૂઆતને આધારે આજે જીએસટીના અધિકારીઓએ ફોગવા માટે સમગ્ર બાબતની આંકડાકીય માહિતી મંગાવી છે. તેમજ ક્રેડિટ કેરી ફોરવર્ડ કરવાના કારણો સહિતનો રિપોર્ટ રજૂ કરવા માટેની વાત જીએસટીના અધિકારીઓ કરતા ક્રેડિટ કેરી ફોરવર્ડ કરી આપવાના કારણો તેમજ કયા લુમ્સ ધારકને કેટલાની ક્રેડિટ આપવાની થાય છે તેનો વિગતવાર રિપોર્ટ જીએસટી કાઉન્સિલમાં ફોગવા દ્વારા મોકલી આપવામાં આવ્યો છે.

આ અંગે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલના અધિકારી દ્વારા ક્રેડિટ કેરી ફોરવર્ડ કરી આપવાના મુદ્દે સમગ્ર આંકડાકીય માહિતી રજૂ કરવા માટે જણાવ્યું હતું, જેથી ફોગવા તરફથી આજે ફરી વખત મૌખિક જાણકારી આપી દેવામાં આવી છે. જ્યારે કયા કારણોસર ક્રેડિટ આપવાની થાય છે તેમજ લૂમ્સના કેટલા કારખાનેદારને કેટલી ક્રેડિટ આપવાની થાય છે તેનો પણ રિપોર્ટ તૈયાર કરીને આજે મોકલી આપવામાં આવ્યો છે. આ રિપોર્ટ સીધો જીએસટી કાઉન્સિલમાં મોકલી આપવામાં આવ્યો હોવાના લીધે તેના ઉકેલ ઝડપથી આવવાની શકયતા રહેલી છે.

૧૦ હજાર કરોડની ક્રેડિટ આપવાની વાતને આડાપાટે ચડાવવાના પ્રયાસથી મામલો ટલ્લે ચડયો

વીવર્સને ક્રેડિટ કેરી ફોરવર્ડ કરી આપવાના મુદાને જીએસટીના જ કેટલાક અધિકારીઓ નાંણા મંત્રી અને કાપડ મંત્રીને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કારણ કે જ્યારે ફોગવાનું પ્રતિનિધિ મંડળ કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીને મળ્યું ત્યારે તેઓને ક્રેડિટ કેરી ફોરવર્ડ કરી આપવાની વાત કરી તો ૧૦ હજાર કરોડની ક્રેડિટ કેવી રીતે કેરી ફોરવર્ડ કરી આપીએ તેવી વાત કરી હતી. જ્યારે નાંણામંત્રીને મળ્યા ત્યારે તેઓએ ૬૫૦૦ કરોડની ક્રેડિટ કેવી રીતે આપીએ તેવી વાત કરી હતી, જેથી અધિકારીઓ દ્વારા જ સમગ્ર પ્રકરણનો ઉકેલ લાવવાને બદલે આડા પાટે ચડાવવામાં આવી રહ્યો છે. હકીકતમાં વીવર્સોને ૬૦૦ કરોડની આસપાસની જ ક્રેડિટ કેરી ફોરવર્ડ કરી આપવાની છે.