સપ્તાહના અંતિમ સેશનમાં શેરબજારમાં રોકાણકારોની લેવાલી વધી - Sandesh
  • Home
  • Business
  • સપ્તાહના અંતિમ સેશનમાં શેરબજારમાં રોકાણકારોની લેવાલી વધી

સપ્તાહના અંતિમ સેશનમાં શેરબજારમાં રોકાણકારોની લેવાલી વધી

 | 1:54 am IST

। મુંબઈ ।

મુંબઈ શેરબજારમાં આજે ઉતાર-ચઢાવની સાથે કારોબાર જોવા મળ્યો હતો. બજારની શરૂઆત આજે નબળાઇની સાથે થઇ હતી પરંતુ ત્યારબાદ તેમાં રિકવરી જોવાને મળી હતી. દિવસના અંતમાં સેન્સેક્સ અને નિફ્ટી વધારાની સાથે બંધ થયા હતા. નિફ્ટી આજે ૫૨.૨૦ પોઈન્ટ એટલે કે ૦.૪૫ ટકાના વધારાની સાથે ૧૧,૫૮૯.૧૦ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે સેન્સેક્સ ૧૪૭.૦૧ પોઈન્ટ એટલે કે ૦.૩૮ ટકાના વધારાની સાથે ૩૮,૩૮૯.૮૨ના સ્તર પર બંધ થયો હતો. પરંતુ આજે વધારાનો હીરો રહ્યો મિડકેપ જ્યાં ઇન્ડેક્સમાં ૨૫૦ પોઇન્ટની તેજી રહી હતી.

સપ્તાહના અંતિમ સેશનમાં આજે પણ રોકાણકારોની લેવાલી ચાલુ રહેતા મુંબઈ શેરબજારમાં તેજીનું વાતાવરણ ચાલુ રહ્યું હતું અને બીએસઈ સેન્સેક્સ મજબૂતાઈના વાતાવરણમાં સવારે ૩૮,૩૧૪.૫૫ના ઉંચા મથાળે ખુલ્યો હતો, દિવસ દરમિયાન લેવાલીનું પ્રમાણ વધતા સેન્સેક્સ વધીને ૩૮,૪૨૧.૫૬ પોઈન્ટે પહોંચ્યા બાદ સાધારણ વેચવાલીના દબાણે ઘટીને ૩૮,૦૬૭.૨૨પોઈન્ટે આવી ગયો હતો.

એ જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં પણ વિદેશી અને સ્થાનિક બંને રોકાણકારોની લેવાલીનું પ્રમાણ વધ્યુ હતું અને એનએસઈનો ૫૦ શેરોનો નિફ્ટી ઈન્ડેક્સ પણ મજબૂતાઈના વાતાવરણમાં ૧૧,૫૫૮.૨૫ના ઉંચા મથાળે ખુલ્યો હતો. બાદમાં દિવસ દરમિયાન ચાલુ રહેલી રોકાણકારોની લેવાલીને કારણે વધીને ૧૧,૬૦૦ની સપાટી કૂદાવીને ૧૧,૬૦૩.૦૦ પોઈન્ટે પહોંચ્યો હતો અને બાદમાં સ્થાનિક રોકાણકારોની પસંદની શેરોમાં નિકળેલી વેચવાલીના દબાણે નિફ્ટી ઇન્ડેક્સ ૧૧,૫૦૦ની સપાટી તોડયા બાદ ૧૧,૪૮૪.૪૦ પોઈન્ટની નીચી સપાટી પર આવી ગયો હતો.

દિગ્ગજ શેરોની સાથે જ સ્મોલકેપ અને મિડકેપ શેર પણ જોશમાં જોવામાં આવ્યા છે. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૫૫ ટકા વધીને ૧૬,૮૯૬.૯૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ ૧ ટકાથી વધારાના વધારા સાથે ૧૬,૯૦૦ની આસપાસ બંધ થયા છે.

આજે મેટલ, ઓટો, રિયલ્ટી, ફાર્મા અને એફએમસીજી શેરોમાં ખરીદારી જોવાને મળી છે. જો કે પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. ત્યારે બેન્ક નિફ્ટી ૦.૦૫ ટકાના નજીવા વધારાની સાથે ૨૭,૪૮૧ના સ્તર પર બંધ થઇ છે.

અંતમાં બીએસઇના ૩૦ શેરો વાળા પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ ૧૪૭.૦૧ અંક એટલે કે ૦.૪ ટકાની મજબૂતીની સાથે ૩૮,૩૮૯.૮૨ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઇના ૫૦ શેરોવાળા પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી ૫૨.૨૦ અંક એટલે કે ૦.૪ ટકાની મજબૂતીની સાથે ૧૧,૫૮૯.૧૦ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમિયાન દિગ્ગજ શેરોમાં હિરો મોટોકોર્પ, બજાજ ઓટો, લ્યુપિન, ભારતી એરટેલ, એમ એન્ડ એમ અને હિંદાલ્કો ૫.૫૦-૩.૪૨ ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ, સન ફાર્મા, એસબીઆઇ અને એચડીએફસી ૪.૫૮-૧.૭૦ ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં મેક્સ ફાઇનાન્શિયલ, એનબીસીસી, પેજ ઇન્ડસ્ટ્રીઝ, આલ્કેમ, લેબ્સ અને રિલાયન્સ પાવર ૫.૫૧-૪.૪૦ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં અદાણી એન્ટરપ્રાઇઝ, ગૃહ ફાઇનાન્સ, વક્રાંગી, હુડકો અને ગ્લેક્સોસ્મિથ ૩.૮૮-૧.૫ ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મોલકેપ શેરોમાં માસ્ટેક, જિંદાલ પોલી, હાથવે કેબલ, સુવેન લાઇફ અને ફ્લેક્સિટફ ૧૩.૦૭-૯.૯૭ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મોલ કેપ શેરોમાં ટીડી પાવર સિસ્ટમ, સેનટયુમ ઇલેક્ટ્રોન, સિગ્નેટ, દીપ ઇન્ડસ્ટ્રીઝ અને જેબીએફ ઇન્ડસ્ટ્રીઝ ૭.૧૩-૫ ટકા નબળાઇની સાથે બંધ થયા છે.

;