અજબ માન્યતા, ગજબ સોલ્યુશન - Sandesh

અજબ માન્યતા, ગજબ સોલ્યુશન

 | 2:42 am IST

સતરંગીઃ રશ્મિન શાહ

ધારણા અને ભ્રમણાના સરવાળા પછી જ કેટલીક લોકમાન્યતાઓ પ્રગટ થતી હશે એવું કહી શકાય. રાતે ભૂતના કે ડરામણાં સપના આવે તો તકીયા નીચે ચાકુ રાખીને સુવાથી એ સપનામાંથી છુટકારો થાય એવું નાનપણમાં અનેક વખત સાંભળ્યુંું હતું. નાનાં બચ્ચાઓ રાતે પથારી ભીની કરે તો પલંગની નીચે  લાકડાંનો એક ટુકડો મૂકવાથી બાળકની પથારી ભીની કરવાની આદત છૂટી જાય એવું પણ થોકબંધ વખત સાંભળ્યું છે અને આવી વાત માની એનું અનુસરણ કરતાં લોકો પણ જોયાં છે. લીંબુ-મરચાં ઘરની બહાર લટકતાં આપણે લાખો વખત જોયા છે, પણ કચ્છના કચ્છીઓના ઘરની બહાર કંકુઓના થાપા મારેલી દીવાલ બહુ ઓછા લોકોએ જોઈ હશે. લક્ષ્મીને ઘર દેખાડવા અને પોતાના ઘર તરફ્ લઈ આવવા માટે આ કરવામાં આવે છે. આવા જ હેતુથી કેરળના ઘરોની બહાર રંગોળી કરવામાં આવે છે. કેરેલિયન ફેમિલી પોતાના ઘરની બહાર દરરોજ ચોક પાઉડરથી રંગોળી કરે છે. એમાં રંગબેરંગી કલરનો ઉપયોગ પણ કરે છે. મહારાષ્ટ્રીયન ફેમિલીમાં દરરોજ સવારે શીરો બનાવવામાં આવે છે. ભલે એક જ ચમચી જેટલો બનાવવામાં આવે પણ સ્ટવ, ગેસ કે સગડી સળગે એટલે એના પર પહેલી વાનગી તો મીઠી જ બનાવવાની એવો મહારાષ્ટ્રીયન પરિવારનો રિવાજ છે. શીરાની પહેલી ચમચી સ્ટવ, ચુલા કે ગેસમાં જ હોમવામાં આવે. આ બહાને ઈશ્વરને એવી પ્રાર્થના કરવામાં આવે છે કે આજના દિવસે તારા પર જે કંઈ બનાવવામાં આવે એ અમારી આંતરડીને મીઠાશ અર્પે.

એક મસ્તમોટી અને નાખી દેતાં પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયાની કિંમતની ગાડીના પાછળના ભાગમાં આવતાં સાઈલન્સરના લાંબા પાઈપના પાછળના ભાગમાં એક જૂનું ચંપલ લટકતું હતું. એક સિગ્નલ પોઈન્ટ પર કોઈએ ગાડીના માલિકનું ધ્યાન આ ચંપલ પર દોરવ્યું એટલે માલિકે મોઢું ભારે રાખીને જવાબ આપ્યો કે, એ ચંપલની મને ખબર છે. એકચ્યુઅલી, આ એક પ્રથા છે.  ાવમ વમહનની પાછળ જુતું લટકાવવાથી  અપશુકનને વાહનની પાછળ રહી જાય!  ભાવનગર, રાજકોટ અને પોરબંદરમાં રિક્ષાવાળાઓ પોતાની રિક્ષાના સાઈલન્સરમાં આ રીતે ચંપલ કે જૂનું બૂટ લટકાવે છે. પંજાબમાં એવી માન્યતા છે કે જો ઘરમાં કોઈ લાંબો સમય બીમાર રહે તો દરવાજાની દીવાલ પર બહારના ભાગે ઝાડુ ટાંગવાથી રાહત થાય છે. ડાંગના કેટલાક ગામોમાં પણ આ રીતે માંદગીથી દૂર રહેવા માટે લોકો તેના કાચા ઘરની દીવાલો પર ઝાડુ ટીંગાડે છે. કમ્પ્યૂટર યુગમાં પણ આવી માન્યતાઓ વચ્ચે જીવતાં લોકોને જોઈને હસવું કે અચરજ અનુભવવું એ સમજી શકાય નહીં પણ હા, કમ્પ્યૂટરની પૂજા વિધિ કરતાં મારવાડીઓને જોઈને હસવું ચોક્કસ આવે.

હવે ચોપડાં પૂજન રહ્યા નથી, કમ્પ્યુટર આવી ગયા છે એટલે મોટાભાગના હિસાબ-કિતાબ હવે કમ્પ્યૂટર પર થતાં હોય છે, પણ રાજસ્થાનના મારવાડીઓ એવું માને છે કે જે હિસાબ રાખે એની પૂજા થવી જોઈએ. આ જ કારણે રાજસ્થાનમાં મારવાડીઓ દિવાળીના દિવસે ચોપડાં પૂજનની સાથે કમ્પ્યૂટરનું પૂજન પણ કરે છે. એક માન્યતા એવી પણ છે કે ઓજારથી કામ કરનારાઓએ પોતાના ઓજારની પૂજા કરવી જોઈએ. બિહારમાં દર મહિનાની પૂનમે લોખંડના સાધનોની પૂજાવિધિ કરવામાં આવે છે. દાતરડું હોય કે દાઢી કરવાનો અસ્ત્રોે, કપડું વેતરવાની કાતર હોય કે પાન પર લગાવવામાં આવતો કાથો ખાંડવાનો દસ્તો. આ બધાનું પૂજન પૂનમના દિવસે સવારે થાય.  આસામમાં રહેનારાઓ એવું માને છે કે જો ખેતીમાં બરકત ન આવતી હોય તો ખેડૂતે ઘરમાં ઉંદર પાળવા જોઈએ. આ માન્યતાના જોરે આસામના મોટાભાગના ખેડૂતોના ઘરમાં હવે ઉંદર જોવા મળે છે. ઉંદર ચાની પત્તીઓ ખાતાં નથી એટલે ખેડૂતો ઉંદરને ઘરમાં લઈ આવવા માટે પોતાના ઘરમાં અનાજની બોરી રાખે છે. અનાજની બોરી રાખે છે એટલું જ નહીં, આ અનાજની બોરી ઉંદર તોડે તો એ દિવસે આ ખેડૂતોના ઘરમાં ખુશીનો ઉત્સવ મનાવે છે. આપણે ત્યાં પણ ખેડૂતો એવી માન્યતા ધરાવે છે કે જો જમીનમાં અળસિયા દેખાય તો એ વર્ષે વધુ પાક થાય. આવી માન્યતાના કારણે જ ખેડૂતો પોતાની જમીનમાં અળસિયા થાય એ માટે ગોબર અને બીજી એવી વસ્તુઓ નાખે છે જે, અળસિયાઓ જન્માવવાનું કામ કરી શકે છે. મૂળભૂત અળસિયા કુદરતી ખાતર તરીકેનું કામ કરે છે એટલે આ માન્યતાને ભ્રમણા તરીકે ક્યારેય લેવામાં નથી આવી એ એક સાવ જુદી જ બાબત છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન