અજબ નામ ધરાવતું પ્રાણી - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS

અજબ નામ ધરાવતું પ્રાણી

 | 12:56 am IST

કુદરતે આ જીવજગતમાં અનેક અજીબ પ્રકારના જીવની રચના કરી છે, જેને જોઇને અચંબિત થઇ જવાય છે. અલબત્ત ઘણા જીવને જોઇને અચંબિત થઇ જવાય છે તો ઘણાં જીવના નામ સાંભળીને અચંબિત થઇ જવાય છે. કુદરતની એ જ ખાસિયત છે, આ સમગ્ર જીવ એકબીજાથી અલગ-અલગ છે. પશુ-પક્ષીઓમાં અમુક સમાન પ્રજાતિના પશુ કે પક્ષી પણ દેખાવે અલગ લાગતા હોય છે. વળી તેમની આદતો પણ અલગ હોય છે. આજે આપણે પ્રાણી જગતના એવા જ એક જીવ વિશે વાત કરવાની છે જેનું નામ અજીબ છે.

કુસકુસ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય જંગલોનું પ્રાણી છે, જોકે તે ઉષ્ણકટિબદ્ધ ટાપુ ઉપર પણ જોવા મળે છે. તે ઓસ્ટ્રેલિયા સિવાય આફ્રિકાના જંગલોમાં પણ જોવા મળે છે.

કુસકુસ એ દુનિયામાં જોવા મળતી જીવ જગતની મોટી પ્રજાતિઓમાંનું એક છે, મતલબ કે કુસકુસની અનેક પ્રજાતિઓ આજે પણ આ પૃથ્વી ઉપર છે, અને તે વિશાળ વસતી ધરાવે છે.

દેખાવે આ પ્રાણી લેમૂર જેવું લાગે છે, જ્યારે કદમાં કુસકુસ ૧૫ સેમીથી ૬૦ સેમી જેટલું કદ ધરાવે છે, અલબત્ત સરેરાશ કુસકુસની ઉંચાઇ ૪૫ સેમી મતલબ ૧૮ ઇંચ જેટલી હોય છે.

તેના શરીર ઉપર ઝીણી તેમજ ઘટ્ટ રુવાંટી હોય છે, તેમજ કુસકુસ લાંબી પૂંછડી અને લાંબા હાથ-પગ ધરાવે છે. આ પ્રાણી મુખ્યત્વે નીશાચર હોવાને કારણે તેની આંખો ખૂબ જ ચળકદાર અને તેજસ્વી હોય છે.

કુસકુસ નીશાચર છે, તે મોટેભાગે ઝાડ પર રહેવાનું પસંદ કરે છે, અલબત્ત તેના શરીરની રચના જ એ રીતે થઇ છે, તે ઝાડ ઉપર જ તેનું મોટાભાગનું જીવન પસાર કરતું હોવાને કારણે વાંદરાની માફક લાંબા પગ અને લાંબા હાથ હોય છે, જેથી તેના દ્વારા તે સરળતાથી એક ઝાડથી બીજા ઝાડ પર જઇ શકે.

કુસકુસ સવારના સમયે ઝાડની ગીચ જગ્યામાં આરામ ફરમાવે છે, જ્યારે રાત્રિના સમયે તે ફરવા નીકળતું હોય છે, અને ભોજનની શોધ માટે પણ રાત્રિના સમયે જ નીકળવાનું પસંદ કરે છે.

કુસકુસ સર્વભક્ષી પ્રાણી છે, જોકે તે નાના-નાના પક્ષી અને નાના-નાના જીવ ખાવાનું પસંદ કરે છે, પણ ઘણીવાર તે ઝાડના પાંદડાં તેમજ ફળ ખાઇને પણ પોતાનું પેટ ભરતાં જોવા મળે છે.

કુસકુસની પૂંછડી અત્યંત લાંબી હોય છે, પરંતુ પૂંછડીમાં તેના શરીરની માફક ઝીણી અને ગીચ રુવાંટી નથી જોવા મળતી. આ તેને એક ઝાડથી બીજા ઝાડ પર લટકીને જવામાં મદદરૃપ થાય છે.