કૂવો ખસેડવાની કવાયત દમ લગા કે હૈઈશા...  - Sandesh
  • Home
  • Kids Corner
  • કૂવો ખસેડવાની કવાયત દમ લગા કે હૈઈશા… 

કૂવો ખસેડવાની કવાયત દમ લગા કે હૈઈશા… 

 | 12:10 am IST

વર્ષો પહેલાંની આ વાત છે. રામપુર નામનું એક ગામ હતું. ગામની બહાર એક બાવડી હતી. બાવડી એટલે પગથિયાંવાળો કૂવો. આ બાવડી પર ગામની મહિલાઓ પાણી ભરવા આવતી.

તો થયું એવું કે ગામના મગન નામના એક જોશીલા જુવાનનું લગ્ન થયું. એની નવી-નવેલી વહુ પણ ગામની અન્ય મહિલાઓની જેમ બાવડીએ પાણી ભરવા ગઈ. એણે બાવડીમાંથી ડોલી ખેંચી તો ડોલમાં પાણીની સાથે એક દેડકો પણ આવ્યો. દેડકાએ મગનની વહુની આંખોમાં જોયું અને પછી એ બે વાર બોલ્યો, ડ્રાઉં… ડ્રાઉં…

બસ, પછી એ કૂદકો મારીને પાછો બાવડીમાં જતો રહ્યો.

પણ મગનની વહુુને આ વાતનું ખોટું લાગી ગયું. એને થયું કે આ દેડકાએ મારા રૂપનું અપમાન કર્યું. દેડકાએ ડ્રાઉં ડ્રાઉં કરીને મને એવું કહ્યું કે જા, જા, તું કંઈ રૂપાળી નથી.

ઘરે આવીને એણે વરને ફરિયાદ કરી, તમારા ગામની બાવડીના દેડકાએ મને કદરૂપી કહી. તમારે એને પાઠ ભણાવવો જોઈએ, કારણ કે પત્નીને કોઈ કંઈક કહી જાય તો એને સીધોદોર કરવાની જવાબદારી પતિની છે.

પતિ મગન પત્નીના પ્રેમમાં મગન હતો. એને પત્નીની વાત વાજબી લાગી. એ નીકળી પડયો ગામમાં અને બૂમો પાડવા લાગ્યો, મારી પત્નીનું દેડકાએ અપમાન કર્યું એ ફક્ત મારી પત્નીનું જ અપમાન નથી, એ ફક્ત મારા ઘરનું જ અપમાન નથી. એ તો આખા ગામની વહુવારુનું અપમાન છે. માટે ચાલો, આવો મારી સાથે, આપણે દેડકાને પાઠ ભણાવીએ.

એની વાતો સાંભળીને ગામના કેટલાક જુવાનિયા જોશમાં આવી ગયા. એ ઉપડયા મગનની સાથે.

બાવડી પર જઈને એમણે ડોલ પછાડી, બાવડીમાં પથરા ફેંક્યા… પણ દેડકો દેખાયો નહીં.

એવામાં કોઈ બોલ્યું, આ દેડકો બહુ જબરો લાગે છે. આપણે એક કામ કરીએ. આખેઆખી બાવડી સહેજ ખસેડીએ. પછી બેટમજી જશે ક્યાં? એ આપોઆપ બહાર આવશે.

આટલું કહેતાં એ માણસે પોતાનું એક વસ્ત્ર ઉતારીને બીજાં લોકોને પણ કહ્યું કે તમારું એક-એક વસ્ત્ર આપો. પછી કોઈએ પોતાની પાઘડી તો કોઈએ ખમીસ વગેરે કાઢી આપ્યાં અને એ બધાં કપડાંને બાંધીને, વળ ચડાવીને જેવુંતેવું દોરડું બનાવાયું. એ દોરડાને બાવડી સાથે બાંધીને પુરુષો જોર કરવા લાગ્યા, દમ લગા કે હઈશા… દમ લગા કે હઈશા…

એવામાં વચ્ચેનું એકાદ કપડું ચીરાયું. ચર્ર્ર એવો અવાજ પણ આવ્યો. એ સાંભળીને કોઈ બોલ્યું, બાવડી ચસકી (ખસી).

આ સાંભળીને ટોળાને પાનો ચડયો. બધાએ ખૂબ જોર કરીને રસ્સી ખેંચી. એમાં પેલું વચ્ચેથી ફાટેલું કપડું પૂરેપૂરું ફાટી ગયું. દોરડું તૂટી ગયું.  અને એ સાથે જ દોરડું ખેંચી રહેલા લોકો ધડડડ કરતાં જોરથી એકબીજા પર પટકાઈને જમીન પર ઢગલો થઈ ગયા. એ દૃશ્ય વિચિત્ર હતું. પુરુષો એક ઢગલાની જેમ ખડકાયેલા હતા અને તેઓ અંદરોઅંદર એકબીજાને કહી રહ્યા હતા, બાવડી ચસકી… બાવડી ચસકી…

ત્યાંથી પસાર થતા એક રાહદારીએ મોટેથી હસીને કહ્યું, મૂરખાઓ, બાવડી નથી ચસકી, તમારી ડાગળી (બુદ્ધિ) ચસકી ગઈ છે.