પશ્ચિમ બંગાળની ચૂંટણી હવે એક 'ભીષણ યુદ્ધ' - Sandesh
  • Home
  • Columnist
  • પશ્ચિમ બંગાળની ચૂંટણી હવે એક ‘ભીષણ યુદ્ધ’

પશ્ચિમ બંગાળની ચૂંટણી હવે એક ‘ભીષણ યુદ્ધ’

 | 12:28 am IST
  • Share

રેડ રોઝ :- દેવેન્દ્ર પટેલ

જો તમે દેશની કોઈપણ ન્યૂઝ ચેનલ ખોલશો તો લોકો જે કોરોના મહામારી સામે યુદ્ધ ખેલી રહ્યા છે તે ‘કોરોના’ ટીવી સ્ક્રીન પર પશ્ચિમ બંગાળની ચૂંટણી સામે યુદ્ધ લડી રહ્યું હોય તેમ લાગે છે.

ના સમજાયું?  

તો સમજો. મતલબ એ છે કે ટીવી સ્ક્રીન પર ક્યાં તો તમને કોરોના મહામારીની ભયાનકતા અને મોતના આંકડાના જ સમાચાર જોવા મળશે અને બીજી જ ક્ષણે પશ્ચિમ બંગાળની ચૂંટણીનાં તીખાં પ્રવચનોના સમાચાર સ્પર્ધા કરતા જોવા મળશે. આ બે વિષયો પરના સમાચારો વચ્ચે જ સ્પર્ધા છે. દેશની ૧૩૫ કરોડની વસતીમાં બનતી બીજી કોઈ ઘટનાને ટીવી સ્ક્રીન પર સ્થાન જ નથી. દિલ્હીની નેશનલ ન્યૂઝ ચેનલ્સના મતે બાકી દેશમાં લીલાલહેર છે. વચ્ચે ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કે વિવાદાસ્પદ પોલીસ અધિકારી આવી જાય છે.

ખેર!  

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ એક્શન થ્રિલર જેવી લાગે છે. ક્યારેક મમતા બેનરજીની કારનું બારણું બંધ કરવાની ઘટનાને હુમલામાં ખપાવવામાં આવે છે તો ક્યારેક તેને સહાનુભૂતિ પ્રાપ્ત કરવાની પ્રયુક્તિ કહેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ‘દીદી…ઓ દીદી’ શબ્દો ઉચ્ચારે છે ત્યારે ટીએમસીના નેતાઓને દીદીનું અપમાન લાગે છે પરંતુ પીએમ મોદીની સભામાં એ ઉચ્ચારણ વખતે લોકો એ સંવાદ માણતા હોય તેમ લાગે છે.

તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીએ ૩૨ વર્ષથી ચાલ્યા આવતા ડાબેરીઓના શાસનને સમાપ્ત કરીને તા.૨૪ મે, ૨૦૧૧ના રોજ પશ્ચિમ બંગાળમાં સત્તા હાંસલ કરી હતી. સતત બે વાર તેઓ મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યાં. હવે ત્રીજી વાર મુખ્યમંત્રી બનવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. મમતા બેનરજી સરકાર વિરોધી લહેરનો સામનો કરતાં હોય તેમ લાગે છે. એમની જ તૃણમૂલ પાર્ટીમાંથી તેમના કેટલાક નિકટના સાથીઓ જેવા કે શુભેન્દુ અધિકારી વગેરે પક્ષ છોડીને જતા રહ્યા છે શુભેન્દુ તો મમતા દીદી સામે જ મેદાનમાં ઊતર્યા અને મમતા બેનરજીને વિચલિત કરી દીધાં.

પશ્ચિમ બંગાળમાં સત્તા કબજે કરવા ભાજપાએ તમામ તાકાત કામે લગાડી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અસંખ્ય સભાઓ, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહના સંખ્યાબંધ રોડ શો, મિથુન ચક્રવર્તી, યોગી આદિત્યનાથથી માંડીને જે.પી.નડ્ડાની વિશાળ જનસભાઓ સામે મમતા બેનરજી એકલાંઅટૂલાં જણાય છે. તેમની પાસે પોતાના ચહેરા સિવાય બીજો કોઈ સ્ટાર પ્રચારક નથી. જ્યારે ભાજપા પાસે ગેલેક્સી ઓફ સ્ટાર્સ છે. ભાજપના નેતાઓમાં ઉમટતી જનમેદની દેખીતી રીતે જ મમતા બેનરજીને વિચલિત કરતી હશે. પશ્ચિમ બંગાળમાં કિસાન આંદોલન, પેટ્રોલ-ડીઝલ પરનો ભાવવધારો કે મોંઘવારી એ ચૂંટણીપ્રચારના મુદ્દા નથી. હા, જે મુદ્દા છે તે મહત્ત્વના છે. દા.ત. મમતા બેનરજીની પાર્ટી પર ભાજપાનો આરોપ છે કે ટીએમસીના કાર્યકરો દ્વારા આજ સુધીમાં ૧૦૦થી વધુ ભાજપાના કાર્યકરોની હત્યા થઈ ચૂકી છે. ટીએમસીના કાર્યકરો ભાજપાના કાર્યકરો પર પથ્થરબાજી કરે છે. મમતા બેનરજીએ સીંગુરમાંથી તાતાને રવાના કર્યા અને પશ્ચિમ બંગાળમાં નવા ઉદ્યોગો આવવા જ ન દીધા. પરિણામે પશ્ચિમ બંગાળ આર્થિ વિકાસની બાબતમાં પછાત રહી ગયું.

આ બધાની સામે મમતા બેનરજીનો આરોપ છે કે ‘બહાર’ના લોકો પશ્ચિમ બંગાળનો કબજો લેવા માંગે છે પરંતુ પી.એમ.મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી.નડ્ડાની જનસભાઓનો પ્રતિભાવ જોતાં મમતા બેનરજીનો એ મુદ્દો ચાલતો હોય તેમ લાગતું નથી.

પશ્ચિમ બંગાળની ૨૯૫ બેઠકોવાળી વિધાનસભામાં ભાજપાએ ૨૦૦ બેઠકો સાથે વિજયનું લક્ષ્ય રાખ્યું છે. કોંગ્રેસે ડાબેરીઓ સાથે ગઠબંધન કરી લીધું છે. ઓવૈસી અને મૌલાના પીરઝાદા ટીએમસીના મુસ્લિમ મતોને ખેંચી લઈ જઈ શકે છે. આ બધાં નવાં સમીકરણોના કારણે પશ્ચિમ બંગાળની ચૂંટણીનાં પરિણામો દેશની ભવિષ્યની રાજનીતિની દિશા અને દશા નક્કી કરશે. ભાજપા પાસે દેખીતી રીતે જ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ મુદ્દો છે. ભાજપા આ ચૂંટણી જીતી જાય તો દેશની ભવિષ્યની રાજનીતિ માટે આ મુદ્દો નિર્ણાયક બનશે અને મમતા બેનરજી જીતી જાય તો ભાજપાએ આત્મચિંતન કરવું પડશે.

હવે મુદ્દો છે કે કોણ જીતશે? થોડા દિવસ પહેલાં સી-વોટર અને એક અંગ્રેજી ચેનલના સર્વેક્ષણ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપા કરતાં ટીએમસીને વધુ બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ તે પછીના દિવસોમાં ભાજપાએ તેની તમામ તાકાત લગાડી દીધી હોઈ ભાજપાના વાવાઝોડા જેવા પ્રચારયુદ્ધ બાદ ટીએમસી બેક ફૂટ પર હોય તેમ લાગે છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપા વચ્ચેનો ચૂંટણીસંઘર્ષ હવે ભયંકર ચૂંટણીયુદ્ધમાં પરિવર્તિત થઈ ગયો છે. કેટલાંક વર્ષો અગાઉ તૃણમૂલ કોંગ્રેસે ડાબેરીઓ અને કોંગ્રેસને પછાડી દીધા હતા. હવે એ પક્ષો દ્વારા છોડી દેવામાં આવેલાં સ્થળો પર ભાજપાનો કબજો છે. ભાજપાના હિંદુત્વના એજન્ડાને જોયા પછી મમતા બેનરજી પણ હિંદુ મતદાતાઓને લોભાવવા પ્રયત્ન કરી રહ્યાં છે. જે તેમનો એજન્ડા કદી હતો જ નહીં. આ ચૂંટણીમાં મુસ્લિમ મતદાતા મહત્ત્વપૂર્ણ રોલ ભજવશે. નવું ગઠબંધન મમતાદીદીની આશાઓ પર પાણી ફેરવી શકે છે. ભાજપાને તો પહેલાંથી જ મુસ્લિમ મતોની આશા કે ઉમ્મીદ નથી. આ સંજોગોમાં કદાચ મમતા બેનરજી જીતે તો પણ બહુ નજીવા બહુમત સાથે, પરંતુ ભાજપાના નેતાઓને તો પૂરેપૂરો આત્મવિશ્વાસ છે કે મમતા બેનરજી ચૂંટણી હારી ચૂક્યાં છે.

અલબત્ત, ચૂંટણી પરિણામો ન આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. સવાલ એ છે કે શું કોઈ ‘એક્સ-ફેક્ટર’ તો અહીં કામ કરી જશે? દરેક ચૂંટણીમાં કોઈ ને કોઈ એક્સ ફેક્ટર પોતાની રમત રમી શકે છે. એક્સ-ફેક્ટર હંમેશાં અપ્રત્યાશિત હોય છે અને ક્યારેક ક્યારેક સકારાત્મક કે નકારાત્મક ભૂમિકા ભજવી જાય છે. મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં ફરી સત્તા કબજે કરે છે તો એમ સમજવું કે મા-મનુષ્ય-મિટ્ટીનું ફેક્ટર કામ કરી ગયું. ‘બંગાળની પુત્રી’નું ફેક્ટર કામ કરી ગયું. કહેવાતો ‘બહારી’ઓનો મુદ્દો કામ કરી ગયો અને મમતા બેનરજી હારે છે તો સમજવું કે પી.એમ.મોદીનો જાદુ હવે પશ્ચિમ બંગાળમાં પણ કામ કરી ગયો. ગૃહમંત્રી અમિત શાહનું માઈક્રો પ્લાનિંગ અને અથાગ પરિશ્રમ કામ કરી ગયાં. ભાજપા અને સંઘનું જબરદસ્ત નેટવર્ક કામ કરી ગયું. જે.પી.નડ્ડાની પરિવર્તન યાત્રા કામ કરી ગઈ. છેલ્લાં દસ વર્ષથી પશ્ચિમ બંગાળમાં રાજ કરી રહેલાં મમતા બેનરજી વિરુદ્ધ સત્તાવિરોધી લહેર ભાજપા માટે ફાયદારૂપ રહી. મુસ્લિમ મતોનું વિભાજન મમતા બેનરજીને નુકસાન કરી ગયું. કેટલાક તો માને છે કે નંદીગ્રામની ચૂંટણીમાં મમતા બેનરજી અને એક વખતના તેમના જ સાથી શુભેન્દુ અધિકારી વચ્ચેનો મુકાબલો કદાચ મમતા બેનરજી માટે સેલ્ફ ગોલ જેવો લાગે છે.

એ જ રીતે મમતા બેનરજીના ભત્રીજા સાંસદ અભિષેક બેનરજી અને તેમનાં પત્ની રુજિરા નરુલા સામે કોયલા ગોટાળાનો કહેવાતો આરોપ પણ પશ્ચિમ બંગાળમાં એક ચર્ચાનો વિષય છે. હવે મમતા બેનરજી કેન્દ્ર સરકાર વિરુદ્ધ મુખ્ય રાજકીય પક્ષોને એક થવાનું આહ્વાન કરી રહ્યાં છે પરંતુ હવે બહુ મોડું થઈ ગયું છે. ગયા વર્ષે જાન્યુઆરી માસમાં સોનિયા ગાંધીએ આવું જ આહ્વાન વિપક્ષી દળોની બેઠકમાં કર્યું હતું પરંતુ એ બેઠકમાં મમતા બેનરજી હાજર જ રહ્યાં નહોતાં. હવે મમતા બેનરજીને વિપક્ષી દળોની એકતાની જરૂરિયાત કેમ લાગી? શું તેમણે આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે? હજુ તો ચૂંટણીના બાકી ચરણો બાકી છે અને આવા સમયે તેઓ કોંગ્રેસ કમ્યુનિસ્ટ તથા તેમની સહયોગી પાર્ટીઓના નેતાઓને પત્ર લખી બધાને એક થવા અનુરોધ કરી રહ્યાં છે. પણ હવે બહુ મોડું થઈ ગયું છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણીનાં પરિણામો ગમે તે આવી શકે છે. હવે જોવાનું એ રહે છે કે સી વોટરે કરેલાં સર્વેક્ષણ સાચાં પડે છે કે ટીવી ચેનલ્સ પર કોરોના સામે સમાચારમાં રહેવાની સ્પર્ધા કરી પીએમ મોદી અને અમિત શાહની ચૂંટણી સભાઓમાં દેખાતી ભાજપાની પ્રચંડ લહેર?

www.devendrapatel.in

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો