what-has-relation-between-bhishma-pitamah-and-makar-sankrati
  • Home
  • Astrology
  • મકરસંક્રાંતિનો ભીષ્મ પિતામહ સાથે શું છે સંબંધ

મકરસંક્રાંતિનો ભીષ્મ પિતામહ સાથે શું છે સંબંધ

 | 2:26 pm IST

ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે જે ભારતની સાથે પડોશી દેશ નેપાળમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. શા માટે ભીષ્મ પિતામહે દેહત્યાગ કરવા માટે મકર સંક્રાંતિની એટલે કે ઉત્તરાયણની રાહ જોઈ. એવું તે શું ઉત્તરાયણમાં ભારતભરમાં તે અલગ અલગ અંદાજમાં મનાવવામાં આવે છે.

હિંદૂ ધર્મ પ્રમાણે મકર રાશિમાં સૂર્યના જવાની સાથે માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે. મકર સંક્રાંતિ એ ગુજરાતમાં ભારે હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી ઉજવાય છે. તો પંજાબીઓ લાહિડી ઉજવે છે. દક્ષિણમાં પણ આ તહેવાર વિશેષ રીતે ઉજવાય છે. આ દિવસે દાન, સ્નાન, તલ અને ગોળનું વિશેષ મહત્વ છે. આમછતાં આજે અમે તમને એ કથા વિશે જણાવીશું કે જે ભીષ્મ પિતામહ અને મકરસંક્રાંતિ સાથે જોડાયેલી છે. શું તમે જાણો છો કે તેમણે દેહત્યાગ કરવા માટે મકર સંક્રાંતિનો દિવસ જ કેમ પસંદ કર્યો હતો. જો ન જાણતા હોય તો અમે તમને જણાવીશું.

પૌરાણિક કથા અનુસાર મહાભારતનું યુદ્ધ કરતાં કરતાં પિતામહ ભીષ્મ હસ્તિનાપુરની રક્ષા કાજે કૌરવો પરથી લડતાં લડતાં ઢળી પડ્યાં. તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હોવાથી તેમનું શરીર બાણોથી ચારણીની માફક વિંધાઈ ગયું હોવા છતાં  તે વીરગતિને પ્રાપ્ત થયા નહિં. અલબત્ત શરીર એ હદે વિંધાય ચૂક્યું હતું કે હવે ફરીથી પૂર્વવત થવું શક્ય નહોતું.  ઈચ્છા મૃત્યુનું વરદાન પામેલા ભીષ્મ હવે ફરી જન્મ ઈચ્છતા નહોતા. તેઓ મોક્ષ ઈચ્છતા હતા. કહેવાય છે કે જે વ્યક્તિ ઉત્તરાયણના દિવસે આત્માની ગતિ થાય તો તે મોક્ષને પામે છે. તેથી જ તેમણે ઉત્તરાયણનો દિવસ મૃત્યુ માટે પસંદ કર્યો, ત્યાં સુધી તે એટલે કે છ માસ તે બાણશૈયા પર સૂતા રહ્યાં. પોતાની દ્રઢ ઈચ્છા શક્તિથી તેમણે ઉત્તરાયણના દિવસે પ્રાણ ત્યાગ્યા. અર્જુનના બાણમાંથી નિકળેલી ગંગાની ધારનું પાન કરીને તે મૃત્યુની ગોદમાં સમાય ગયા અને મોક્ષ મેળવી લીધો.
 
મકર સંક્રાંતિનું જેટલું મહત્વ દેશમાં અન્ય સ્થળે છે તેટલું જ મહત્વ ઉત્તરમાં છે. ઉત્તરીય ભારતમાં આ પાવન દિવસે પવિત્ર નદીઓમાં ખાસ કરીને ગંગામાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. લાખો લોકો ગંગા સ્નાન કરે છે. કારણ કે મકર સંક્રાંતિનો એ દિવસ હતો જ્યારે ગંગાજી ભગીરથ રાજાની પાછળ પાછળ શિવજીની જટામાંથી ઉતરીને વિશાળ પલક પર વહેતી વહેતી કપિલ મુનિના આશ્રમ પાસે થઈને સાગરને મળી હતી. આ દિવસે જ ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું. ગંગા પુત્ર ભીષ્મ પણ આ દિવસે જ મોક્ષને પામ્યા હતા.

સૂર્ય એ કલ્યાણકારી દેવતા છે અને ઉત્તર દિશા એ કલ્યાણકારી દિશા છે. સૂર્યનું ઉત્તરમાં જવું એ પોતાનામાં જ એક અદભૂત ઘટના છે. આ દિવસે તલનું દાન કરવાનો વિશેષ મહિમા છે. આ દિવસે તલ, તલવટ તેમજ ખીચડી ખાવાનો વિશેષ મહિમા છે. આ દિવસે ગુપ્તદાન કરવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે જ્યારે સૂર્ય ઉત્તર દિશામાં જાય છે એ દિવસે સમગ્ર દેવતા પૃથ્વી પર વિચરણ કરવા નિકળે છે. તેથી જ આ દિવસે પતંગ ચડાવવામાં આવે છે. કહેવાય છે કે રંગબેરંગી પતંગો જોઈએ દેવતાઓ પણ ભાવવિભોર થઈ જાય છે. આ દિવસે તે પૃથ્વી વાસીઓને આશીર્વાદ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન