મને શું થવું ગમે - Sandesh

મને શું થવું ગમે

 | 12:04 am IST

મારી કલ્પના  ૪૦૪

રવિવારનો દિવસ હોવાથી નિધિ બહેન આજે આરામથી ઊઠયાં હતાં. એ પણ તેની મમ્મી સરલાબહેને તેને ઉઠાડી ત્યારે. ઊઠીને બ્રશ કરીને નિધિ પપ્પા પાસે સોફા પર બેસી ગઈ. કલ્પેશભાઈ સોફા પર પેપર વાંચતાં નિધિને જય શ્રીકૃષ્ણ કહ્યું અને તેના ભણતરની તેમજ અલક મલકની વાતો ચાલુ કરી. સરલાબહેને નિધિનું દૂધ અને નાસ્તો તેમજ તેમની અને કલ્પેશભાઈની ચા લઈને સોફા પર બેઠાં. નિધિ આઠમા ધોરણમાં ભણતી હતી. તે ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી. નિધિએ કહ્યું પપ્પા ભણવાનું ખૂબ સરસ ચાલે છે. વાતમાંથી વાત નીકળી અને કલ્પેશભાઈએ હળવાશથી પૂછયું બેટા મોટા થઈને તારે શું બનવું છે. નિધિએ તો ફટાકથી જવાબ આપ્યો, પપ્પા મારે તો મોટા થઈને ડોક્ટર બનવું છે. સરલાબહેન અને કલ્પેશભાઈના મોઢાં પર એક મોટી સ્માઈલ આવી ગઈ. સરલાબહેને વાતમાં સૂર પરોવતાં કહ્યું, પણ બેટા તારે ડોક્ટર જ કેમ બનવું છે. ત્યારે નિધિએ કહ્યું. મમ્મી મારે મોટા થઈને એક સરસ મજાની હોસ્પિટલ ખોલવી છે. જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમની સારવાર કરાવી શકે. હું તેમના દુઃખ-દર્દ દૂર કરવા માગું છું. અને તેમની બીમારી દૂર કરવા માગું છું. પપ્પાએ નિધિને વચ્ચેથી અટકાવતા કહ્યું પણ બેટા એ તો દરેક ડોક્ટર કરે જ છે તેમની ફરજ છે એતો. ત્યારે નિધિએ કહ્યું હા પપ્પા હું જાણું છું એ તો, પણ પપ્પા કેટલાક લોકો એવા હોય છે કે જે પૈસાના કારણે તેમની સારવાર કરાવતા નથી અને અંતે મૃત્યુ પામે છે. માટે મેં નક્કી કર્યું છે કે મારી હોસ્પિટલમાં આવતાં ગરીબ દર્દીઓની હું મફત સારવાર કરીશ. કલ્પેશભાઈ બોલ્યા પણ બેટા તું મફત સારવાર કરીશ તો તું કમાઈશ શું? જવાબ આપતાં નિધિ કહે છે પપ્પા દરેક માણસ કમાવા માટે ડોક્ટર નથી બનતો. કેટલાક હોય છે સજ્જન માણસો જે ફક્ત ગરીબોની સારવાર માટે જ સેવા આપતા હોય છે. અને તેમને ઠીક કરતા હોય છે. કલ્પેશભાઈ અને સરલાબહેન એક હળવા હાસ્યથી એકબીજા સામે જોઈ રહ્યા. સરલાબહેન નિધિને માથા પર એક વ્હાલભર્યું ચુંબન કરતા કહે છે, મારી નાનકડી નિધિ ક્યારથી આટલી મોટી વાતો કરતા શીખી ગઈ. પપ્પા પણ તેના માથે હાથ ફેરવતા કહે છે. આટલી નાની ઉંમરમાં આટલી બધી સમજ એ આપણા સંસ્કારોનું જ પરિણામ છે, બેટા મોટી થઈને જરૂર તું ડોક્ટર બનીશ અને અમે ડગલેને પગલે તને સહકાર આપતા રહીશું.

[email protected]