What is freedom? This is a very subtle question. What do we want to be free from?
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • આઝાદી એટલે શું? આ એક ખૂબ જ ગૂઢ પ્રશ્ન છે. આપણે શેનાથી આઝાદ થવું છે?

આઝાદી એટલે શું? આ એક ખૂબ જ ગૂઢ પ્રશ્ન છે. આપણે શેનાથી આઝાદ થવું છે?

 | 10:20 am IST

લાઈવ વાયર :- મયૂર પાઠક

આજે ૧૪મી ઓગસ્ટ છે. પાકિસ્તાનનો જન્મદિવસ. આવતીકાલે ૧૫મી ઓગસ્ટે ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થશે. વર્ષોની અંગ્રેજોની ગુલામી બાદ ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ભારત આઝાદ થયું હતું, પરંતુ આઝાદી હિન્દુસ્તાનના ભાગલા સાથે આવી. હિન્દુસ્તાન બે ટુકડામાં વહેંચાઇ ગયું. એક ભારત બન્યું, બીજું પાકિસ્તાન. બંને દેશ આઝાદી મળ્યાથી ખુશખુશાલ હતા પરંતુ દરેક ખુશીના ઓછાયામાં જેમ દુઃખની ગર્તા છુપાયેલી હોય છે તેમ આઝાદીના આ દિવસ બાદ દુનિયાએ ન જોઇ હોય તેવી કત્લેઆમ ભારતીય ઉપખંડમાં સર્જાઇ. આઝાદી અંગ્રેજોથી મળી હતી, ખુનામરકી આઝાદીના વારસામાં મળી. આજે આઝાદીનાં ૭૨ વર્ષ પૂરાં થયાં છે ત્યારે આપણે શું ખરેખર આઝાદ છીએ ?

આઝાદી એટલે શું? આ એક ખૂબ જ ગૂઢ પ્રશ્ન છે. આપણે શેનાથી આઝાદ થવું છે? આપણે અંગ્રેજોના શાસનથી આઝાદ થવા લાંબી લોહિયાળ-અહિંસક લડાઇ લડયા. ત્યારબાદ આપણા પર નવા શાસકો આવ્યા. પહેલાંના શાસકો ગોરા હતા. ત્યાર પછીના શાસકો કાળા આવ્યા. માનો કે કૂતરાના ગળાનો પટ્ટો પહેલાં ચામડાનો હતો ત્યાર પછી લોખંડની ચેઇન આવી. તો પછી આઝાદી શેનાથી મળી? હકીકતમાં આઝાદી એક ઇલ્યૂઝન છે. આઝાદી શબ્દ જ સૌને ભ્રમમાં નાખે છે. નેતાઓ જ્યારે આઝાદીની બૂમો પાડતા હોય છે ત્યારે હકીકતમાં તેઓ એક ગુલામીમાંથી બીજી ગુલામીમાં નાખવાની વાત કરતા હોય છે.

મનોવૈજ્ઞાનિકો માટે સૌથી અઘરો શબ્દ હોય તો તે શબ્દ છે ફ્રીડમ. એક વ્યક્તિ જો આઝાદ થવા માગતી હોય તો તેણે શું કરવું જોઇએ ? આનો જવાબ આજદિન સુધી હજુ દુનિયામાં કોઇની પાસે નથી. તેનું કારણ એ છે કે આઝાદી એટલે શું તેનો જ જવાબ કોઇની પાસે નથી. જો તમે તમારી જવાબદારીઓથી દૂર થઇ જાઓ અને તમે એમ માનતા હોવ કે હું આઝાદ થઇ ગયો તો એ વાત સાચી નથી. જૈન ધર્મમાં દિગંબર સાધુઓ છે. આ સાધુઓ કપડાં પહેરતાં નથી. જમવા માટે કોઇ પાત્ર રાખતાં નથી. હાથનો ખોબો બનાવીને જ કોઇ આપે તે ખાઇ લે છે. ભૂમિ પર સૂઇ જાય છે. કોઇ વાહનનો ઉપયોગ કરતાં નથી. પણ જો તમે આ સાધુને પૂછશો કે શું તમે આઝાદ છો? તો જવાબ મળશે કે મારે પણ મારાં કર્મો ભોગવવાનાં છે. મારી ક્રિયા, મારા પાઠ, મારું અધ્યયન રોજ ચાલુ હોય છે, કારણ કે હું મારા ધર્મથી બંધાયેલો છું. હવે જો તમે બંધાયેલા હોવ, તમારા કુટુંબથી, તમારા પ્રિયજનથી, તમારા સમાજથી, તમારા દેશથી કે પછી તમારા ધર્મથી તો તમે આઝાદ કેવી રીતે કહેવાશો? હિન્દુ ધર્મમાં પુનર્જન્મને માનવામાં આવે છે અને કહેવાય છે કે શરીર નાશવંત છે અને આત્મા અમર છે. જો કે આત્મા માટે ૮૪ લાખ જન્મના ફેરાની વાત કરવામાં આવી છે. ટૂંકમાં, તમારું મૃત્યુ થાય તો પણ તમને આઝાદી મળતી નથી. તમારે ૮૪ લાખ શરીરોમાં ફરવાનું હોય છે. આ ભવબંધનના ફેરામાંથી આઝાદ થવું હોય તો મોક્ષનું દ્વાર ધર્માચાર્યો બતાવે છે. મોક્ષ શું ખરેખર આઝાદી છે? હિન્દુ ધર્મના સંતો, મહંતો કાયમ મોક્ષની વાત કરતાં હોય છે. આત્માની ગતિ પરમાત્મા તરફ બતાવાઇ છે અને પરમ ગતિ મોક્ષની દર્શાવાઇ છે. જો મોક્ષ એ આત્માની આઝાદી હોય તો એ મોક્ષ શું છે ? ત્યાં આત્માએ શું કરવાનું છે તેનું વર્ણન કોઇની પાસે નથી!

આજે લોકોને કોઇપણ જાતનું બંધન ગમતું નથી. ઘરમાં વડીલોની રોકટોક, શાળા-કોલેજોમાં શિક્ષક, પ્રોફેસરોની રોકટોક, સંબંધોમાં પ્રિયજનો દ્વારા પાબંધી, જોબમાં બોસની દાદાગીરી, રસ્તાઓ પર રેડ સિગ્નલની રૂકાવટ કોને ગમે છે? બધાને ફ્રીડમ જોઇએ છે પરંતુ ફ્રીડમ શક્ય નથી. ઇંગ્લિશમાં એક જાણીતી ઉક્તિ છે, Man is born free, and everywhere he is in chains. આઝાદીના નારા હકીકતમાં તો એક નવી ગુલામીનો પોકાર છે. માણસ એક બંધનમાંથી છૂટીને જ્યારે બીજા બંધનમાં જકડાય છે ત્યારે શરૂઆતમાં આઝાદીની ફીલિંગ આવે છે, પરંતુ આ ફિલ એ વ્હીસ્કીના બે પેગ પછી આવતી કિક જેવું હોય છે. તમને લાગે છે કે હું હવે બાદશાહ બની ગયો છું પરંતુ એ નશો હોય છે. નશો ઊતર્યા પછી સૌને રિયાલિટી ફેસ કરવાની હોય છે.

૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાતે જ્યારે દિલ્હીના વાઇસરોય હાઉસ પરથી સ્ટાર ઓફ ઇન્ડિયાના ખિતાબની નિશાની ધરાવતો બ્રિટનનો ધ્વજ યુનિયન જેક નીચે ઉતારવામાં આવ્યો ત્યારે આખા હિન્દુસ્તાનમાં ઉત્સાહ અને આનંદનો અતિરેક હતો. બધા એક રંગીન સ્વપ્નમાં રાચતા હતા કે આઝાદી મળી એટલે આપણી જિંદગીમાં સોનાનો સૂરજ ઊગશે. દેશમાં ઘી-દૂધની નદીઓ વહેશે. રામરાજ્ય સ્થપાશે, પરંતુ દિલ્હીથી સેંકડો માઇલો દૂર કલકત્તાના ૧૫૧, બેલિયાઘાટ રોડ ઉપરના ખંડેરસમાન મકાન હૈદરી હાઉસના એક ભેજવાળા રૂમમાં ચટાઇ પર એક સૂકલકડી વ્યક્તિ સૂતી હતી. ઊંઘમાં પણ આ વ્યક્તિ જાણે કણસતી હોય તેવો અવાજ આવતો હતો. રાત્રિના બે વાગે આ વ્યક્તિનો જાગવાનો સમય હતો. રૂમમાં મીણબત્તીનું અજવાળું થયું એ સવાર આમ જોવા જઇએ તો આ વ્યક્તિની સર્વોચ્ચ પ્રકાશમાન સવાર હોવી જોઇતી હતી, કારણ કે આખી જિંદગી જે પળ માટે આ વ્યક્તિએ ખર્ચી નાખી હતી એ પળ ૧૫મી ઓગસ્ટની સવાર હતી અને દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો હતો, પરંતુ એ વ્યક્તિ ઊઠી ત્યારે તેના મોં પર સુખ, સંતોષ કે ખુશીની એક લકીર સુધ્ધાં ન હતી. હૈદરી હાઉસમાં સૂઇને ઊઠેલી એ વ્યક્તિ મહાત્મા ગાંધીજી હતા અને ૧૫મી ઓગસ્ટની વહેલી પરોઢે મહાત્માના હૃદયમાં એવો કોઇ આનંદ ન હતો જેને પામવા ગાંધીજીએ કેટલાં બધાં બલિદાન આપ્યાં હતાં. આઝાદી મળવાની વાત સાથે એ વૃદ્ધ વ્યક્તિનું હૃદય ગ્લાનિથી ભરાઇ ગયું હતું. આખું જીવન જાણે રાખ બની ગયું હોય તેવી ગ્લાનિ તેમના કરચલીવાળા ચહેરા પર લીંપાઇ ગઇ હતી. નોવાખલીના ભેજવાળા પ્રદેશમાં ફરતા ગાંધીજીના દિલમાં જે પ્રશ્નો હતા તેના જવાબો ખુદ આ મહાત્મા પાસે પણ ન હતા. ગાંધીજીએ ૧૪મી ઓગસ્ટની સાંજે જ એક મિત્રને પત્ર લખ્યો હતો. હું અટવાઉં છું, શું મેં દેશને ગેરરસ્તે દોર્યો છે? ગાંધીજીનું આ દુઃખ, તેમની દ્વિધા આઝાદી મળ્યા પછીની હતી અને તેમનો આ વિષાદ તેમના અત્યાર સુધીના તમામ પ્રશ્નોને હલ કરનારી જાદુઇ કિતાબ ગીતાજીમાંથી પણ મળ્યો ન હતો. ગાંધીજી ગોડસેની ગોળીથી મર્યા ત્યાં સુધી તે આઝાદીને પામ્યા ન હતા!

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન