સાધનાનો અર્થ શું છે ? - Sandesh

સાધનાનો અર્થ શું છે ?

 | 1:31 am IST

કવર સ્ટોરી: પૂ. મોરારિ બાપુ

સાધના એટલે પોતાને ધોવાની ક્રિયા, પોતાની સારી રીતે સફાઈ કરવી. જેમ ધોબી કપડાં પર સાબુ ઘસે, તેને પાણીમાં ઉકાળે, પથ્થર પર પછાડે…પથ્થર નક્કર અને કપડાં બહુ જ કોમળ, છતાં પણ ધોબી તેને પથ્થર પર કેટલી મહેનતથી પછાડે છે. તે કપડાંને નીચોવે છે અને પછી તડકામાં સૂકવે છે. સુકાઈ ગયાં પછી તે ધોબી તે કપડાંને પ્રેસ કરે છે અને જે ઈસ્ત્રીટાઈટ કપડાં પહેરે છે તે સદ્ગૃહસ્થ દેખાય છે.

 

સાધનાનો અર્થ છે ખુદને ધોવી, અંદરથી પોતાની જાતને ધોવી અને તેને ધોવા માટે પાણી જોઈએ. તેથી સાધના વડે હૃદયનાં કપડાં ધોવા માટે, સાધનાના સાબુ વડે અંતઃકરણને શુદ્ધ કરવા માટે પાણીની જરૂર પડે છે અને તે પાણી છે પ્રેમાશ્રુ.

જે રીતે ભોજન કરવાથી ૧. ભૂખથી નિવૃત્તિ ૨. શરીરને પુષ્ટિ અને ૩. સ્વાદ મળે છે તે રીતે સાધના કરવાથી ત્રણ વસ્તુઓ સિદ્ધ થાય છે ૧. ભક્તિ, ૨. વૈરાગ્ય અને ૩. જ્ઞાાન.

સાધના કેવી હોવી જોઇએ ?

માણસની સાધના પર્વતના જેવી સ્થિર હોવી જોઈએ, પણ પાછી જડ ન હોવી જોઈએ, નદીના જેવી તરંગિત હોવી જોઈએ. મારી ને તમારી સાધના બીજાને પ્રક્ષાલિત કરે, બીજાની તૃષા છિપાવે. બીજાને વિશ્રામ આપે. તો સાધના સ્થિર હોવી જોઈએ એક અર્થમાં, પણ પાછી એનામાં જડતા ન હોવી જોઈએ, એ પ્રવાહિત હોવી જોઈએ. સાધના પદ્ધતિ આ દેશમાં જો પ્રવાહિત ન થઈ હોત તો કદાચ હું ને તમે આટલા સરળ, તરલ ન બની શક્યા હોત, જડ ને કઠોર બની ગયા હોત.

ત્રીજું આ સાધના સ્થિર હોવી જોઈએ, તરંગિત હોવી જોઈએ, પણ સાથોસાથ ફલદાયી હોવી જોઈએ, એનું કંઈ પરિણામ આવવું જોઈએ. પછી એનું કોઈ ફળ ન આવે, એવું ગીતાનું તત્ત્વજ્ઞાાન-ફળની ઈચ્છા નહીં કરવી, એ જુદી વાત છે. એક સંત તો કહે કે માણસ કર્મ કરે, પછી ફળની ઈચ્છા ન કરે, એવી ઈચ્છા ન કરવી એવું કોણે કહ્યું છે? ગીતામાં તો ખાલી એટલું જ કહ્યું છે, મા ફલેષુ કદાચન- માણસ કર્મ કરે, ફળ લઈને તો ભગવાન કદાચ અવાજે આવીને ઊભો જ રહે. આપણે અપેક્ષા કરવાની જરૂર રહેતી જ નથી. પણ એમાં એક વસ્તુ ઉમેરવી જોેઈએ કે માણસ સાધના કરે, પ્રભુ ફળ લઈને આવીને ઊભો રહે, ત્યારે સાધના કરનારો ફળ માંગે જ નહીં. ઈશ્વરને જ માગી લે, ફળને હટાવી દે. એટલે કે સાધના વૃક્ષની સમાન ફળદાયી હોવી જોઈએ. ચોથું-સાધના સદ્દગુણ એકત્રિત કરતી હોવી જોઈએ.

ઈશ્વર પ્રાપ્તિ માટે ચાર ખંડ છેઃ ૧. ધર્મ ખંડ. ૨. જ્ઞાાન ખંડ. ૩. લજ્જા ખંડ. ૪. કૃપા ખંડ. આથી ઈશ્વરનો અનુભવ તરત જ થઈ શકે છે, પરંતુ તેને ખોટી જગ્યાએ શોધીએ તો જનમોનાં જન્મ લાગી જાય. ઈશ્વર પ્રાપ્તિ જેવી સુલભ વસ્તુ દુનિયામાં બીજી એકેય નથી. પૈસા, પ્રતિષ્ઠા મેળવવામાં તો માણસ થાકી જાય છે. કોઈપણ અવસ્થા, કોઈપણ સ્થાન કોઈને પણ મળી શકે. વાંસળી, શંખ એ નાદ છે, રાગ-રાગિણી વગાડવાળા ઘણા છે, પણ સમગ્ર પ્રકૃતિમાં સંગીત વાગે છે.

ધર્મ ખંડ

તમે ધાર્મિક બનો. તમારું અંતઃકરણ ધાર્મિક હોવું જોઈએ. આપણું શરીર ધાર્મિક છે, પણ આપણામાં ર્હાિદકતા હોવી જોઈએ. જ્યારે આપણે એવું માની લઈએ છીએ કે આપણે કંઈક બની ગયા છીએ ત્યારે આખું નાટક શરૂ થઈ જાય છે. અંદરથી ધાર્મિક સંસ્કાર હોવા જોઈએ. એવા ધાર્મિક ખંડમાં વ્યક્તિ પહોંચી જાય ત્યારબાદ બીજો ખંડ આવે છે જ્ઞાાન ખંડ.

જ્ઞાાન ખંડ

તેમની વચ્ચે દીવાલ નહીં, દરવાજો છે પણ લોક કરેલો છે. સદ્દગુરુના હાથમાં ચાવી છે. ધર્મખંડમાં બહારથી દરવાજો છે. ત્રણેયના દરવાજા અંદર અંદરથી છે, સ્વતંત્ર અલગ દરવાજો નથી. ધર્મ ખંડમાંથી થઈને જ અંદરના દરવાજા સુધી જઈ શકાય છે. ધર્મ એટલે સેવા, સત્ય, કરુણા, અહિંસા, ત્યાગ, પ્રેમ. પ્રેમ સૂત્ર સહુથી સરળ પણ છે અને મુશ્કેલ પણ છે. તેમને પકડી લો. જ્ઞાાન ખંડમાં તેને પ્રવેશ મળે છે. જ્યારે બોલતા બોલતા શબ્દો ન રહે, પરમાત્મામાં પ્રવેશ થઈ જાય. અહીં વધારે બોલવાની જરૂર નથી.

લજ્જા ખંડ

જ્ઞાાન ખંડ પછી આવે છે લજ્જા ખંડ. જ્ઞાાન મળે છે તેને ખરેખર શરમ આવે છે. મને એમ હતું કે હું ઘણું જાણતો હતો, પણ હું કંઈ નથી જાણતો. તારી પાસે આવીને એમ લાગે છે કે મેં કંઈ જાણ્યું જ નથી. કયાં તો ભગવાન બની જાઓ અથવા ભગવાનના બની જાઓ. એ બે જ સ્થિતિ છે. કોઈ ઘૂમટો તાણે ત્યારે ખોલવાવાળો આવે છે. જયારે શરમાળ જ્ઞાાની જાણી શકાય છે કે મારી પાસે કંઈ નથી ત્યારે કૃપા ખંડમાં પ્રવેશ થઈ જાય છે. તમને જેમ માફક આવે તેમ કરો.

[email protected]