શું ફક્ત નાણાનું સર્જન જ માનવીય હિત સાધી શકે ? - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • શું ફક્ત નાણાનું સર્જન જ માનવીય હિત સાધી શકે ?

શું ફક્ત નાણાનું સર્જન જ માનવીય હિત સાધી શકે ?

 | 8:55 pm IST

કવર સ્ટોરી । રીના બ્રહ્મભટ્ટ

દુનિયાની સુખ શાંતિ જેટલી યુદ્ધોએ હણી છે તેનાથી વધારે તો યુદ્ધની તૈયારીઓએ હણી છે. દુનિયાના વિકસિતથી લઈ વિકાસશીલ દેશો હંમેશાં યુદ્ધની તૈયારીઓમાં પોતાની જાતને વ્યસ્ત રાખે છે અને તેના જ કારણે આજે વિશ્વભરમાં હથિયારાોનો ધીકતો ધંધઓ જામ્યો છે. હોડ જામી છે. જેમાં પરમાણુ આયુધો દ્વારા દુનિયા એક વાર નહીં પરંતુ હજારો સમય નષ્ટ થાય તેવી દીવાનગી આકાર પામી ચૂકી છે. પોતાનીજાતને પરમાણું શક્તિ દેશ બનાવવાની લહાયમાં માનવીય જિંદગીઓને સ્પર્શતા મુદ્દાઓને જે સ્થાન મળવું જોઈએ તે નથી મળતું. આજે હવા, પાણી ખોરાક ગ્લોબલ વોર્મિંગના કારણે દૂષિત અને કલુષિત બની ચૂક્યા છે. હવામાં ઝેર ભળી ચૂક્યું છે. અમેરિકા જેવા અત્યંત વિકસિત દેશોમાં વારંવાર કુદરતી આફતો ત્રાટકી રહી છે. તેમ છતાં અમેરિકા ગ્લોબલ વોર્મિંગ મુદ્દે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. જેનું પરિણામ તે છે કે, અન્ય દેશો પણ તેના પગલે ચાલી મૂડીવાદને ધ્યાનમાં રાખી ફક્તને ફક્ત ઉદ્યોગોને જ પ્રાધાન્ય આપી રહ્યાં છે. જેમાં કઈ ખોટું નથી પરંતુ વિકાસની લહાયમાં આ ઉદ્યોગો વિનાશ વેરી રહ્યાં છે.

કહેવાનો આશય છે કે, યુદ્ધની તૈયારીઓમાં આપણો યુદ્ધો લડીએ કે ના લડીએ પરંતુ શસ્ત્રોની હોડે પૃથ્વીને દોજખ બનાવી દીધી છે. ત્યારે સાલુ તકલીફ ત્યાં થાય છે કે, કોઈ વિકસિત રાષ્ટ્ર દુનિયાની આગેવાની લઈ તેવા પ્રયાસો કરવા તૈયાર નથી કે, ચાલો વિશ્વને સોહામણું સલામત અને માનવીય જિંદગીઓથી લઈ પ્રાણીઓના જીવનનું રક્ષણ થાય તેવું વસવા લાયક બનાવીએ.

એક તેવી દુનિયા બનાવવાના સંયુક્ત પ્રયાસમાં લાગીએ કે, જ્યાં ચોમેર ખુશાલીઓ હોય, કુદરત હોય, પ્રકૃતિ હોય, શુદ્ધતા હોય અને સલામતી હોય ભાઈચારો હોય શું ફક્ત નાણાંનું સર્જન જ માનવીય હિતો સાધી શકે ? શું આવું સમજવું તે એક મોટી ભૂલ નથી ? સુખની એષણામાં ખુશીઓને હોમી દેવી તે કયો વિકાય છે તે સમજાતું નથી. પરંતુ કમનસીબીએ અત્યારના વિકાસના વૈશ્વિક માપદંડો આ જ છે.

જો કે, અહીં આ ચર્ચા કરવાનો આશય થોડો જુદો છે. બીજું બધું તો ઠીક પણ પોતાની જાતને સૌથી સજ્જ બનાવવાની હોડમાં આજે દુનિયા પરમાણુ હથિયારોના ઢગલા પર જઈ બેઠી છે. પરમાણુ હથિયારો કે જે પળવારમાં બધું તહસનહસ કરી શકે છે. લોકો ૧૯૪૮માં તેનું વરવું સ્વરૂપ હિરોશિમા અને નાગાસાકીમાં જોઈ ચૂક્યા છે. આ એક ટ્રેલર જોઈને જ કોઈપણ દેશે ફરી વખત તેનો ઉપયોગ કરવાની હિંમત દાખવી નથી. પરંતુ વિકસિત દેશોથી લઈ વિકાસશીલ અને જેને ખાવાના સાંસા છે તેવા પાકિસ્તાન જેવા ભિખારી દેશો પણ સેંકડો પરમાણુ બોમ્બ બનાવીને બેઠા છે.

ત્યારે દુનિયામાં આતંકીઓના અડ્ડા તરીકે બદનામ પાકિસ્તાન કોઈ રીતે જ્યાં વિશ્વસનીય નથી ત્યાં તેના હાથમાં આટલા ખતરનાક હથિયારો હોવા તે થોડી તો ડરવા જેવી બાબત છે અને આ સ્થિતિમાં આ હથિયારો પર કબજો કે તેને મિટાવવાની શરૂઆત જો કોઈ દેશ કરી શકે તો તે જગત જમાદાર અમેરિકા એ જ તેનો શુભારંભ કરવો જોઈએ અને અમેરિકાની સાથે વિશ્વની ૫ મહાસત્તાઓએ પણ આ એક નવી જ માનવીય પહેલ કરવાની જરૂર છે.

વિશ્વને ભયમુક્ત બનાવવા હવે તે જરૂરી બન્યું છે કે, સમગ્ર વિશ્વ સમુદાયના હિતમાં આવા સોફ્ટ નિર્ણયો દુનિયાને રાહ ચીંધનાર મહાસત્તાઓ લે. જેનું અનુસરણ વિશ્વના અનેક નાના મોટા દેશો ધીમે-ધીમે શરૂ કરશે. તેમાં કોઈ શક નહીં. પરમાણું હથિયારો બનાવવાની જેણે શરૂઆત કરી હતી તેને નષ્ટ કરવાની શરૂઆત પણ તે લોકો જ કરશે તો તે ખુબ જ સારું લેખાશે.

ત્યારે આ સ્થિતિ વચ્ચે એક આશા જગાવી જાય તેવા સમાચાર તે સોપ્ડયા છે કે, અમેરિકાનાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રમુખ પુનિન સાથે પરમાણુ સમજૂતી મામલે એક કલાક વાત કરી છે અને આ મામલામાં ચીનને મિલાવીને ત્રિપક્ષીય કરાર કરવાના મૂડમાં છે.

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં બંને દેશ પરમાણુ હથિયાર બનાવવાનું ઓછું કરવાનું શરૂ કરશે. પછી ધીમે ધીમે કેટલાક હથિયારો નષ્ટ કરવા પર પણ ભાર આપશે અને તેના થોડા સમય બાદ તેમની આ કવાયતમાં ચીનને પણ સામેલ કરવામાં આવશે. ત્યારે દુનિયાના અસ્તિત્વ સાથે જોડાયેલ મુદ્દા સામે તમામ લોકોને શાંતિ આપનાર આ બાબત દુનિયાની આ ત્રણ મહાશક્તિને એક પ્લેટફોર્મ પર લાવી એક નવી જ વિચારધારા ચીંધનાર અગર બનશે તો આ એક ઐતિહાસિક પહેલ હશે.

જો કે, આ એક સંભવના છે. તે નક્કર પહેલ બને ત્યારે જ કહેવાય. બાકી હજુ ફ્રાંસ, બ્રિટન જેવી એટમી તાકતો આ સંભવિત સમજૂતીની પરિઘીથી બહાર છે. ત્યારે ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયેલ જેવી ઘોષિત અઘોષિત પરમાણુ શક્તિઓને આમાં સામેલ કરવા તે દૂરની બાબત છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, શીતયુદ્ધ પછીના તનાવપૂર્ણ વાતાવરણમાંથી બહાર નીકળવાની જદોજહદમાં દુનિયાએ પરમાણું નિશસ્ત્રીકરણને એક લક્ષ્યના રૂપમાં સ્વીકાર કર્યું હતું.

અઈએનએફ (ઇન્ટરમીડિએટ રેંજ ન્યૂક્લિયર ફેર્સેજ ) ટ્રીટ્રી જેવા સમજૌતા થકી કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં પણ ભરવામાં આવ્યા હતા. જેમાં અમેરિકા અને રુશ જેવા દેશોએ જમીનથી જમીન માર કરવાવાળી બેલેસ્ટિક મિસાઇલો, ક્રૂઝ મિસાઇલ, શોર્ટ મિસાઇલ અને ઇન્ટરમીડિએટ રેંજની મિસાઈલો નષ્ટ કરી હતી. પરંતુ શીતયુદ્ધ કાળ પૂરો થતા બદલાયેલ સમયમાં સ્થિતિમાં પણ બદલાવ આવ્યો. અને કેટલાય નવા પરમાણુ સંપન્ન દેશો ઊભરી આવ્યા. અને આજે સ્થિતિ તે છે કે, ઈરાન , અમેરિકા હવે આ મામલે યુદ્ધે ચડવાની તૈયારીમાં છે. ત્યારે કહેવાનો આશય છે કે, દુનિયામાં ચેન, અમન, શાંતિ અને સુખ સર્જાય તેવા સંયુક્ત પ્રયાસો હાથ ધરાય ત્યારે જ ગ્લોબલાઇઝેશનનો અર્થ સાચા અર્થમાં સરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન