What was the mental change during street riots in Gujarat including Morbi?
  • Home
  • Gujarat
  • મોરબી સહિત ગુજરાતમાં શેરી ગરબા દરમિયાન શું આવ્યો માનસિક બદલાવ?

મોરબી સહિત ગુજરાતમાં શેરી ગરબા દરમિયાન શું આવ્યો માનસિક બદલાવ?

 | 5:06 pm IST
  • Share

  • મોરબીમાં શેરી ગરબામાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઝૂમ્યા

  • શેરી ગરબામાં પહેલીવાર 300થી વધારે લોકો એક સાથે ગરબે ઘૂમ્યા

  • શેરી ગરબા હવે યુવાનોની પણ પસંદ બનતા વડીલોના હૈયે પણ ટાઢક પહોંચી છે

કોરોનાને પગલે આ વખતે શેરી ગરબાને જ મંજૂરી અપાઇ છે. ત્યારે મોરબીમાં શેરી ગરબામાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઝૂમી રહ્યા છે. મારૂતિ પાર્ક ખાતે યોજાયેલા ગરબામાં 300થી વધારે લોકો એક સાથે ગરબે ઘૂમ્યા હોવાની માહિતી મળી રહી છે. પાર્ટી પ્લોટ કલ્ચર વચ્ચે શેરી ગરબા ભૂલાયા હતા. ત્યારે આ વર્ષે ફરી એક વખત શેરી ગરબાની રમઝટ જોવા મળી અને લોકોએ મન મૂકીને આ નવરાત્રીની મજા માણી છે.

કહેવાય છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે, એમ કોરોનાએ જેમ ત્રાહિમામ મચાવીને લોકોને પરેશાન કરી નાખ્યા છે. તેમ કોરોનાના લીધે જ આ વર્ષે અનેક લોકો શેરી ગરબા તરફ વળ્યા છે અને આ વર્ષની તેમને કેવી મજા આવી એ સવાલના જવાબમાં કોરોનાથી થયેલા ફાયદાઓ છુપાયેલા છે. મોરબી વિસ્તારમાં શેરી ગરબા દરમ્યાન શું આવ્યો માનસિક બદલાવ?

આ વર્ષે કોરોનાના લીધે પાર્ટીપ્લોટ કલ્ચર બંધ થયું ને ફરજિયાત શેરી ગરબા તરફ લોકોએ વળવું પડ્યું છે. જેના લીધે મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં શેરીઓ જીવંત બની ગઈ છે. મોરબીમાં પણ શેરીએ શેરીએ ગરબાના આયોજન થયા છે અને દર વર્ષે પાર્ટીપ્લોટ કલ્ચરના લીધે સુની ભાસતી શેરીઓ આ વર્ષે ફરી એક વખત સમગ્ર શહેરમાં જાણે કે એક સાથે ઉત્સવ માનવી રહ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા છે.

સંદેશ ન્યુઝે મોરબીના મારૂતિપાર્ક વિસ્તારમાં યોજાયેલ શેરી ગરબાની મુલાકાત કરી ત્યારે જોવા મળ્યું કે જ્યાં શેરી ગરબામાં માંડ 50 લોકો જોવા મળતા ત્યાં આ વર્ષે ૩૦૦થી વધુ લોકો જોડાયા છે, જે લોકો પાસે રહેવા છતાં એક બીજાને ઓળખાતા સુધ્ધા નહોતા. આજે સાથે બેસીને નાસ્તો કરી રહ્યા છે. માતાની આરાધના કરી રહ્યા છે, અને આ એવો અનુભવ રહ્યો કે હવે લોકોને શેરી ગરબા જ કાયમ ગમવા લાગ્યા હોવાનો સ્વીકાર પણ ખેલૈયાઓ કરી રહ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર રાજ્યની જેમ મોરબીમાં પણ પાર્ટીપ્લોટ કલ્ચર વધી રહ્યું હતું. જેના લીધે શેરી ગરબીઓ માત્ર વડીલોના બેસવા માટેની જગ્યા બનીને રહી ગઈ હતી. પોતાના યુવાન દીકરા-દીકરીઓ પાર્ટીપ્લોટમાં જતા અને આ વડીલો અહી માતાજીના ગરબીમાં સત્સંગ કરતા.. પોતાના સંતાનો આંખોથી દુર હોવાથી વડીલોને તેમની ચિંતા પણ કોરી ખાતી હતી, પરંતુ જે રીતે યુવાનો પાર્ટીપ્લોટ બાજુ વળી રહ્યા હતા, ત્યારે આ વડીલો શેરી ગરબામાં રહેવાની સલાહ આપવાનું પણ હવે તો ટાળી રહ્યા હતા. પરંતુ આ વર્ષે કોરોનાના લીધે ફરજિયાત બની ગયેલ શેરી ગરબા હવે યુવાનોની પણ પસંદ બનતા વડીલોના હૈયે પણ ટાઢક પહોંચી છે.

પાર્ટીપ્લોટમાં થતા ગરબાનો કોઈ વિરોધ ના હોઈ શકે પરંતુ જે રીતે પહેલાના સમયમાં લોકો શેરી ગરબામાં એકબીજાની નજીક આવતા પડોશીઓ સાથે અને સગાવહાલા સાથે માનસિક એકતા બંધાતી એ પાર્ટીપ્લોટ કલ્ચરથી ખંડિત થઇ છે. અજાણ્યા લોકો સાથે પૈસા ખર્ચીને ગરબા રમવા જવામાં આવતું થયું અને તેથી પડોશીઓ વચ્ચે પણ સામાજિક અંતર વધ્યું. પરંતુ આ વર્ષે ફરી જે રીતે શેરી ગરબા થયા છે, તેમાં યુવાનોને પણ જે રીતે આનંદ થયો છે તેનાથી વડીલો પણ જે રીતે ખુશી અનુભવે છે તે જોતા આવનાર વર્ષોમાં ફરી એકવાર શેરી ગરબાની રમઝટ દરેક નવરાત્રિમાં પહેલી પસંદ બની જાય તો નવાઈ ના કહેવાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો