આપણને ખરેખર શેનાથી સ્વતંત્રતા જોઈએ છે? - Sandesh

આપણને ખરેખર શેનાથી સ્વતંત્રતા જોઈએ છે?

 | 12:12 am IST

રીલેશનના રિલેસન :- રવિ ઈલા ભટ્ટ

जब तलक आज़ाद थे हर इक मसाफ़त* थी वबाल ।

जब पड़ी ज़ंजीर पैरों में सफ़र अच्छे लगे ।।

મસાફતઃ યાત્રા

આવતીકાલે ભારતનો સ્વાતંત્ર્ય દિન છે. દેશ આઝાદ થયાને સાત દાયકા થઈ ગયા. દેશ પોતાની રીતે બદલાતો રહ્યો અને તેની સાથેસાથે ભારતની જનરેશન પણ બદલાતી ગઈ. દેશ તો આગળ વધતો આવ્યો છે, વધી રહ્યો છે અને વધતો રહેશે પણ આજે વાત કરવી છે એવી પેઢીની જેની પાસે આઝાદીની કોઈ ચોક્કસ વ્યાખ્યા જ નથી. એક એવી પેઢી જેના મનમાં આઝાદી ખરેખર શું છે, સ્વતંત્રતાનો સાચો અર્થ શું છે અને તેના કરતાં પણ આગળ પોતાની જાતને શેનાથી સ્વતંત્રતા જોઈએ છે તે તમામ બાબતોનો કોઈ અણસાર જ નથી. આઝાદી વિશે, સ્વતંત્રતા વિશે કે પછી ફ્રીડમ અને સ્પેસ વિશે આજના લોકો વાતો કરે છે, ડિમાન્ડ કરે છે અને ગોસિપ પણ કરે છે. આ લોકોને ખરેખર ખબર છે કે તેઓ જે માગી રહ્યા છે તે શું છે.

આજના ભારત ઉપર નજર કરો તો ખ્યાલ આવશે કે જે પહેલાં અંગ્રેજોની ગુલામી કરતા લોકો હતા તે આજે પણ ગુલામી જ કરે છે. પહેલાં અંગ્રેજોના આદેશ માનતા હવે નેતાઓના માને છે. પહેલાં અંગ્રેજ અમલદારોના પગતળે કચડાયા હવે ભ્રષ્ટાચારી બાબુઓના પગતળે કચડાઈ રહ્યા છે. આપણને આજે ખબર જ નથી કે, આધુનિક ભારતને પણ સ્વતંત્ર થવાની જરૂર છે. અહીંયાં વસતો ભારતીય આજે પણ મુક્તિ ઝંખે છે. ગરીબ માણસ ઉપર નજર કરજો, તેની સાથે સમય પસાર કરજો ત્યારે ખ્યાલ આવશે કે તેને આ ગરીબીથી મુક્ત થવું છે. દેશમાં લાખો લોકો એવા છે જેમને બે ટંક ભોજન મળતું નથી. રહેવા માટે છત નથી, પહેરવા માટે પૂરતાં કપડાં નથી. આ લોકોને પણ આવી પીડામાંથી મુક્ત થવું છે. આપણો દેશ અવકાશમાં ડગ માંડી રહ્યો છે. ચંદ્ર ઉપર, મંગળ ઉપર યાન મોકલવામાં આવી રહ્યાં છે. ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરાઈ રહી છે. બીજી તરફ બિહાર જેવા રાજ્યમાં હજારો બાળકો ચિમકી તાવના કારણે મોતને ભેટી રહ્યાં છે. આપણી પાસે તેમની સારવાર માટે પૂરતા પૈસા નથી અથવા તો રાજ્યના ભ્રષ્ટ નેતાઓને આપવા નથી. રાસબરી ખાવાથી મોત થવાનાં ડિંડવાણાં ચલાવે રાખીએ છીએ. આ લાચારીમાંથી ભારતીયને મુક્ત થવું છે. આ પીડામાંથી તેને સ્વતંત્રતા જોઈએ છે.

મોદી સરકારે કાશ્મીરને કાયદાકીય ગૂંચવણમાંથી મુક્ત કરી દીધું પણ કાશ્મીરીઓએ ઘણી બાબતે સ્વતંત્ર થવાની જરૂર છે. તેમણે ભારત અને ભારતીયો પ્રત્યેના પૂર્વગ્રહથી મુક્ત થવાની જરૂર છે. તેમણે ભય અને પીડામાંથી મુક્ત થવાની જરૂર છે. તેમણે આતંકવાદના ઓછાયા હેઠળ રહેવામાંથી મુક્ત થવાની જરૂર છે. લોકોએ ભ્રષ્ટાચારથી મુક્ત થવાની જરૂર છે. તેમણે ભ્રષ્ટાચારને સર્વસ્વીકૃત શિષ્ટાચાર બનાવી દીધો છે. પટાવાળાથી શરૂ કરીને મોટામોટા આઈપીએસ અને આઈએએસ સુધીના લોકો કૌભાંડોમાં સલવાયા હોવાના સમાચારો આંતરે દિવસે મીડિયામાં આવતા હોય છે. આ જ અધિકારીઓ એક પાસેથી પૈસા લઈ બીજાને અન્યાય કરે છે. પોતાના પરિવાર માટે, નેતાઓના પરિવાર માટે આ લોકો કૌભાંડો કરે છે, જાહેરજનતાના પૈસા ચાંઉં કરી જાય છે, લોકો માટે સરકારે આપેલા પૈસામાં કટકીઓ થાય છે. બાબુઓની જોહુકમી ચાલતી હોય છે, તેમના આદેશ પ્રમાણે બધું ગોઠવાઈ જતું હોય છે. આવી ગોઠવણોથી મુક્ત થવાની જરૂર છે.

વ્યસનમુક્તિ અને સ્વચ્છતા બે મહત્ત્વનાં પાસાં છે. આપણે વ્યસન અને ગંદકીથી મુક્ત થવાની જરૂર છે. જ્યાંત્યાં પાનની પિચકારીઓ મારવામાં આપણને જરાય શરમ આવતી નથી. ચાર રસ્તે સિગ્નલ ઉપર ઊભા રહીને કે ચાલતી ગાડીમાં દરવાજો ખોલીને અથવા તો લિફ્ટમાં કે પછી ટૂ વ્હિલર ઉપર જવા દરમિયાન ગમે ત્યાં પાન-મસાલાની પિચકારી મારવાને લોકો સ્વેગ સમજે છે. આવી મનોવિકૃતિમાંથી મુક્તિ મેળવવાની જરૂર નથી. આવા નફ્ફ્ટ વ્યસનિયાઓ કરતાં પણ પાંગળા અને ડરપોક નિર્વ્યસનીઓએ તેમની માનસિકતામાંથી મુક્ત થવાની જરૂર છે. આ લોકો ગમે ત્યાં પિચકારીઓ મારે અને આપણે તેમને કશું કહેતા નથી. આપણી સામે ચાર રસ્તે સિગ્નલ ઉપર પ્રેમથી પાન-મસાલાના કોગળા કરશે અને આપણે તેમની આ કલાકારીગરીને જોઈ રહેવાની. આવી પાંગળી માનસિકતામાંથી પણ ભારતીયો અને આપણે મુક્ત થવાની જરૂર છે.

પૈસાના પ્રભુત્વ અને તેના કારણે આવતાં દૂષણોથી મુક્ત થવાની જરૂર છે. બીજી તરફ નિયમો તોડવાની માનસિકતામાંથી પણ આપણે મુક્ત થવાની જરૂર છે. ગમે ત્યારે સિગ્નલ તોડવું, બેફમ વાહન ચલાવવું, એક્સિડન્ટ કરીને નાસી જવું, અન્ય નિયમોનો ભંગ કરવો આપણા માટે ગર્વની વાત બનતી જાય છે. ઓળખાણો દ્વારા પોલીસને દબાવવી અથવા તો પૈસાના જોરે પોતાની પડખે કરી લેવી, ગુના દબાવી દેવા આ તમામ માનસિકતાઓથી દૂર થવાની જરૂર છે. વોટ માટે નોટ અને નોટ માટે વોટ જેવી માનસકિતાથી પણ મુક્તિ નહીં મળે ત્યાં સુધી સાચી સ્વતંત્રતા નહીં અનુભવાય. ચાલતા વૈષ્ણવદેવી જવાની બાધા રાખીને ઘરની સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરવાની માનસિકતાથી મુક્તિ મેળવવાની જરૂર છે. નાનકડી બાળકીઓને પીંખી નાખતા હેવાનોને પોષવાની માનસિકતામાંથી મુક્ત થવાની જરૂર છે. કોમવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, સંપ્રદાયવાદ વગેરેમાંથી મુક્ત થવાની પણ તાકીદે જરૂર ઊભી થઈ છે. માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને પોતાનાં સંતાનોને શ્રવણ બનાવવાની શિખામણ આપવાની દંભી વૃત્તિમાંથી મુક્ત થવાની જરૂર છે.

સૌથી મોટી બાબત છે કે વ્યક્તિએ પોતાના હુંપણાના વાદથી મુક્ત થવાની જરૂર છે. જ્યાં સુધી હું, મારું, મારા માટેનું એવો ભાવ નહીં છૂટે ત્યાં સુધી કશું જ નહીં છૂટે. માણસે નામમાંથી, સમાજમાંથી, પ્રદેશમાંથી, દેશમાંથી, વિશ્વમાંથી તમામ સ્તરેથી મુક્ત થવાની જરૂર છે. તેણે આ કોઈપણ પ્રકારના વાદમાંથી મુક્ત થવાની જરૂર છે, કારણ કે તેનાથી જ તે ઉપર જઈને માણસ બની શકશે નહીંતર કોઈ ને કોઈ વાદમાં અટવાઈ જશે અને પોતાનું તથા સમાજનું જાણેઅજાણે નુકસાન કર્યાં કરશે.

સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે રહેલી પાતળી ભેદરેખાને આપણે સમજતા નથી. મનગમતું કરવું તે સ્વતંત્રતા છે જ્યારે મનફવે તે સ્વચ્છંદતા છે. પતંગને માત્ર કિન્યા બાંધીને હવામાં ઉડાડી દેવો તે તેની સ્વચ્છંદતા છે. તે ગમે તે દિશામાં જાય છે અને પોતાને જ નુકસાન કરી બેસે છે. આ જ પતંગને જ્યારે દોરીએ બાંધીને હવામાં ઊંચે ચડાવવામાં આવે છે ત્યારે તે મનગમતી સ્વતંત્રતા માણે છે. તેને સંયમની દોરીથી પકડી રાખવામાં આવે છે. વ્યક્તિગત સ્વતંત્રતા પણ આવી જ હોય છે. સંયમ, મર્યાદા, નિયમો, પરંપરાઓ અને સંસ્કાર થકી મનગમતું કરી શકવાની સ્વતંત્રતા હજી પણ આપણે મેળવી શક્યા જ નથી.

આ સ્વતંત્રતા દિવસે પ્લાસ્ટિકના કે કાગળના અથવા કાપડના ત્રિરંગા લઈને રસ્તાઓ ઉપર નહીં નીકળીએ, ટૂ વ્હીલર ઉપર ચિચિયારીઓ પાડતા નહીં નીકળીયે તો ચાલશે પણ સ્વતંત્રતા દિવસની સંધ્યાએ આ જ ત્રિરંગાને રસ્તા ઉપર નહીં નાખીને, રસ્તા ઉપર ગંદકી નહીં કરીને, ટ્રાફ્કિા નિયમોનું પાલન કરીને, અન્ય નિયમોનું પાલન કરીને, ગમે ત્યાં પિચકારી નહીં મારીને, સ્ત્રી અને બાળકીઓનું સન્માન કરીને, આપણી રાષ્ટ્રીય ધરોહરની જાળવણી કરીને, સંસ્કારોનું જતન કરીને પણ સાચી સ્વતંત્રતાનો અનુભવ માણી શકીએ છીએ. આવી સ્વતંત્રતા મેળવવા માટે જ અલ્તાફ મશહદીએ કહ્યું છે,

फिर दयार-ए-हिन्द को आबाद करने के लिए ।

झूम कर उट्ठो वतन आज़ाद करने के लिए ।।

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન