ક્યારે અને કોની મળેલી બક્ષિશ કરમુક્ત ગણાય? - Sandesh

ક્યારે અને કોની મળેલી બક્ષિશ કરમુક્ત ગણાય?

 | 1:00 am IST

૧લી ઓક્ટોબર, ૧૯૯૮થી બક્ષિશવેરો નાબૂદ કરવામાં આવ્યા બાદ, બક્ષિશના માધ્ય દ્વારા ‘મની લોન્ડરિંગ’ની છટકબારી ઉપર અંકુશ મૂકવાના હેતુસર ૨૦૦૪ના નાણાકીય ધારા અન્વયે કલમ ૨(૨૪)(૧૩) તેમજ કલમ ૫૬(૨)(૫) હેઠળ આવકની વ્યાખ્યાના વ્યાપનો વિસ્તાર કરાયો. ૧લી એપ્રિલ, ૨૦૦૬થી ટેક્સેશન લોઝ એમેન્ડમેન્ટ એક્ટ, ૨૦૦૬ અન્વયે અમલી બનેલ કલમ ૫૬ (૨)(૬) હેઠળ ૧લી એપ્રિલ, ૨૦૦૬ કે ત્યાર બાદ વ્યક્તિ કે એચ.યુ.એફ.ને કોઈ પણ શખ્સ પાસેથી રૂ. ૫૦,૦૦૦થી વધુ રકમની મળેલી નાણાંની બક્ષિશ સંબંધી રકમના સંદર્ભમાં આવી મળેલી કુલ રકમના મૂલ્ય (whole of the aggregate value of such sum)ને કરપાત્ર આવક ગણવામાં આવશે.

વ્યક્તિને તેના ‘સગાં’ (relative) પાસેથી કુદરતી પ્રેમને કારણે મળેલી બક્ષિશની રકમ આવક તરીકે ગણાશે નહીં !

વ્યક્તિને તેના ‘સગાં’ (relative) પાસેથી કુદરતી પ્રેમને કારણે મળેલી બક્ષિશની રકમ કલમ ૫૬(૨) હેઠળ આવક તરીકે ગણાશે નહીં ! આ હેતુસર ‘સગાં’ની વ્યાખ્યામાં વ્યક્તિના માતા-પિતા ઉપરાંત (i) વ્યક્તિના લગ્નસાથી (spous), (ii) વ્યક્તિ કે તેના લગ્નસાથીના ભાઈ કે બહેન, (iii) વ્યક્તિના માતા-પિતાના ભાઈ કે બહેન, (iv) વ્યક્તિ કે તેના લગ્નસાથીના સીધા વંશજો (lineal ascendant or descendant) તેમજ (v) ઉપર જણાવેલ (ii)થી (iv) પૈકી કોઈ પણ વ્યક્તિના લગ્નસાથીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કલમના હેતુસર એચ.યુ.એફ.ના કોઈ સભ્ય દ્વારા પોતાના એચ.યુ.એફ. પાસેથી બક્ષિશ સ્વીકારવામાં આવે કે એચ.યુ.એફ.ના કોઈ સભ્ય દ્વારા પોતાના એચ.યુ.એફ.ને બક્ષિશ આપવામાં આવે તો તે સંજોગોમાં Relativeના ઉપરોકત અપવાદ હેઠળ કરમુક્તિનો લાભ મળે કે નહીં તે વિવાદનો મુદ્દો બની રહ્યો. આ મુદ્દા ઉપર ૨૦૧૧માં રાજકોટની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલે ‘વિનીતકુમાર રાઘવજીભાઈ ભાલોડિયા વિરુદ્ધ ઇન્કમટેક્સ ઓફિસર’ (140 TTJ 58(Raj.)ના કેસમાં આપેલા પોતાના ચુકાદામાં એવું ઠરાવ્યું કે  એચ.યુ.એફ.એ Group of relatives ગણાય અને તેથી એચ.યુ.એફ. પાસેથી તેના સભ્યને મળેલી બક્ષિશ કલમ ૫૬(૨) હેઠળ કરમુક્ત ગણાય.

HUFના કેસમાં Relativeની વ્યાખ્યામાં તેના સભ્યોનો સમાવેશ

કલમ ૫૬(૨)(૭)માં કરાયેલ સુધારા હેઠળ Relativeની વ્યાખ્યાનો વિસ્તાર કરીને એચ.યુ.એફ.ના કેસમાં તેના સભ્યો (Members)નો સમાવેશ થશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ સુધારાને લક્ષમાં રાખતાં વ્યક્તિને તેના એચ.યુ.એફ. પાસેથી મળેલી બક્ષિશના સંદર્ભમાં  આવકવેરાની કોઈ જવાબદારી ઉપસ્થિત થશે નહીં. અલબત્ત, આ સંદર્ભમાં એ ખ્યાલમાં રાખવું જરૂરી રહેશે કે, વ્યક્તિએ પોતાના એચ.યુ.એફ.ને બક્ષિશ આપી હોય તેવા કેસમાં તે એચ.યુ.એફ.ના હાથમાં કરપાત્ર આવક ગણાશે નહીં, પરંતુ આવી બક્ષિશમાંથી એચ.યુ.એફ.ને ઉદ્ભવતી આવક, કલમ ૬૪(૨) હેઠળ ‘ક્લબિંગ ઓફ ઇન્કમ’ની જોગવાઈઓના આધારે બક્ષિશ આપનાર વ્યક્તિના હાથમાં ઉમેરવામાં આવશે.

૧લી એપ્રિલ, ૨૦૧૭થી બક્ષિશની કરપાત્રતાનો વ્યાપ વિસ્તારાયો

૧લી એપ્રિલ, ૨૦૧૭થી બક્ષિશની કરપાત્રતાને માત્ર વ્યક્તિ તેમજ એચ.યુ.એફ.ના હાથમાં સીમિત નહીં રાખતાં કોઈ પણ શખ્સને મળતી રકમ જે વર્ષ દરમિયાન રૂ. ૫૦,૦૦૦થી વધુ થતી હોય તેને કલમ ૫૬(૨)(૧૦) હેઠળ નિયત જોગવાઈઓને આધીન કરપાત્ર ગણવામાં આવશે.

સાથોસાથ બક્ષિશની કરમુક્તિનો ઔવ્યાપનો પણ વિસ્તારાયો

કલમ ૪૭ હેઠળ હસ્તાંતર ન ગણાતા એવા કેટલાક વ્યવહારોને કલમ ૫૬(૨)(૧૦) હેઠળ બક્ષિશની કરપાત્રતાના વ્યાપમાંથી મુક્તિ આપવામાં આવી છે. વ્યક્તિ દ્વારા તેના ર્નિિદષ્ટ સગાંના લાભાર્થે સ્થાપવામાં આવતા પ્રાઈવેટ ટ્રસ્ટને મળતાં નાણાં કે વસ્તુના સંદર્ભમાં બક્ષિશની કરપાત્રતા ઉપસ્થિત થશે નહીં.

નીચે જણાવેલી રકમોને પણ ‘આવક’ ગણવામાં ઔઆવશે નહીં તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે !

વ્યક્તિના લગ્ન-પ્રસંગે તેને મળેલ રકમ.

વ્યક્તિ કે તેના એચ.યુ.એફ.ને વસિયત કે વારસામાં મળેલ રકમ.

વ્યક્તિ કે એચ.યુ.એફ.ને મળેલ કોઈ મૃત્યુ અપેક્ષિત રકમ (any sum recived in contemplation of death).

સ્થાનિક સંસ્થા, ફંડ કે ફાઉન્ડેશન, યુનિવર્સિટી કે અન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ કે તબીબી સંસ્થા તેમજ કલમ ૧૨એએ હેઠળ માન્ય કોઈ જાહેર ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા પાસેથી મળેલ રકમ.

રૂ. ૫૦,૦૦૦ની નાણાકીય મર્યાદા સંબંધી કેટલાક મહત્ત્વના મુદ્દા

વ્યક્તિ કે એચ.યુ.એફ.ને કોઈ એક શખ્સ પાસેથી મળેલ રૂ. ૫૦,૦૦૦થી વધુ રકમની બક્ષિશના સંદર્ભમાં બક્ષિશની સંપૂર્ણ રકમને કરપાત્ર આવક ગણવાની રહેશે અને આવી કરપાત્ર રકમમાંથી રૂ. ૫૦,૦૦૦ બાદ થઈ શકશે નહીં, તે ખ્યાલમાં રખવું ખાસ જરૂરી છે. ઉપરોક્ત સંદર્ભમાં એક રસપ્રદ પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે જો એક જ વર્ષ દરમિયાન વ્યક્તિ કે એચ.યુ.એફ. દ્વારા એક કરતાં વધુ શખ્સો પાસેથી પણ શખ્સ દીઠ રૂ. ૫૦,૦૦૦થી ઓછી રકમ બક્ષિશ તરીકે સ્વીકારવામાં આવી હોય તો તેનો કરપાત્ર આવકમાં સમાવેશ થઈ શકે કેમ ? કલમ ૫૬(૨)(૬)ની કલમમાં કરાયેલા સુધારા અન્વયે ૧લી એપ્રિલ, ૨૦૦૬થી કરાયેલ બક્ષિશના સંદર્ભમાં કોઇ પણ શખ્સ કે શખ્સો પાસેથી વર્ષ દરમિયાન મળેલ કુલ રકમો (the aggregate of such sums received from any person or persons), જો રૂ. ૫૦,૦૦૦થી વધુ હોય તો તેવી તમામ રકમોને કરપાત્ર આવક ગણવા માટેની જોગવાઈ કરવામાં આવી છે.

કુટંુબના સભ્યોને બક્ષિશોના યોજનાપૂર્વક આયોજન દ્વારા વ્યક્તિ આવકવેરામાંથી રાહત કેવી રીતે મેળવી શકે ?

આવકવેરાની જવાબદારીનો બોજો કરદાતાએ નિયમિત સ્વરૂપે એટલે કે પ્રતિ વર્ષ સહન કરવાનો હોય છે. આ સંદર્ભમાં જો કરદાતા પોતાના કુટુંબના સભ્યોને, પોતાની મિલકતમાંથી બક્ષિશો કરવાનું યોજનાપૂર્વક આયોજન કરે તો તે કરવેરા આયોજનની દૃષ્ટિએ ઘણાં ઉપયોગી લાભો મેળવી શકે. આ બાબત સંબંધી સ્પષ્ટ ખ્યાલ નીચે સમજાવેલા દૃષ્ટાંત પરથી આવી શકશે.

દૃષ્ટાંત : એક કરદાતાની વાર્ષિક કરપાત્ર આવક રૂ. ૧૦,૦૦,૦૦૦ છે. કરદાતાની કુલ મિલકતોમાં રૂ. ૫૦,૦૦,૦૦૦ની રકમ ડિપોઝિટના સ્વરૂપે છે, જેના ઉપર તેને વાર્ષિક ૮% લેખે રૂ. ૪,૦૦,૦૦૦ની કરપાત્ર આવક થાય છે. રૂ. ૧૦,૦૦,૦૦૦ની આવક ઉપર આકારણી વર્ષ ૨૦૧૮-૧૯ માટે કરદાતાએ રૂ. ૧,૧૨,૫૦૦નો આવકવેરો ભરવાનો થાય. આ કેસમાં જો કરદાતા તેના કુટુંબના સભ્યો પૈકી જેને કોઈ કરપાત્ર આવક ન હોય તેવા પુખ્ત ઉંમરના પુત્ર કે પુત્રીને ઉપરોક્ત રૂ. ૫૦,૦૦,૦૦૦ની ડિપોઝિટની બક્ષિશ કરે તો તેની વાર્ષિક કરપાત્ર આવક હવે રૂ. ૧૦,૦૦,૦૦૦ને બદલે (રૂ. ૪,૦૦,૦૦૦ની વ્યાજ આવક નીકળી જતાં) રૂ. ૬,૦૦,૦૦૦ થતાં તેને રૂ. ૧,૧૨,૫૦૦ને બદલે રૂ. ૩૨,૫૦૦નો આવકવેરો ભરવાનો થાય. આમ, કરદાતાને રૂ. ૮૦,૦૦૦ની આવકવેરાની રાહત મળે. કરદાતાના પુખ્ત ઉંમરના પુત્ર કે પુત્રીના હાથમાં બક્ષિશ મળેલી ડિપોઝિટમાંથી ઉદ્ભવતી રૂ. ૪,૦૦,૦૦૦ની આવક ઉપર કલમ ૮૦સી હેઠળના રોકાણો કરીને શૂન્ય આવકવેરો ભરવાનું સહજ આયોજન થઇ શકે. આમ ઉપરોક્ત આયોજનનો આધાર લઈને કરદાતાના કુટુંબને વર્ષોવર્ષ રૂ. ૮૦,૦૦૦ની આવકવેરામાં ચોખ્ખી બચતનો લાભ ઉત્તરોત્તર વધતા પ્રમાણમાં મળી શકે.