ક્યારે બનીશ હું સાચો સંત, ક્યારે થશે મારા ભવનો અંત - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • ક્યારે બનીશ હું સાચો સંત, ક્યારે થશે મારા ભવનો અંત

ક્યારે બનીશ હું સાચો સંત, ક્યારે થશે મારા ભવનો અંત

 | 1:32 am IST

જૈન દર્શન: નરેશ એ. મદ્રાસી

જૈન દર્શન અંતગર્ત પૂર્વ અધ્યાયમાં વૈરાગ્યના વિવિધ અધ્યાય પર સંવાદ કર્યો. આ સાંપ્રત અધ્યાયમાં વૈરાગ્યની પાવન ભૂમિકાથી સંયમ સ્વીકાર સુધીની યાત્રા વિશે વિચારણા કરીશું.

પૂર્વ અધ્યાયોમાં વિદિત કર્યું હતું કે, આપણે સૌ નિમિત્તવાસી છીએ. અનાદિ કાલના રાગ અને દ્રેષ, મોહ તથા ભ્રમણાના એવાં સંસ્કારોથી પ્રભાવિત થઇ જઈએ છીએ કે, અશુભ નિમિત્ત પ્રાપ્ત થતા જ, નિમ્ન કક્ષાનું પતન થાય છે. તેથી જ પ્રભુ વીરે ગુરુ ગૌતમને સતત બોધ પ્રસાર્યો.

“હે ગૌતમ ! ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં”. સર્વજ્ઞા, વીતરાગ એવા પ્રભુ વીરના વચનમાં શ્રી આગમ સૂત્રનો સાર છુપાયેલો છે. સંસાર પરિભ્રમણથી મુક્ત થવાનું જ લક્ષ્ય જયારે હોય છે ત્યારે, સાધના જ ધ્યેય બની જાય છે. પ્રત્યેક ક્ષણે મનની પરિણતિ, વિચારધારા, પાવન અને પાવનતર થવી જોઈએ. ત્યારે જ આત્માની દુર્દશા કરનારું એક પણ નિમિત્ત પ્રભુ વચન પ્રમાણે સ્વીકાર્ય નથી. જાગૃતિ સતત રાખવાની છે અને પુરુષાર્થ કરવાનો છે. ત્યારે જ કોઈક ધન્ય ક્ષણે મુક્ત સ્વરૂપ પ્રાપ્ત થાય છે. સંયમ માર્ગના સ્વીકાર માટે ઉત્સુક એવા મુમુક્ષુએ આવી ઉચ્ચ વિચારધારાની શિક્ષા પ્રાપ્ત કરવાની છે. જેથી વૈરાગ્ય ક્ષણિક નહીં, ચિરંજીવ બને, ઉત્સાહમાં વૃદ્ધિ થતી રહે. સંવાદ કરીએ.

જેને મોક્ષની અભિલાષા છે અને તે માટે પુરુષાર્થ કરે છે તેવા મુમુક્ષુએ સ્વ- વૈરાગ્યની અભિવૃદ્ધિ માટે સ્વાધ્યાય અને અભ્યાસ તો કરવાના જ છે. સંગાથે ગુરુછાયામાં રહીને સંયમ જીવનના અંશ સમાન પાદ વિહાર અને તે પણ અડવા પગે, મર્યાદા યુક્ત વેશ, ધારણ, તપ, પરિમિત આહાર ગ્રહણ કરવા, આદિ સાધનાનો તે સ્વીકાર કરે છે. પ્રભુ વીરે ચતુવિદ શ્રી સંઘની સ્થાપના કરી. તે સંઘના પ્રધાન સ્વરૂપે અગિયાર ગણધર ભગવંતો અને નવ ગણ હતા. પરંતુ પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામીજી, જેઓનું સર્વાધિક આયુષ્ય હતું, તેઓ પ્રથમ પટ્ટધર રૂપે પ્રતિષ્ઠિત થયા. અન્ય સર્વે ગણધર ભગવંતોની પરંપરા શ્રી સુધર્મા સ્વામીજીની શાખામાં સંમિલિત થઇ ગઈ. કાળક્રમે શિષ્યો, પ્રશિષ્યો, દ્વારા આ પરંપરામાં વિવિધ કુળ, શાખા, ગચ્છ અને સમુદાયનું સર્જન થયું. બાહ્ય સ્વરૂપે અલગ લાગતા આ સર્વે સમુદાય મૂળભૂત રૂપે તો એક અને સમાન છે. છતાં છધ્મસ્થ અવસ્થા, એટલે કે સર્વજ્ઞાપણુ પ્રાપ્ત કર્યા તે પૂર્વેની અવસ્થા, ધાતિ કર્મોથી પ્રભાવિત અવસ્થા હોવાથી, તે મુમુક્ષ – સાધકને ઔકોઈક એક સમુદાયના નિશ્ચિત સાધુ/ સાધ્વીજી પ્રત્યે એવો વિશેષ પ્રકારનો સંબંધ બંધાય છે જેને પોતાના ગુરુ / ગુરુણી રૂપે પ્રતિષ્ઠિત કરવા તે સાધક ઉત્સુક હોય છે. તે માટે તે પૂજ્ય ગુરુ / ગુરુણી સંગાથે સંયમ સ્વીકારની પૂર્વ ભૂમિકારૂપ સાધના કરે છે જેથી પોતાના પરિણામ, વિચારધારા અને પરસ્પરની સંવાદિતાનો ખ્યાલ આવે.

આ સંબંધમાં પણ કશુંક સૂચક છે. જે ક્યાંક તો કર્મના સમીકરણ પ્રમાણે બનતું હોય છે. ગુરુની પરીક્ષા નથી કરવાની. પણ તે ગુરુ / ગુરુણીના માર્ગદર્શન, સૂચન, ટકોર અને શિક્ષા પ્રમાણે હું સાધના કરી શકીશ કે નહીં એવું સ્વ પરિક્ષણ કરવાનું છે. ગુરુ / ગુરુણી પણ કર્મ જન્ય સંયોગ પ્રમાણે ક્યારેક કષાય કરે તો તેવા સમયે તેમનો અપલાપ નહીં કરતા, તથા વિચારથી પામર નહીં બનતા હું સાધના કરી શકીશ? સમભાવ રાખી શકીશ? આવી વિચારધારા આવા સમય અંતર્ગત આવે છે. જો વૈરાગ્ય તીવ્ર હશે તો સ્વને તે પ્રમાણે ઘડવાનો પુરુષાર્થ થશે. અને વૈરાગ્ય કદાચને તીવ્ર નહીં હશે તો ખ્યાલ આવશે કે આવા સંયોગ જો આકાર લેશે તો મારે શું કરવું? એ પ્રમાણે જ ગુરુ / ગુરુણી પણ થનાર શિષ્ય/શિષ્યાના સ્વભાવ, પ્રકૃતિથી પરિચિત થશે અને આવશ્યક માર્ગદર્શન આપી શકશે. સાધનાનો આ સેતુ અત્યંત સંવેદનશીલ હોય છે. જો સાચી દિશામાં પુરુષાર્થ હશે તો અંતરંગ પ્રેમ વધશે. અને સાચા અર્થમાં ગુરુ અને શિષ્યનો જન્મ થશે.

સાધનાની આ યાત્રા જયારે શિખરને સ્પર્શે છે ત્યારે સંયમ સ્વીકારવાનું નિર્ધારિત થાય છે. તે પ્રમાણે શુભમિતિ અને મુહૂર્તનું શોધન કરવામાં આવે છે. તે નિશ્ચિત થતા પરિવારમાં ઉત્સવનું પર્યાવરણ સર્જાય છે. બેશક ! પરિવારનો અંતરંગ સભ્ય સાધનાના આ માર્ગનો યાત્રિક બનવાનો છે ત્યારે, થનારા ખાલીપાના કારણે મિશ્ર લાગણીની પણ અનુભૂતિ થઇ શકે છે. પુત્ર-પુત્રી, માતા-પિતા, ભાઈ- બહેન આ માર્ગે જાય છે, જે સર્વથા શ્રેષ્ઠ હોવાથી પ્રિય બને છે, તેનો અવશ્ય આનંદ હોય છે. પરંતુ જે તે સંસારિક સંબંધનો અંત આવવાનો છે તેથી તે પ્રકારની લાગણીની પણ અનુભૂતિ થાય છે. આ સંવેદના, મુમુક્ષુને પ્રભાવિત નહીં કરે, વૈરાગ્યને ઝાંખો નહીં કરે, તે માટે પરિવારે જાગૃતિ રાખવી આવશ્યક બની જાય છે. મુમુક્ષુ એ પણ ધર્મ, શાસન, સંસ્કાર, વૈરાગ્યને ઝાંખપ નહીં લાગે તે પ્રમાણે વિવેક અને પ્રજ્ઞાા ધારણ કરવાના હોય છે. સતત વિચારધારાને વહેતી રાખવાની છે કે મારા આત્માના ઉધ્ધાર માટે સંયમનો સ્વીકાર કરવા જઈ રહ્યો છું. ત્યારે દ્વેષથી પૂર્ણ રૂપે મુક્ત થઈને, સંસારના સર્વે જીવો પ્રત્યે મૈત્રીભાવનું નિર્માણ કરવાનું છે. અને તેથી જ પૂર્વ અવસ્થામાં કોઈક પ્રત્યે અવિનય, અવિવેક, કે શત્રુભાવ થયો હોય તે સર્વેની મન, વચન કાયાથી ક્ષમા પ્રાથી, નિર્મળ બનવું અત્યંત આવશ્યક છે. વિશેષમાં પૂર્વ અવસ્થામાં આર્થિક વ્યવહાર જે કર્યા હોય તે પણ પૂર્ણ રૂપે શુદ્ધ તથા દેવા મુક્ત કરવાથી સંયમ માર્ગ પ્રયાણ તથા સ્વીકાર અત્યંત પ્રિય બનશે. આર્થિક વ્યવહાર અને દાયિત્વ પૂર્ણ નહીં થાય તો ક્યારેક આ માર્ગે જતા મુમુક્ષુ પ્રત્યે જે તે વ્યક્તિને દ્વેષ થઇ શકે છે, જે યોગ્ય નથી. સાધનાનો માર્ગ સૌને ઇષ્ટ અને પ્રિય બને તે માટે આ વ્યવહાર નિર્મળ કરવા જોઈએ. આ અભિગમથી મન, વચન, કાયા અને આચાર અને વિચારથી પાવન થતા જવાનું છે. અને પરિણામે પ્રાપ્ત થતું સંયમ સ્વ અને પર સૌને પરમ ઉપકારી અને શ્રેયકારી બને છે.

મુમુક્ષુના સંયમ ગ્રહણના મુહૂર્ત પ્રદાન પશ્ચાત મુમુક્ષુને પોતાના ગૃહ આંગણે પધારવાનું અનેક પરિવાર આમંત્રણ આપે છે. એવું પ્રમાણ છે કે, મુમુક્ષુને આવા ગૃહ નિમંત્રણથી વૈરાગ્યના અન્ય અનેક દીવા પ્રજ્વલિ ઊઠે છે. એકની આ સાધના યાત્રા અનેકના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. વ્યસન, નશો, જુગટુ તથા વ્યભિચારના કારણે પોતાના જીવનને તથા પરિવારને તીવ્ર ક્ષતિ કરતા અનેકના જીવનમાં પૂર્ણ રૂપે પરિવર્તન આવે છે અને સમાજ સુધારણાનું એક અનેરું અનુષ્ઠાન સ્વયં પણે આકાર લે છે. સાચા વૈરાગ્યની પૂર્વ ભૂમિકા પણ આ પ્રમાણે ઉપકારી છે.

સમયાંતરે સંયમ સ્વીકારની શુભમિતિ સાવ સમીપ આવે છે અને મુમુક્ષુના ભોગ અને ઉપભોગના ત્યાગ રૂપ, તથા પરિગ્રહ-મૂર્છાથી મુક્ત થવા માટે, જેને જૈન દર્શનની પરિભાષામાં વર્ષીદાન રૂપે અત્યંત પ્રચલિત એવું દાન કહેવામાં આવે છે તે આપવામાં આવે છે. ખ્યાલ રાખીએ આ વર્ષીદાન, ક્ષાત્રતેજ પૂર્વક, મૂર્છાનો ત્યાગ કરવા માટે છે. નહીં કે પોતાના વૈભવ અને સમૃદ્ધિનું જગતને દર્શન કરાવવા માટે. અને તેથી જ વર્ષીદાન અનુમોદનનું કારણ બને એ જાગૃતિ રાખવાની છે.

આવા શૂરવીરતાના માર્ગ પર સાચા મુમુક્ષુએ ડગ માંડી સંયમ સ્વીકારની પૂર્વ ભૂમિકાનું સર્જન કરવાનું છે. જેનું સૌંદર્ય અમાપ, સુગંધી અને સૌને માણવાનું પ્રિય લાગે એવા પર્યાવરણનું સર્જન થાય એ આ અધ્યાયનો સંદેશ છે.

[email protected]