જ્યારે મુખ્યમંત્રીના મકાનમાં બાથરૂમને નળ પણ નહોતા - Sandesh
  • Home
  • Columnist
  • Chini Kam
  • જ્યારે મુખ્યમંત્રીના મકાનમાં બાથરૂમને નળ પણ નહોતા

જ્યારે મુખ્યમંત્રીના મકાનમાં બાથરૂમને નળ પણ નહોતા

 | 4:16 am IST

ચીની કમ

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ગુજરાતના એક સાદગીપૂર્ણ નેતાના જીવનનો આ ફ્લેશબેક છે. આજે  ગુજરાતના એક વિચક્ષણ રાજપુરુષ એવા ઢેબરભાઈને કોઈ યાદ કરતું નથી. બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે, શરૂઆતમાં ગુજરાત એ મુંબઈ રાજ્યનો એક ભાગ હતું ત્યારે સૌરાષ્ટ્ર એક અલગ રાજ્ય હતું અને તેના મુખ્યમંત્રી તરીકે ઢેબરભાઈ અર્થાત્ ઉછરંગરાય ઢેબર હતા.

વ્યવસાયે વકીલ એવા ઢેબરભાઈના પ્રેરણામૂર્તિ ગાંધીજી અને ટોલ્સટોય હતા. ગાંધીજીના સંસર્ગમાં આવ્યા બાદ તેમણે વકીલાત છોડી દીધી. તેઓ જાહેર જીવનમાં જોડાયા ત્યારે તેમણે જે પાંચ વાતો સ્વીકારી તેમાં (૧) સાદગી (૨) લોકાભિમુખતા (૩) સાધન શુદ્ધિની અસર (૪) વેરનો અભાવ અને (૫) ધારાને મહત્ત્વનો સમાવેશ થાય છે.

પ્રથમ મુખ્યમંત્રી

તા. ૧લી મે, ૧૯૪૮ના રોજ મહારાજા જામ દિગ્વિજયસિંહને સૌરાષ્ટ્રના પ્રથમ રાજપ્રમુખ (ગવર્નર) નીમવામાં આવ્યા. તેમણે તા. ૧૬મી ફેબ્રુઆરીએ ઉછરંગરાય ઢેબરનો સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તરીકે સોગંદવિધિ કરાવડાવ્યો.

મુખ્યમંત્રી બન્યા પછી ઢેબરભાઈ રાજકોટમાં કોઈ પણ જાતના ર્ફિનચર વગરના ઓરડાના મકાનમાં રહેવા ગયા. તેઓ જે ઘરમાં રહેતા હતા તેની અંદર બાથરૂમ નહોતો. બહાર બાથરૂમ હતો, પણ નળ નહોતો. પાણીની ડોલ લઈ નહાવા જવું પડતું.  મુખ્યમંત્રીના સૂવાના ઓરડામાં પાટીનો ખાટલો હતો. તેઓ વિધૂર હતા અને એકલા જ રહેતા હતા. મુલાકાતીઓ માટે સોફા કે ખુરશીઓ નહોતા. સાદી શેતરંજી જ પાથરવામાં આવતી. જે આવેલ મુલાકાતીઓએ શેતરંજી પર જ બેસવું પડતું.

રોજ સવાર પડે એટલે મુખ્યમંત્રીની કચેરી પ્રાંગણમાં એક વૃક્ષ નીચે જ શરૂ થઈ જાય. મુખ્યમંત્રી ખુદ શેતરંજી પર બેસતા. પાછળ નાનો તકિયો રાખતા. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રોકટોક વગર આવી શકતી. લોકો તેમની તકલીફો વર્ણવતા અને ઢેબરભાઈ ત્યાં ને ત્યાં જ અધિકારીને નિયમ બતાવી સૂચના આપે. કોઈ પહેરણ માગવા પણ આવી જતું.

મંત્રીઓના વેતન કેટલા ?

એ વખતે સ્વરાજ્ય મેળવવાનો ઊમળકો હતો. બધાં જ મંત્રીઓને એક જ સ્થળે રહેવા, એક જ રસોડે જમવા અને એક જ વાહનમાં ફરવા ઢેબરભાઈએ સૂચવ્યું હતું, પણ મંત્રીઓએ પોતપોતાની રીતે રહેવાનું પસંદ કર્યું. કોંગ્રેસ મહાસમિતિએ ગાંધીજીની ઈચ્છા પ્રમાણે મંત્રીઓને માસિક રૂ. ૫૦૦નું વેતન, એક નિવાસસ્થાન અને માસિક રૂ. ૨૦૦ના નિભાવવાળી મોટર આપવા ઠરાવ્યું હતું. મુખ્યમંત્રી દર વર્ષે રૂ. ૫,૦૦૦ વાપરી શકે તેમ નક્કી થયું હતું. ઢેબરભાઈ મુખ્યમંત્રી તરીકે બે ઓરડાના જે મકાનમાં રહેતા હતા તે ખરેખર તો રાજકોટના તે વખતના ડોક્ટર કેશુભાઈનું જૂનું અને જર્જરિત સેનેટોરિયમ હતું.

શું કામ છે બાપા ?

મુખ્યમંત્રી તરીકે ઢેબરભાઈ પ્રજાની તકલીફો જાણવા પ્રવાસ પણ કરતા. એક વાર તેઓ વલ્લભીપુર ગયા હતા. ઢેબરભાઈ સરઘસમાં જોડાયા હતા. એક ડોસો વારેવારે મુખ્યમંત્રીની પાછળ ચાલતાં ચાલતાં તેમનો ઝભ્ભો ખેંચી રહ્યો હતો. ઢેબરભાઈ પાછળ જુએ એટલે ડોસો ઝભ્ભો મૂકી દે. મહોલ્લામાં પહોંચ્યા પછી ઢેબરભાઈએ ડોસાને બોલાવ્યો અને પૂછયું : ”શું કહેવાનું છે, બાપા તમારે ?”

ડોસો બોલ્યો : ”મારા દીકરાની વહુ ભાગી ગઈ છે. તેને પાછી લાવી દો.”

”મારપીટ કરી હતી ?”

”તે તો કરવી જ પડે ને ? બાઈયું સરખી ના ચાલે તો ઝૂડવીયે પડે.”

ઢેબરભાઈ બોલ્યા : ”બાપા, એમ ના થાય. હવે સ્વરાજ્ય આવ્યું. બાઈયુંને ના મરાય. ભાઈ ને બાઈ બધાં સરખાં.”

ડોસો મોં બગાડી બોલ્યો : ”એવું સ્વરાજ્ય અમારે નથી જોઈતું.”

ઢેબરભાઈ હસીને કહેતા : ”એ તો હવે આવી ગયું. દીકરાની વહુને સમજાવવા કોઈને મોકલો.”

એમ કહી વાત પૂરી કરતાં.

તિજોરી ખાલી

સૌરાષ્ટ્રનું રાજ્ય થયું ત્યારે તિજોરીમાં કોઈ ખાસ નાણાં નહોતાં. શરૂઆતમાં તો સરકારે નાનજીભાઈ નામની એક વ્યક્તિ પાસેથી લોન લેવી પડી હતી. એમાંયે ઉપરાઉપરી બે દુકાળ પડયા. કેટલાક અણસમજુ લોકો તેને ‘ઢેબરિયો દુકાળ’ કહેતા. ઢેબરભાઈએ આખા મંત્રીમંડળને દુષ્કાળ રાહતના કામમાં જોતરી દીધું. ગામેગામ કામો શરૂ કરાવ્યાં. દરેકને પોતાના ગામમાં જ કામ અપાવ્યાં. તેઓ કહેતા : ”બાઈઓ કેમ કરી છોકરાંઓને દૂર લઈ જઈ શકશે ? કોઈ કામ ના હોય તો ખાડા ખાબોચિયાં પણ કરાવો. સ્વરાજ આવ્યું છે. કોઈને ભૂખે-તરસે મરવા નહીં દઉં.”

ખુદ ચર્ચિલે પણ સૌરાષ્ટ્રના દુષ્કાળમાં ઢેબરભાઈના કામની પ્રશસ્તિ કરી અને દુષ્કાળ વખતે સરકારે કરેલા કામથી પ્રજા પણ એક તાંતણે બંધાઈ.

ઢેબરભાઈએ તેમના ટૂંકા શાસનમાં જમીનદારી નાબૂદીનું અભૂતપૂર્વ કાર્ય કર્યું. એ વખતે સૌરાષ્ટ્રમાં ૪,૪૧૫ ગામ-શહેરો હતાં.  ‘કુંવર પછેડી વેરો’, ‘બાઈ વેરો’, ‘સાંતી વેરો’, ‘કામદાર વેરો’, ‘ઝાંપા વેરો’, ‘મુઠ્ઠી-ચપટી વેરો’ અને ‘ચૂલા-ચરખા વેરો’ આવા ૯૧ વેરા હતા અને વેઠવેરો તો ખરો જ. ઢેબરભાઈએ ખેડૂતો અને ગિરાસદારો વચ્ચે સમાધાન કરાવવા ખૂબ કોશિશ કરી, ગિરાસદારોને પણ ખેડૂત બનાવ્યા. ખેડૂતોને પણ તેમની જમીન પરનો અધિકાર મળી રહ્યો. સરદાર બાગમાં ખુદ ગિરાસદારોએ ખેડૂતોનાં મોં મીઠાં કરાવ્યાં. લાખો ખેડૂતોની જમીનો બેઉ પક્ષે મળીને વહેંચવાની હતી. બધાં જ રચનાત્મક કાર્યકરો અને રાજકીય કાર્યકરોને ઢેબરભાઈએ જાતે તાલીમ આપી અને તાલુકે તાલુકે સમયમર્યાદામાં આ ગંજાવર પ્રશ્ન બે જ વર્ષમાં ઉકેલી નાખ્યો. એકંદરે ૩૦ લાખ એકર જમીન ખેડૂતોના કબજામાં ગઈ અને સાત લાખ એકર જમીન ખેડૂત બનેલા ગિરાસદારો પાસે રહી.

ખેડે તેની જમીન

ઢેબરભાઈની કુનેહનું આ સુખદ્ પરિણામ હતું. ‘ખેડે તેની જમીન’ એ સૂત્ર ઢેબરભાઈએ આપ્યું હતું.

આવા ઢેબરભાઈ એ વખતના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના પ્રીતિપાત્ર હતા. તા. ૨૦મી ડિસેમ્બર, ૧૯૫૪ના રોજ મુખ્યમંત્રી પદેથી નિવૃત્ત થયા અને તે પછી જવાહરલાલ નહેરુએ તેમને અખિલ ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવ્યા. જવાહરલાલ નહેરુ અને ગોવિંદ વલ્લભ પંત પણ જમીન સુધારણાના કાયદા અંગે ઢેબરભાઈની સલાહ લેતા.

‘ખેડે તેની જમીન’નું સૂત્ર આપનાર અને સાદગીના સાચુકલા પ્રતીક એવા ઢેબરભાઈને આજે કોઈ યાદ કરતું નથી.