...જ્યારે દોસ્તી બોજો બને.! - Sandesh

…જ્યારે દોસ્તી બોજો બને.!

 | 8:53 pm IST

યૂથ કોર્નર । અર્જુનસિંહ રાઉલજી

દોસ્તી કરવી એ ઘણી સારી વાત છે પણ દોસ્તી જોઈ વિચારીને કરો. આજકાલ ઈન્ટરનેટના કારણે સોશિયલ સાઈટ્સ પર સરળતાથી દોસ્તી થઈ જાય છે. આ પ્રકારની દોસ્તી ગળામાં ગાળિયો બની જાય, તે પહેલાં સાવધાન થઈ જાવ.

સ્નેહાની બર્થ ડે પાર્ટીમાં જ્યારે શ્યામ પહેલી વાર સુધાને મળ્યો ત્યારે તેની વાતો અને વિચારોથી તે એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તેને ફરી વાર મળવાની તક શોધવા લાગ્યો. ઘણાં પ્રયત્નો કર્યા પછી શ્યામને સુધાને મળવાની તક મળી જ ગઈ. આ વખતે શ્યામ તેની સાથે દોસ્તી સફળ થઈ જ ગયો. સુધાએ પણ તેની ફ્રેન્ડશિપ પ્રપોઝલ સ્વીકારી લીધી. બસ, ત્યારથી તેમની મિલન-મુલાકાતો અને વાતચીતનો દોર શરૂ થઈ ગયો… પછી તો શ્યામ પોતાના સુધા તરફના આકર્ષણને વધારે લાંબો સમય છુપાવી શક્યો નહીં.

શ્યામનો કેયરિંગ નેચર સુધાને પણ પસંદ પડવા લાગ્યો. શ્યામ અને સુધા ખૂબ સારા મિત્રો બની ગયા, પરંતુ સુધા આ રિલેશનશિપને જ્યારે દોસ્તીનું નામ આપતી હતી ત્યારે જ શ્યામ તેને પ્યાર સમજી રહ્યો હતો. સુધાને જ્યારે શ્યામની આ ફિલિંગ્સની ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું અને શ્યામ સુધાનો દીવાનો બની ગયો હતો. તેને સુધા સાથે વાત કરવાની ટેવ પડી ગઈ હતી. દિવસમાં દસ વખત ફોન કોલ્સ અને ઈન્ટરનેટ ચેટિંગ તેની દિનચર્યાનો એક ભાગ બની ગયો હતો…!

હવે તો શ્યામ મનોમન સુધાને મેળવવાની તમન્ના મનમાં ને મનમાં પોષી રહ્યો હતો. એટલું જ નહીં પણ શ્યામે હવે તો સુધાની જાસૂસી પણ શરૂ કરી દીધી હતી. આખો દિવસ શ્યામના પ્રશ્નો અને તેની શંકાસ્પદ નજરોથી ઘેરાયેલા રહેવાનું હવે તો સુધાને એક જેલ જેવું લાગવા માંડયું હતું. શ્યામની આવી વર્તણૂક હવે તો પાગલપનની સીમા પણ પાર કરી ચૂકી હતી જેના કારણે સુધાને હવે આ દોસ્તી એક બોજ જેવી લાગવા માંડી હતી…!

હવે સુધા શ્યામથી છુટકારો મેળવવા માટે ધમપછાડા મારતી હતી પરંતુ શ્યામથી છૂટવાનું એટલું સરળ નહોતું. કોઈ ને કોઈ કારણે તે શ્યામ સાથેના પોતાના જોડાણનો અંત લાવી શકતી નહોતી.

અજાણી વ્યક્તિની સાથે દોસ્તી

સુધા એકલી જ એવી યુવતી નથી કે જે આ રીતે અણગમતી દોસ્તીની જાળમાં ફસાઈ ગઈ હોય. આવી યુવતીઓની કમી નથી જે કોઈ પણ રીતે ન ગમતી વ્યક્તિ સાથેની દોસ્તીના બોજને ખેંચી રહી હોય. કોઈક પ્રકારના ઈમોશનલ એટેચમેન્ટના કારણે તેઓ પોતાના ન ગમતા દોસ્તનો પણ સાથ છોડી શકતી નથી, તો કોઈક વળી પોતાના અંગત સ્વાર્થના કારણે આવી દોસ્તી નભાવી રહી હોય છે, પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊઠે છે કે, આવી અજાણી અને અણગમતી વ્યક્તિ દોસ્ત કેવી રીતે બની જાય છે? આ પ્રશ્નના જવાબમાં મુંબઈની મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરનાર યુવતી કહે છે કે, યુવતીઓની માનસિકતા હોય છે કે, તેમને કોઈક સપોર્ટ કરનારું હોવું જોઈએ. મોટા ભાગની યુવવતીઓ જલન અને પ્રતિસ્પર્ધાના કારણે પોતાની સહેલીનો એટલો બધો સાથ આપી શકતી નથી જેટલો એક યુવા દોસ્ત પોતાના મિત્રનો સાથ આપે છે…! આવા સંજોગોમાં યુવક અજાણ હોય કે જાણીતો, થોડોક સપોર્ટ મળતાં જ યુવતીઓ તેની સાથે ઈમોશનલી પણ એટેચ થઈ જાય છે.

કેમ ગમે છે- યુવકોનો સાથ?

કેટલીક વખત એવું જોવામાં આવે છે કે, જે યુવતીઓનો સમય મોટા ભાગે યુવતીઓ સાથે જ પસાર થતો હોય તેઓ હંમેશાં પોતાના વિરુદ્ધ લિંગી યુવકો તરફ આકર્ષાયેલી જ રહે છે. મોટા ભાગના કેસોમાં યુવતીઓ યુવકો અને તેમની વર્તણૂક અને વ્યવહારને ઓળખવામાં નિષ્ફળ નીવડે છે. બસ, જે પણ યુવક તેમને થોડોક પણ સભ્ય અને વ્યવહારકુશળ લાગે અથવા તેમની સામે પોતાની સ્વચ્છ અને સાફસુથરી તસવીર રજૂ કરે તેઓ તેને જ ખૂબ સારો માની લે છે, પરંતુ દોસ્તીની આડમાં યુવક તેમનો ફાયદો પણ ઉઠાવી શકે છે એ બાબત જ તે નજરઅંદાજ કરી દે છે. આ બાબતે પોતાનું મંતવ્ય આપતાં બાલાજી એક્શન મેડિકલ ઈન્સ્ટિટયૂટનાં સાયકોલોજિસ્ટ શીલા અસ્થાના કહે છે કે, ”આ એક મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયા છે કે જે જેના સંપર્કમાં વધારે હોય છે તેના વિશે જાણવાની ઉત્સુકતા તેને જ વધારે હોય છે.” ”યુવતીઓમાં પણ પોતાના વિપરીત લિંગી વિશે જાણવાની અને સમજવાની લાલચ વધારે હોય છે. આ માટે જે સમાજમાં યુવતીઓ યુવકોના સંપર્કમાં ઓછી રહેતી હોય તે સમાજમાંથી આવેલી યુવતીઓ તક મળતાં જ યુવકો તરફ આકર્ષિત થઈ જાય છે. વાત તો માત્ર દોસ્તીથી જ શરૂ થાય છે, પરંતુ છેવટે તો વિચારોનો મેળ ન હોવાની અથવા એકતરફી આકર્ષણ હોવાની વાત ઉપર આવી અટકે છે. આવા યુવકો સાથેથી પોતાનો પિંડ છોડાવતાં છોડવતાં તો નવ નેજાં આવી જાય છે.”

સમજી વિચારીને જ દોસ્તી કરો

શીતલ પણ આજકાલ આ સમસ્યાથી ઘેરાયેલી છે. કોલેજનો અભ્યાસ પૂરો થયા પછી શીતલનો આખો દિવસ ઘરમાં જ લેપટોપ ઉપર નજર જમાવીને બેસી રહેવામાં જ પૂરો થાય છે…! દરેક વખતે તે ફેસબૂક અને ટ્વિટર ઉપર યુવકો સાથે જ વાતો કરતી રહે છે. તેમાંના કેટલાક યુવકો તેની ઓળખાણમાં પણ છે, તો કેટલાકને તે ફેસબુકના માધ્યમના કારણે ઓળખે છે. પરંતુ સમજ્યા-વિચાર્યા વિના સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર એક અજાણ યુવક સાથેની દોસ્તીનું પરિણામ તે ભોગવી રહી છે.

ચેટિંગથી થયેલી શરૂઆત હવે ફોન કોલ્સ અને સમય કસમય મિસ્ડ કોલ અને મેસેજો સુધી પહોંચી ગઈ છે. હવે તો તેના ઉપર અજાણ્યા નંબરો ઉપરથી પણ ફોન આવવા માંડયા છે. તે ખરેખર તો પરેશાન થઈ ગઈ છે કે હવે કરવું શું? બેશક શીતલ સાથે જે થયું છે તેમાં કોઈ નવી વાત નથી. આજકાલ ન્યૂઝ પેપરોમાં આવી પરેશાન યુવતીઓના સમાચાર છપાતા જ રહે છે જે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર કોઈક ઘટનાનો શિકાર થયેલ હોય છે, પરંતુ સમસ્યા એ છે કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો? તે વિશેની ગાઈડ લાઈન્સ વારંવાર ન્યૂઝ પેપરોમાં છપાયા જ કરે છે. તેમ છતાં યુવતીઓ તેને નજરઅંદાજ કરે છે અને પરિણામે તેનાં દુષ્પરિણામ ભોગવવા પડે છે.

ઈમોશનલ ડ્રામા

પોતાની આપવીતી કહેતાં સુરતની ફેસબૂક પ્રેમી દિવ્યા કહે છે કે, ”હું આખો દિવસ ઘરે જ રહું છું. જ્યારે બેઠી બેઠી બોર થઈ જાઉં છું ત્યારે ફેસબુક ઉપર પોતાના દોસ્તો સાથે ચેટિંગ કરી લઉં છું. મારા મોટા ભાગના દોસ્તો યુવકો જ છે. કેટલાક દિવસો પહેલાંની વાત છે. હું મારા એક દોસ્ત સાથે ફેસબુક ઉપર ઘણી વાર વાતો કરું છું. તેની વાતો મને ખૂબ જ ગમે છે. એક દિવસ તેણે મને ફેસબુક ઉપર જ પ્રપોઝ કર્યું અને મેં પણ તેના પ્રપોઝલનો સ્વીકાર કર્યો. કેટલાક દિવસો પછી મને ખબર પડી કે તે યુવક મારી સાથે ફ્લર્ટ કરી રહ્યો છે. તે આ પહેલાં પણ ઘણી યુવતીઓ સાથે આવું કરી ચૂક્યો છે.”

”આ વાત જ્યારે મને ખબર પડી ત્યારે મને તેના તરફ ખૂબ જ નફરત થઈ ગઈ. હજુ પણ તે મને કોલ કરે છે અને પોતાના સાચા પ્યારનાં ગાણાં ગાય છે, પરંતુ હવે મને તેની બધી જ વાતો જુઠ્ઠી લાગે છે.”

કેટલીક વખત એવું જોવામાં આવે છે કે યુવક યુવતીઓ સામે ઈમોશનલ ડ્રામા કરી તેમને પોતાના પ્યારની જાળમાંથી નીકળવા દેતા નથી અને પછી પોતાનો મતલબ પૂરો થઈ ગયા પછી એ જ યુવતીઓને ટાટા અને બાય બાય કરતાં પણ અચકાતા નથી. સમાજમાં પોતે બેઈજ્જત થઈ જશે એવા ડરથી આ યુવતીઓ પણ કશું કરી શકતી નથી. બસ, અંદર ને અંદર રીબાયા કરે છે.

હક જ્યારે હુકમમાં ફેરવાઈ જાય

આમ તો માત્ર સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના મિત્રો જ નહીં, પરંતુ ક્યારેક ક્યારેક તો જે યુવકને યુવતી પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માનતી હોય તે પણ આ પ્રકારની દોસ્તીને પ્યાર સમજવાની ભૂલ કરી યુવતીને પોતાની પ્રોપર્ટી સમજવા માંડે છે અને તેના ઉપર જબરદસ્તી પોતાનો અધિકાર જમાવવા માંડે છે.

આ વિષયમાં ડો. અંજુનું કહેવું છે કે, ”બે મિત્રોમાં એકબીજા ઉપર પોતાનો અધિકાર જમાવવો એ આમ તો સામાન્ય બાબત છે, પરંતુ હક જમાવવામાં હુકમ ચલાવવામાં આવે ત્યારે સ્થિતિ થોડીક ગંભીર થઈ જાય છે અને જો યુવતી થોડીક હિંમતવાળી હોય તો તરત જ તે યુવક સાથેથી પોતાનો પિંડ છોડાવવા રસ્તાઓ શોધવા માંડે છે.”

ખરેખર તો દોસ્તી કરો પણ સતર્ક રહીને. આજકાલ જ્યાં યુવક અને યુવતીઓમાં કોઈ ભેદભાવ નથી ત્યાં એકબીજા સાથે મળવું, વાતો કરવી એ તો સામાન્ય બાબત છે. આવા સંજોગોમાં એકતરફી પ્રેમથી બચવા માટે એક વાત જરૂરી છે કે આ બાબત અને તેની એક મર્યાદા વિશે તમે શરૂઆતથી જ જ ખુલ્લા મને વાત કરી લો. જેથી તમારો દોસ્ત પોતાની મર્યાદા તોડવાનો ક્યારેય પ્રયત્ન ના કરે. આમ કરીને અને થોડીક સૂઝબૂઝથી કામ લઈ તમે તમારી સાથે બનનારી કોઈ પણ અનહોની ઘટનાથી બચી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન