માલદીવમાં ઈમરજન્સીથી ભારત ચિંતિત, પરંતુ સૈન્ય હસ્તક્ષેપ પર મૌન - Sandesh
  • Home
  • World
  • માલદીવમાં ઈમરજન્સીથી ભારત ચિંતિત, પરંતુ સૈન્ય હસ્તક્ષેપ પર મૌન

માલદીવમાં ઈમરજન્સીથી ભારત ચિંતિત, પરંતુ સૈન્ય હસ્તક્ષેપ પર મૌન

 | 9:52 pm IST

માલદીવમાં ચાલી રહેલા રાજનૈતિક સંકટને લઈને ભારતે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આક્રમક પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું હતું કે માલદીવની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમરજન્સીથી તે ખુબ જ ચિંતિત છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને રાજકિય હસ્તીઓની ધરપકડ ચિંતાનો વિષય છે. જો કે સૈન્ય હસ્તક્ષેપને લઈને ભારતે કંઈ જ કહેવાનો ઈનકાર કરી દીધો છે.

માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે દેશમાં ઉભા થયેલા રાજનૈતિક સંકટના સમાધાન માટે ભારતને ‘તત્કાળ કાર્યવાહી’ કરવાની માંગણી કરી હતી.

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમે માલદીવમાં સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટની ફુલ બેંચના સર્વાનુંમતે આપવામાં આવેલા આદેશનું પાલન કરવાનો ઈનકાર કર્યા બાદ જાહેર કરવામાં આવેલી ઈમરજન્સી અને માલદીવની જનતાના બંધારણીય અધિકારો હણવાથી ખુબ જ ચિંતિત છીએ. મંત્રાલયે ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને રાજનૈતિક હસ્તિઓની ધરપકડ ચિંતાનો વિષય છે.

આ અગાઉ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારતને માલદીવમાં ઉભા થયેલા રાજનૈતિક સંકટના સમાધાન માટે સૈન્ય હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો હતો. નશીદે આ અનુરોધ ન્યાયપાલિકા અને રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન વચ્ચે વધી રહેલા ટકરાવ દરમિયાન કર્યો હતો. યામીને ગઈ કાલે સોમવારે દેશમાં ઈમરજન્સી લાદી દીધી હતી અને ત્યાર બાદ ચિફ જસ્ટિસની ધરપકડ કરવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે ગંભીર ચિંતા વ્યક્ત કર્યા બાદ ભારતે માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપ કરવાને લઈને કોઈ જ ટિપ્પણી કે ખુલાસો કર્યો ન હતો.