કાશ્મીરમાં સબસલામતની આલબેલ પણ આતંકી હુમલાઓ ક્યારે બંધ થશે? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કાશ્મીરમાં સબસલામતની આલબેલ પણ આતંકી હુમલાઓ ક્યારે બંધ થશે?

કાશ્મીરમાં સબસલામતની આલબેલ પણ આતંકી હુમલાઓ ક્યારે બંધ થશે?

 | 10:30 am IST
  • Share

છેલ્લા બે વર્ષથી કાશ્મીરની વાદીઓમાં અમનચેન જોવા મળી રહ્યા છે. સરકારે બે વર્ષ પહેલાં કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી ત્યાં શાંતિ અને સ્થિરતાનો પ્રકાશપુંજ ફેલાઈ રહ્યો છે. ભારતની આર્મીનાં ઓપરેશન ઓલઆઉટ પછી આતંકીઓ તેમજ આતંકી સંગઠનોની કમર તૂટી ગઈ છે. ભલભલા ખૂંખાર આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર હવે ત્યાં નવું સીમાંકન અને પછી ચૂંટણીઓ કરાવવા જઈ રહી છે. સુરક્ષાદળોનો ચુસ્ત બંદોબસ્ત કાશ્મીરીઓની રખેવાળી કરી રહ્યો છે. આમ છતાં આતંકી હુમલાની નાની-મોટી ઘટનાઓ થઈ રહી છે. જે એવો સંકેત આપે છે કે ફુલપ્રૂફ બંદોબસ્ત વચ્ચે પણ આતંકીઓ માથું ઊંચકી રહ્યા છે. સરકાર સબસલામતની આલબેલ પોકારી રહી છે પણ લોકોનાં મનમાં એવા સવાલો ઊઠી રહ્યા છે કે, આ આતંકી હુમલાઓ ક્યારે બંધ થશે. સુરક્ષાદળોની બાજ નજર પછી ત્યાં આતંકવાદી અને ભાગલાવાદી પ્રવૃત્તિઓ પર લગામ ચોક્કસ લાગી છે આમ છતાં ક્યાંક કશુંક ખૂટી રહ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલાં શ્રીનગરમાં આતંકીઓએ રસ્તા પરથી પસાર થતા એક નિર્દોષ પોલીસની ફાયરિંગ કરીને હત્યા કરી નાખી હતી. છેલ્લા થોડા મહિનામાં એક પણ અઠવાડિયું એવું નહીં હોય કે, ત્યાં આતંકી હુમલાઓ ન થયા હોય. આતંકીઓએ જે પોલીસની હત્યા કરી તે વ્યક્તિ હજી હમણાં જ પોલીસ ખાતામાં જોડાયો હતો અને તાલીમ લઈ રહ્યો હતો. આતંકીઓ પોલીસ અને સુરક્ષાદળનાં જવાનોની હત્યા કરીને પોલીસ બેડામાં ગભરાટ ફેલાવવા માંગે છે જેથી કોઈ સેના કે પોલીસમાં જોડાય નહીં. જો કે, આતંકીઓનો આ કારસો નિષ્ફળ જઈ રહ્યો છે. આને કારણે સુરક્ષાદળો કે જવાનોનું મનોબળ ઓછું થયું નથી. છેલ્લા એક વર્ષમાં ૧૦૦થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા પછી આતંકીઓ હચમચી ગયા છે. આથી હતાશા અને નિરાશામાં તેઓ હુમલા કરીને તેમનું અસ્તિત્વ પુરવાર કરવા માંગે છે. હાલ જે કંઈ નાના-મોટા હુમલાઓ થઈ રહ્યા છે તે દર્શાવે છે કે, આતંકીઓનાં નેટવર્કનો સફાયો થયો નથી. આતંકીઓ હમણા રાજકારણીઓ કે રાજકીય નેતાઓ અને કાર્યકરોની હત્યા કરીને લોકોમાં ખોફ ફેલાવવા માગે છે પણ તેમની દાળ ગળવાની નથી. રાજ્યમાં રાજકીય પ્રોસેસ ખોરવવાનાં તેનાં પ્રયાસો કોઈ સંજોગોમાં સફળ થશે નહીં. જે રીતે ત્યાં પંચાયતો અને સ્થાનિક એકમોની ચૂંટણીઓ યોજવાની તૈયારી કરવામાં આવી છે તે પછી આતંકીઓ ડઘાઈ ગયા છે. રાજ્યમાં તાજેતરમાં જે આતંકી ઘટનાઓ બની તેમાં સ્થાનિક આતંકીઓનો હાથ હોવાનું બહાર આવ્યું છે. તેઓ લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહંમદ જેવા મોટા આતંકી સંગઠનો માટે કામ કરી રહ્યા છે. પાકિસ્તાને હવે ભારત સાથે પ્રોક્સી વોર લડવા માટે નવો ડ્રોન દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવાનો રસ્તો અપનાવ્યો છે. આતંકીઓને હથિયાર પહોંચાડવા પણ ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. કાશ્મીરમાં દરરોજ ક્યાંકને ક્યાંક મોટા જથ્થામાં હથિયારો મળી આવવાની ઘટનાઓ બની રહી છે. જે દર્શાવે છે કે, સ્થાનિક આતંકીઓ સક્રિય છે. આતંકીઓ હવે નાના ગામડાઓમાં તેમનાં અડ્ડા બનાવી રહ્યા છે. જંગલોમાં સુરંગો બનાવીને રહેવા લાગ્યા છે. આતંકી સંગઠનો ગામડાનાં બેકાર યુવાનોને લાલચ આપીને તેમજ ભારત વિરુદ્ધ ઉશ્કેરીને આતંકી બનાવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું રાજ આવ્યા પછી ભારત માટે ખતરો વધ્યો છે. પાકિસ્તાન કાશ્મીર તેમજ અન્ય સરહદી રાજ્યોમાં તાલિબાની આતંકીઓને ઘુસાડીને હુમલાઓ કરી શકે તેમ છે. સુરક્ષા દળો ભલે તેમની રીતે સરહદો પર ચાંપતી નજર રાખી રહ્યા હોય પણ સ્થાનિક આતંકીઓ દ્વારા વધી રહેલા હુમલાઓ સરકાર માટે મોટો પડકાર બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન