ક્યાં સરદાર અને ક્યાં આજના સત્તાકાંક્ષી નેતાઓ - Sandesh
  • Home
  • Columnist
  • ક્યાં સરદાર અને ક્યાં આજના સત્તાકાંક્ષી નેતાઓ

ક્યાં સરદાર અને ક્યાં આજના સત્તાકાંક્ષી નેતાઓ

 | 3:24 am IST

ઘટના અને ઘટન :-  મણિલાલ એમ. પટેલ

કાશ્મીરમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી શાંતિ હોય એ જ મીડિયા માટે સમાચાર ગણાય છે. અશાંતિ, પથ્થરબાજી ને આતંકી હુમલા ત્યાં રોજિંદી ઘટનાઓ બની ગઈ છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કાશ્મીરની પ્રજા અને હવે તો ભારતની પ્રજાને પણ કાશ્મીરની ઘટનાઓ જાણે કોઠે પડી ગઈ છે. મોટા આતંકી હુમલાને બાદ કરતાં દૈનિક પથ્થરબાજીની ઘટનાઓની ભાગ્યે જ નોંધ લેવાય છે. પ્રજા તો જાણે અશાંતિ ને આતંક વચ્ચે જીવવા ટેવાઈ ગઈ છે. હમણાં કાશ્મીરના પ્રવાસે ગયેલા એક તામિલ પ્રવાસીનું પથ્થરમારાને કારણે મોત થતાં પાછો નેતાઓએ એ જ ચવાયેલા ને ચૂંથાયેલા શબ્દોમાં ખરખરો કર્યો. દુર્ભાગ્યે દેશમાં આતંકને ધર્મ સાથે જોડવાની જાણે ફેશન થઈ ગઈ છે. હમણાં તો હદ ત્યારે થઈ કે કાશ્મીરમાં સગીરાની બળાત્કાર બાદ કરાયેલ હત્યાની ઘટનાને પણ સ્વાર્થી રાજકીય તત્ત્વોએ ધર્મ સાથે જોડી. એમાં વધુ દુઃખદ તો એ હતું કે ખુદ શાસકપક્ષના સભ્યો પણ બળાત્કારીઓના બચાવની રેલીમાં જોડાયા.

કાશ્મીરમાં આઝાદીનાં નામને બહાને નર્યો આતંક ચાલે છે અને લશ્કરને પણ બદનામ કરવાની ભરપૂર કોશિશો થાય છે. લશ્કર એ સુરક્ષાદળ છે તે હાથ જોડીને પ્રાર્થના કરીને પથ્થરબાજોને કેવી રીતે સમજાવે? તેને ક્યાંક તો વત્તા-ઓછા પ્રમાણમાં બળ વાપરવું જ પડે. ધર્મ તથા આઝાદીનાં નામે નિર્દોષ બેકાર યુવાનોના હાથમાં પૈસા આપીને પથ્થર પકડાવી દેવાની વાતો હવે જગજાહેર છે. પાકિસ્તાન ભારતની આંતરિક સ્થિતિનો ભરપૂર ગેરલાભ ઉઠાવીને આતંકીઓને મદદ કરી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે તાજેતરમાં જ મુંબઈ હુમલામાં પાકિસ્તાનસ્થિત આતંકી સંગઠનોની ભૂમિકાનો લાંબા ગાળે વિલંબથી પણ સ્વીકાર કર્યો. જે અંગે પાકિસ્તાન વર્ષોથી નન્નો ભણતો આવ્યો છે.

કેન્દ્રમાં જે પક્ષોની સરકાર છે તે જ પક્ષોની કાશ્મીરમાં પણ સરકાર છે. પાકિસ્તાન, આતંકવાદ અને કાશ્મીર અંગે ૨૦૧૪માં તેજીલાં ભાષણો કરનાર પક્ષ કેન્દ્રમાં સરકાર ચલાવે છે અને કાશ્મીરમાં પણ તેની સત્તામાં ભાગીદારી છે. કાશ્મીરમાં ચૂંટણી સમયે પીડીપીની વ્યાપક ટીકાઓ કરનાર ભાજપ આજે કાશ્મીરમાં પીડીપી સરકારમાં હિસ્સેદાર છે. નફાની જેમ નુકસાનમાં પણ ભાગીદારની સરખી જ જવાબદારી છે. કાશ્મીરની સ્થિતિ માટે પીડીપીની પેઠે ભાજપ પણ એટલો જ જવાબદાર છે. નિર્દોષ નાગરિકો પર પથ્થરબાજી કરીને તેને મોતને ઘાટ ઉતારનારાને દિશા ભૂલેલા યુવાનો ગણવાને બદલે આતંકવાદી જ ગણવા જોઈએ. કાશ્મીરના વિકાસ માટે અત્યાર સુધીની ભારત સરકારોએ ઢગલાબંધ રૂપિયા ખર્ચ્યા છે, છતાં સ્થિતિ ઠેરની ઠેર છે. એમાંયે પ્રવાસીઓ પર હુમલા થશે તો પ્રવાસીઓ પર નભતા કાશ્મીરીઓ પોતાના પગ પર જ કુહાડો મારી રહ્યા છે.

સૌથી વધુ ખરાબ ને શરમજનક વાત તો એ છે કે, પથ્થરમારાના દસ હજાર જેટલા કેસોમાં સંડોવાયેલા નવ હજારથી વધુ લોકો સામેના કેસો કાશ્મીરની પીડીપી-ભાજપની સરકારે પાછા ખેંચી લીધા અને જેમને જેલમાં પૂરેલા તેમને છોડી મૂક્યા. આ કેવું આદર્શ શાસન. આ પથ્થરબાજો કોઈ લોકઆંદોલનનું નેતૃત્વ કરનારા નથી પણ નિર્દોષ નાગરિકોને, સંપત્તિને નુકસાન કરનારા એક પ્રકારના આતંકવાદીઓ જ છે. જેનો આતંકવાદી સંગઠનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. આ યુવાનો લશ્કરને પણ છોડતા નથી, તેમના પર હુમલો કરે છે, પથ્થરો ફેંકે છે અને પેટ્રોલબોંબ નાખે છે. તેના પર ગોળીબાર કરનારાના લશ્કરીજવાનો પર હત્યાના ગુનાની ફરિયાદ નોંધવામાં આવી. જોકે દેશની સર્વોચ્ચ અદાલતે આ ફરિયાદ રદ કરીને યોગ્ય અને સાચી દિશાનો ન્યાય આપ્યો ને સરકારની કાનપટ્ટી પકડી.

આજના નેતાઓ અને શાસકો તથા સરકારો જોઈએ છીએ ત્યારે ૩૦ સપ્ટેમ્બર, ૧૯૪૭ની દેશના તત્કાલીન ગૃહમંત્રી સરદાર પટેલની એક ઘટનાનું સ્મરણ થાય છે. કાયદાની નજરે ગુંડો એ ગુંડો છે પછી તે હિંદુ કે મુસલમાન. એક નિર્દોષ મુસ્લિમને સજા ન થવી જોઈએ સાથે કોઈ હિંદુ દોષિત ગુંડો છૂટી પણ ન જવો જોઈએ, એવું કડક વલણ ને વર્તન દાખવનારા ગૃહમંત્રી વલ્લભભાઈ ૭૨ વર્ષની જૈફ વયે કથળતાં સ્વાસ્થ્ય વચ્ચે સરકારનાં ટાંચાં સાધનો ને સુરક્ષાબળો વચ્ચે દેશનાં વિભાજનની સરકારી જવાબદારી નિભાવી રહ્યા હતા ત્યારે સપ્ટેમ્બરમાં પાકિસ્તાન જતાં હજારો મુસ્લિમો અમૃતસર પાસેથી નીકળે છે ત્યારે તેને અટકાવીને શીખો દ્વારા તેના પર હુમલા કરાય છે તેની સરકારને જાણ થતાં મારામારી, કાપાકાપી અને વ્યાપક હિંસાના માહોલમાં તેઓ અમૃતસર પહોંચ્યા અને શીખ આગેવાનો અને જથ્થેદારોને સમજાવીને વિમાનીમથકે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં હજારો નિરાશ્રિતોએ તેમની કાર રોકી. તેમના સચિવ શંકરે સુરક્ષાને કારણે ત્યાંથી નીકળી જવા સરદાર વલ્લભભાઈને સૂચવ્યું. એ વખતે આજના નેતાઓની પેઠે ઝેડ કે ઝેડપ્લસની કોઈ સુરક્ષા નહોતી. જોતજોતામાં લાખ-દોઢ લાખનું ટોળું એકત્ર થયું.

વલ્લભભાઈ ગાડીનાં બોનેટ પર ચડી ગયા અને હિંમતપૂર્વક દિશા ભૂલેલા શીખોને લોકનેતાની અદાથી સમજાવ્યા કે જે હિંદુ-મુસ્લિમો અને શીખોએ જલિયાંવાલા બાગમાં દેશ માટે સંયુક્ત લોહી વહાવ્યું હતું તે આજે ભુલાઈ ગયું છે, જેથી અમૃતસરમાં કોઈ મુસ્લિમ કે લાહોરમાં કોઈ શીખ કે હિંદુ સલામત રીતે હરીફરી શકતો નથી. નિર્દોષ ને રક્ષણ વગરનાં સ્ત્રી-પુરુષો અને બાળકોની કતલ કરવી એ શૂરવીરોને શોભતું નથી. પૂર્વ પંજાબમાંથી બધા મુસલમાનોને સલામત મોકલી આપીએ અને ત્યાંથી બધા ભાઈ-બહેનોને સલામત લઈ આવીએ તેમાં જ દેશનું સાચું હિત સમાયેલું છે. નિરાશ્રિતોની સામે લડવું એ લડાઈ નથી. શરણે આવેલા કે આશરો શોધનારને હત્યા કરવાની છૂટ માણસાઈ અને લડાઈના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. કડક સરદારનો હૃદયસ્પર્શી ને સંવેદનશીલ સંદેશો શીખોનાં હૃદયમાં સોંસરવો ઊતરી ગયો ને અદલાબદલી સરળ બની સરદારનાં નામની માળા જપનારા તેમનાં જીવનમાંથી આટલું પણ શીખે ઔતોય ઘણું છે.

ગાંધીજી કોલકાતામાં ઉપવાસ પર હતા. વડા પ્રધાન જવાહરલાલ તેમને મળવા ગયા. કોઈએ તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો. સુરક્ષાવિહીન નહેરુ હિંમતપૂર્વક ટોળાંની વચ્ચે ગયા ને કહ્યું કે મને મારો, મને મારવાથી શાંતિ થઈ જવાની હોય તો તેમ કરો. દિલ્હી છોડીને તોફાનો ડામવા કોલકાતા જવા ઇચ્છતા નહેરુને સરદારે રોક્યા હતા અને પોતે ગયા હતા. ટાંચાં સાધનો વચ્ચે સરદારે રાતોરાત સો જેટલાં વિમાનો એકત્ર કરીને કાશ્મીરને કેવી રીતે બચાવ્યું હશે? કેવા હતા એ નેતાઓ? ને કેવા હતા શાસકો. આજે તો ઝેડપ્લસ સુરક્ષા વચ્ચે પણ નેતાઓ લોકો વચ્ચે જતાં ડરે છે. જેથી પ્રજાને સરકાર તથા નેતાઓ વચ્ચેનું અંતર વધ્યું છે અને નાતો ને પ્રભાવ ઘટયા છે. થોડા સમય પહેલાં આતંકી હુમલા સમયે એક પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી ટીવી પર ઇન્ટરવ્યૂ આપવા કપડાં બદલવા ગયા હતા. ક્યાં છે સરદાર કે નહેરુ જેવા લોકનેતાઓ કે જે નિર્ભયતાપૂર્વક પ્રજાની વચ્ચે જઈને તેમની વેદના-વ્યથા સાંભળીને પ્રશ્નો ઉકેલતા. આજે તો અપાર સાધનો વચ્ચે પણ પ્રશ્નો વધતા અને અટવાતા જાય છે, તેનું કારણ કાયર, કમજોર, આકાંક્ષી ને માયકાંગલા નેતાઓની વણઝાર છે. જે પ્રશ્નો ઉકેલવાને બદલે તેના પર ધૂળ-લીંપણ કરે છે.