Where the infection took place in two positive cases of Rajkot
  • Home
  • Corona live
  • ‘કોરોના’નો કહેર: રાજકોટના બે પોઝિટિવ કેસમાં ચેપ ક્યાંથી લાગ્યો તે એક ભયજનક રહસ્ય

‘કોરોના’નો કહેર: રાજકોટના બે પોઝિટિવ કેસમાં ચેપ ક્યાંથી લાગ્યો તે એક ભયજનક રહસ્ય

 | 7:05 am IST

ગુજરાત રાજ્ય આવનારા દિવસોમાં કોરોનાની ગર્તામાં ધકેલાઈ જાય તેવો ભય આંગણે આવી ટકોરા મારી રહ્યો છે. રાજકોટમાં બે દિવસ પહેલા ૭૫ વર્ષની વૃદ્ધા અને ગુરૂવારે તેમના ૪૦ વર્ષના પુત્રને કોવિડ-૧૦ પોઝિટિવ આવ્યો. આમાં ભય એ છે કે, આ બંનેને ચેપ ક્યાંથી લાગ્યો તેની હિસ્ટ્રી જ શોધવામાં રાજ્યનો આરોગ્ય વિભાગ અત્યાર સુધી તો અસમર્થ રહ્યો છે. કમ્યુનિટી ટ્રાન્સફરનો આ પુરાવો ગણાવાય છે. રાજકોટના આ બે કેસના આધારે તબીબી નિષ્ણાતો ગુજરાતમાં પણ આવનારા દિવસો ચિંતાજનક હોવાનું માની રહ્યા છે.

અત્રે ખાસ નોંધવું જોઈએ કે, ૧૯મી માર્ચથી અત્યાર સુધીના ગુજરાતમાં કોરોના વાઇરસના પોઝિટિવ ૪૩ કેસોમાંથી ૧૬ દર્દીઓને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યાનું સત્તાવારપણે આરોગ્ય વિભાગે જાહેર કર્યો છે. ગુજરાતમાં ૧૯મી માર્ચે સૌથી પહેલાં રાજકોટમાં સાઉદી અરેબિયાથી આવેલા ૩૨ વર્ષના પુરુષ અને ત્યારબાદ લંડનથી આવેલા સુરતના ૨૧ વર્ષના મહિલાના સેમ્પલ ટેસ્ટમા કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ મળ્યાં હતા. ૪૩ કોરોના પોઝિટિવ પૈકી વિદેશથી આવેલા ૨૭ દર્દીઓને હોવાનુ જણાવતા આરોગ્ય વિભાગના દૈનિક હેલ્થ બુલેટિનમા ૨૧મી માર્ચે વિદેશ પ્રવાસ ન કર્યો હોય તેવા સુરતના વેપારીને કોરોનાથી ચેપગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં વિદેશથી આવેલા ૧૨ કોરોના પોઝિટિવ પછી સર્વ પ્રથમ લોકલ ટ્રાન્સમિશનથી ચેપગ્રસ્ત થયેલા સુરતના ૬૭ વર્ષના વેપારી દિલ્હી અને જયપુરનો પ્રવાસ કર્યાની હિસ્ટ્રી નોંધવામાં આવી છે. ત્યાર પછીના બીજા જ દિવસે ૨૨મી માર્ચે વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ન હોવા છતાય ગાંધીનગરમાં ૮૦ વર્ષના વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. પાછળથી આ વૃદ્ધાને દુબઇથી આવેલી પૌત્રીથી ચેપ લાગ્યાનું બહાર આવ્યુ હતુ. ગાંધીનગરના આ બહુચર્ચિત કિસ્સામાં દુબઇથી આવેલા યુવકને કારણે અત્યાર સુધીમાં લોકલ ટ્રાન્સમિશનથી પાંચ નાગરિકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

ગુજરાતમાં ગુરુવાર ૨૬ માર્ચ સુધીના ૪૩ પોઝિટિવ કેસોમાં ૧૬ દર્દીઓને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો છે. જેમાં વડોદરાના ત્રણ કેસમાં શ્રીલંકાથી આવેલા સગાં-સંબધીઓ મારફતે ચેપ લાગ્યાના અહેવાલો છે. ૧૬ દર્દીઓને પૈકી ૨૪માર્ચને સોમવારે સાંજે ૭૫ વર્ષના મહિલા બે દિવસ પછી ૨૬માર્ચને ગુરુવારે તેમના ૪૨ વર્ષના પુત્રને કોરોનાનો ચેપ કેવી રીતે લાગ્યો તેની હિસ્ટ્રી હજુ સુધી રાજકોટ કોર્પોરેશનની હેલ્થ ટીમને મળી નથી.

આ બંને માતા-પુત્ર કે તેમના પરિવારમાંથી કોઇએ વિદેશ પ્રવાસ કર્યો નથી. આથી, બીજા તબક્કાના ક્લસ્ટર બહારથી કોરોનાનો ચેપ પ્રસર્યો હોવાથી આરોગ્ય વિભાગે રાજકોટના કેસમાં કોમ્યુનિટી ટ્રાન્સફ્ર અર્થાત ત્રીજા તબક્કામાં કોરોના વાઇરસ પ્રસરી રહ્યાની શંકા વ્યક્ત કરી છે. જો કે, રાજકોટ કોર્પોરેશનની હેલ્થ ટીમ હિસ્ટ્રી શોધી રહી હોવાથી આ અંગેની સત્તાવાર જાહેરાત ઇન્વેસ્ટિગેશન પ્રોટોકોલના અંતે કરશે.

કોવિડ-૧૯ના ત્રણ તબક્કા : લોકલ  ટ્રાન્સમિશનથી કોમ્યુનિટી ટ્રાન્સફર

કોવિડ-૧૯ના ફેલાવામાં ત્રીજો તબક્કો ખુબ જ જોખમી કહેવાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ- ICMR ભારતમાં આ તબક્કો હજુ શરૂ ન થયો હોવાનુ કહે છે પરંતુ રાજકોટમાં ટ્રાવેલ હિસ્ટ્રી વગરના બે કેસ મળ્યા પછી ગુજરાતમાં ત્રીજો તબક્કો શરૂ થઇ ગયો હોય તો નવાઇ નહીં.

પહેલો તબક્કો : વિદેશથી આવેલા વ્યક્તિમાં કોરોના વાઇરસના લક્ષણો દેખાવા.

બીજો તબક્કો : વિદેશથી આવેલા વ્યક્તિના સંપર્કથી તેના પરિવાર કે આસપાસના ક્લસ્ટરમા તેનો ચેપ પ્રસરી-લોકલ ટ્રાન્સમિશન.

ત્રીજો તબક્કો : લોકલ ટ્રાન્સમિશનને કારણે જેઓ વિદેશથી આવ્યા ન હોય અથવા આવા પ્રવાસીના સંસર્ગમાં જ ન હોય તેવા સામાન્ય નાગરિકમાં ફેલાવો થાય તેને કોમ્યુનિટી ટ્રાન્સફ્ર કહે છે જેમા રસ્તે ચાલ્યા જનારને પણ ચેપ લાગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન