Which area of ​​beans is suitable for area?
  • Home
  • Agro Sandesh
  • કઠોળપાકોનું કયું બિયારણ કયા વિસ્તાર માટે અનુકૂળ? 

કઠોળપાકોનું કયું બિયારણ કયા વિસ્તાર માટે અનુકૂળ? 

 | 11:00 am IST

કઠોળ પાકનું વાવેતર વધારવા પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે ખેડૂતભાઈઓને કઠોળની ખેતીમાં માર્ગદર્શક બને એવી માહિતી અહીં આપી છે…

ચણા

ગુજરાત ચણા-૩- આ જાત ફક્ત વલ્લભીપુર અને તેની આજુબાજુના વરસાદ આધારીત વિસ્તાર માટે બહાર પાડવામાં આવેલ છે. આ જાતે ૧૨.૧૮, ૯.૮૫ અને ૮.૫૬ ટકા અનુક્રમે ચાફા, ગુજરાત ચણા-૧ અને ગુજરાત ચણા-૨ કરતાં વધુ ઉત્પાદન આપેલ છે. આ જાત સુકારા અને સ્ટન્ટ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. દાણાનો આકર્ષક કલર (પીળો), મોટા દાણા, વહેલી પાકતી અને ગ્રાહક તથા ખેડૂતોને પસંદ પડતી જાત છે. આ જાત હેક્ટરે ૧૪૮૩ કિલો ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

ગુજરાત ચણા-૫

ગુજરાતમાં પિયત પરિસ્થિતિ હેઠળ ચણા ઉગાડતા ખેડૂતોને ગુજરાત ચણા-૫ જાતનું વાવેતર કરવા ભલામણ કરવામાં આવેલ છે. આ જાતે (૨૫૧૦ કિ/હે) નિયંત્રણ હેઠળની જાતો જેવી કે દાહોદ પીળા (૧૯૬૭ કિ/હે) અને ગુજરાત ચણા ૧ (૨૨૩૬ કિ/હે) કરતા અનુક્રમે ૨૭.૬૧ અને ૧૨.૨૫ ટકા વધુ દાણાનું ઉત્પાદન આપેલ છે. આ જાતના દાણાં મધ્યમ કદના અને તપખીરીયા રંગના છે આ જાત સૂકારા તથા સ્ટન્ટના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.

ચણાની નવી જાત ગુજરાત

જૂનાગઢ ચણા ૬

ગુજરાતમાં બિનપિયત પરિસ્થિતિ હેઠળ ચણા ઉગાડતા ખેડૂતોને ગુજરાત જૂનાગઢ ચણા ૬ જાતનું વાવેતર કરવા ભલામણ કરવામાં આવે છે. આ જાતને (૧૮૬૭ કિ./હે.) નિયંત્રણ હેઠળની જાતો જેવી કે ગુજરાત ચણા ૧ (૧૬૪૩ કિ/હે) , ગુજરાત ચણા ૨ (૧૫૩૧ કિ./હે.) અને ગુજરાત જૂનાગઢ ચણા ૩ (૧૭૭૫ કિ./હે.) કરતા અનુક્રમે ૧૩.૬, ૨૧.૯ અને ૫.૨ ટકા વધુ દાણાનું ઉત્પાદન આપેલ છે. આ જાતના દાણા મધ્યમ કદના અને ઘાટા કથ્થાઈ રંગના અને ૧૯.૯ ટકા પ્રોટીન ધરાવે છે. આ જાત સૂકારા (૮.૭%) તથા સ્ટન્ટના રોગ (૫.૦%) સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.

વાલ 

ગુજરાત વાલ-૨

આ જાત એન ડબલ્યુ-૧૨૫-૩૬/કોકણ-૧ના સંકરણમાંથી પસંદગીની રીતે કઠોળ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી-નવસારી દ્વારા વિકસાવેલી જાત છે. દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. દક્ષિણ ગુજરાતમાં રવી વાવેતર માટે પણ અનુકૂળ છે. તેનું ઉત્પાદન ૧૪૩૪ કિ.ગ્રા./હે. એનડબલ્યુ-૧૨૫-૩૬ કરતાં ૫૮.૨૯ ટકા અને ગુ.વાલ-૧ કરતા ૪૧.૨૮ ટકા વધારે છે. તે વહેલી પાકતી (૧૨૦ દિવસ) જાત છે. ઉભડી અને ડીટરમેન્ટ પ્રકારનો છોડ થાય છે. મધ્યમ કદ અને ચોકલેટી સફેદફૂલો ધરાવે છે. રોગ અને જીવાતનો ઓછો ઉપદ્રવ જોવા મળે છે. વરસાદ આધારિત વાવેતરમાં પણ અનુકૂળતા ધરાવે છે.

તુવેર

આણંદ દાણા તુવેર-૨

મધ્ય ગુજરાતના વિસ્તાર માટે આણંદ દાણા તુવેર-૨ને ખેતી માટે વર્ષ ૨૦૦૯ દરમિયાન ભલામણ કરવામાં આવી છે. જે સફેદ અને મોટા દાણાવાળી જાત છે. બીડીએન-૨ અને આઈસીપીએલ-૮૭૧૧૯ કરતા અનુક્રમે ૨૪.૬ ટકા અને ૪૧.૧ ટકા વધુ ઉત્પાદન આપે છે.

વૈશાલી બીએસએમઆર-૮૫૩- (આઈસીપી-૭૭૩૬/બીડીએન-૧)/બીડીએન-૨માંથી બદનાપુર (મહારાષ્ટ્ર) દ્વારા વિકસાવેલી જાત છે. ગુજરા રાજ્યના તુવેર વાવતા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી છે. ચોમાસામાં એકલોપાક લેવા માટે વધુ અનુકૂળ છે. તેનું ઉત્પાદન ૧૬૪૭ કિ.ગ્રા./હે છે. દક્ષિણ ગુજરાતમાં બીડીએન-૨ જાત કરતાં ૧૮.૪૩ ટકા વધુ અને સમગ્ર ગુજરાતમાં ૧૦.૯૧ ટકા વધુ ઉત્પાદન આપે છે. સફેદ મોટા દાણા અને લાલ રંગના ફૂલ ધરાવતી જાત છે. તેમાં જીવાતનો ઓછો ઉપદ્વવ જોવા મળે છે. તેની શીંગની ઉપરની બાજુએ કાળી લીટીઓ અને નીચેની બાજુ લીસી તથા લીલી હોય છે. બીડીએન-૨ જાત કરતાં વધુ દાળ બને છે અને ચડવામાં ઓછો સમય લે છે. સૂકારો, એસએમડી અને ફાયટોફથેરા જેવા રોગ સામે પ્રતિકારક છે.

તુવેરની નવી જાત ગુજરાત

જૂનાગઢ તુવેર ૧

ગુજરાત રાજ્યના તુવેર ઉગાડતા ખેડૂતોને ગુજરાત જૂનાગઢ તુવેર ૧ (જી.જે.પી.-૧) જાતનું વાવેતર કરવા ભલામણ કરવામાં આવે છે. આ જાતે (૨૧૧૫, ૨૦૪૫ અને ૧૯૮૭ કિ./હે.) નિયંત્રણ હેઠળની જાતો જેવી કે બી.ડી.એન.૨ (૧૫૨૪ કિ./હે.) , આઈ.સી.પી.એલ. ૮૭૧૧૯ (૧૮૫૮ કિ./હે.) અને વૈશાલી (૧૫૫૭ કિ./હે.) કરતા અનુક્રમે ૩૮.૭૮, ૧૦.૦૬ અને ૨૭.૬૨ ટકા વધુ ઉત્પાદન આપેલ છે. આ મધ્યમ મોડી પાકતી (૧૭૬ દિવસ) જાત છે. જી.જે.પી. ૧ જાત સૂકારા (૧૩.૮૯%) અને વંધ્યત્વના રોગ (૧૩.૮૯%) સામે સારી પ્રતિકારક્તા ધરાવે છે. આ જાતના દાણા મોટા કદના અને સફેદ રંગના છે.

મગ

મગ-જી.બી.એમ.-૧

 (આર.ટી.એમ-૧૦)

આ જાતે ૯૩૦ કિલો/હેક્ટર દાણાનું ઉત્પાદન આપેલ છે. જે.સી.ઓ.-૪ જાત કરતાં ૨૭.૭૫ ટકા વધુ ઉત્પાદન છે. આ જાત વહેલી પાકતી, મધ્યમ ઊંચી અને કાળા રંગના મોટા દાણા ધરાવે છે તેમજ પીળો પંચરંગીયો રોગ, ભૂકી છારો અને મેક્રોફોમીના બ્લાઈટ (સૂકારો) રોગ સામે પ્રતિકારક જાત છે. તે સંગ્રહિત ભેજની પરિસ્થિતિમાં શિયાળુ (રવી) વાવેતર માટે અનુકૂળ છે. આ જાત દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વાવેતર કરવા ભલામણ કરવામાં આવેલ છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન